લાજવાને બદલે ગાજતી સંચાલિકાઓ પોલીસ હવાલે, ‘અબતક’ની ટીમે ત્રીજા કૂટણખાનાનો કર્યો પર્દાફાશ

શહેરના પોશ વિસ્તારના ચાલતા કૂટણખાના પર સ્ટીંગ ઓપરેશન કરી લોહીના વેપારનો ‘અબતક’ની ટીમ દ્વારા એક સપ્તાહમાં ત્રીજું સ્ટીંગ ઓપરેશન કરતા પોલીસની નજર હેઠળ અને પોલીસની બાજ નજર હેઠળ ચાલતા કૂંટણખાનાના સંચાલકોમાં ફફડાટ મચી ગયો છે. ગઇકાલે ગાંધીગ્રામ વિસ્તારના જીવંતિકાનગરમાં ચાલતા કૂંટણખાના પર ‘અબતક’ની ટીમ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. રૂપલલના અને કૂંટણખાના સંચાલક મહિલા લાજવાના બદલે ગાજતી હોય તેમ પોતાની સફાઇ રજુ કરવા ‘અબતક’ કાર્યલય ખાતે ઘસી આવી અસભ્ય વર્તન કરતા બંને સામે પોલીસે એટ્રોસિટી અંગે ગુનો નોંધી લોકઅપ હવાલે કરાઇ છે.

રાજકોટ શહેરમાં વધતા કુટણખાનાના દુષણ વચ્ચે ’અબતક’ દ્વારા વધુ એક લોહીના વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મહિલા સંચાલિત કુટણખાનાનું સ્ટિંગ ઓપરેશન કરીને ’અબતકે’ ખુલ્લેઆમ થતા લોહીના વેપારને પ્રજા સમક્ષ મૂક્યું છે. આશરે 2 હજાર રૂપિયામાં રંગીન મિજાજી ગ્રાહકોને ’ફુલ સર્વિસ’ પુરી પાડતા આ કુટણખાનાનું સમગ્ર સંચાલન એક મહિલા દ્વારા કરવામાં આવે છે જ્યારે ગ્રાહક શોધવાનું કાર્ય પણ અન્ય એક મહિલા જ સંભાળે છે. ડિજિટલ કુટણખાના માફક વોટ્સએપ પર ફોટો મોકલી રંગીન મિજાજી ગ્રાહકોને આકર્ષી લોહીનો વેપાર કરાતો હતો.

શહેરના ગાંધીગ્રામ વિસ્તારના જીવંતીકાનગર સોસાયટી શેરી નંબર-1ના ખુણે દિપા ચૌહાણ નામની મહિલા દ્વારા રૂપ લલનાઓ રાખીને લોહીનો વેપાર કરવામાં આવે છે. જ્યારે હર્ષા પરમાર નામની મહિલા દ્વારા ગ્રાહક શોધવામાં આવે છે. રંગીન મિજાજી ગ્રાહક શોધીને વોટ્સએપ મારફત રૂપ લલનાનો ફોટો મોકલીને કારસ્તાન આચરવામાં આવે છે. નોંધનીય બાબત તો એ છે કે, હર્ષા પરમાર ફક્ત એક નહીં પરંતુ બે કુટણખાના સાથે સંકળાયેલી છે. પ્રથમ દીપા ચૌહાણના કુટણખાના ખાતે ગ્રાહક લઈ જવામાં આવે છે અને ત્યાં સેટિંગ આવ્યું તો ઠીક નહીં તો તરત જ ગ્રાહકને ત્યાંથી અન્ય એક કુટણખાનામાં રહેલી રૂપ લલનાના ફોટો મોકલી ત્યાં મોકલી દેવામાં આવે છે.

સમગ્ર વિગતોની ખરાઈ કર્યા બાદ ’અબતક’ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હર્ષા પરમારને વોટ્સએપમાં મેસેજ કર્યા બાદ તેણે દિપા ચૌહાણના કુટણખાનામાં રહેલી રૂપલલનાના ફોટો મોકલ્યા હતા. ડમી ગ્રાહક મોકલતા પ્રથમ હર્ષા પરમારે ગ્રાહકને રામદેવપીર ચોક, 150 ફુટ રિંગ રોડ ખાતે આવવાનું કહ્યું હતું. ત્યાંથી લાખના બંગલા તરફ ગોકુલ હોસ્પિટલ પાસે રાહ જોવાનું કહ્યું હતું. થોડી વારમાં ફરીવાર હર્ષાનો ફોન આવ્યો અને કહ્યું, મારા સ્કૂટરની પાછળ-પાછળ આવો. હર્ષા સીધી જ દિપા ચૌહાણનું ઘર કે જે જીવન જ્યોત સોસાયટી-1ના ખૂણે આવેલું છે ત્યાં લઈ ગઈ હતી. ત્યાં પહોંચતાની સાથે જ ડમી ગ્રાહકને અંદરના રૂમમાં મોકલી લલનાને જોઈ લેવા કહેવામાં આવ્યું હતું. ડમી ગ્રાહક અંદર જતા એક મહિલા અગાઉથી ત્યાં હાજર હતી. ત્યારબાદ ડમીએ ભાવ પૂછતાં તેણે 1500 રૂપિયા કહ્યા હતા.

ગ્રાહકે અન્ય વિગતો જાણવા પૂછપરછ કરી હતી. બીજી કોઈ લલના નથી? ફોટો તો ઘણા મોકલ્યા હતા? જેના જવાબમાં દીપાએ કહ્યું હતું કે, હમણાં કોરોનાને કારણે એક-એક જ બોલાવીએ છીએ. અત્યારે તમે આમાં જઈ આવો, ’સર્વિસ’માં કઈ ઘટશે નહીં. 2-3 દિવસ પછી નવો ’સ્લોટ’ આવશે એટલે પાછા આવજો. ડમીએ ઇનકાર કરી ઘરની બહાર નીકળવા લાગ્યો હતો. ત્યાં હર્ષા પાછળ પાછળ ફળિયા સુધી આવી હતી અને પ્રથમ એવી ઓફર આપી હતી કે, ’હાલો હું આવી જાવ છું, હું આમ તો હવે આ બધું નથી કરતી પણ તમને એમ પાછા નથી જવા દેવા એટલે’ તેમ છતાં ડમીએ નનૈયો ભણી દીધો હતો.

જે બાદ હર્ષાએ નાણાવટી ચોક ખાતેના અન્ય એક કુટણખાનાની ચર્ચા કરતાં કહ્યું હતું કે, હમણાં થોડીવારમાં બીજી એક જગ્યાના ફોટો મોકલું છું. જે નાણાવટી ચોકમાં છે, એ ફોટો જોઈ લ્યો અને ગમે તો કહેજો તો ગોઠવી આપીશ તેવું કહ્યું હતું. ઉલ્લેખનીય બાબત છે કે, હાઈ પ્રોફાઈલ કુટણખાના સંચાલિકા દ્વારા મકાનની ફરતે સીસીટીવી કેમેરા ગોઠવવવામાં આવ્યા જેથી બહાર થતી કોઈ પણ હિલચાલ તેઓ ઘરમાં બેસીને જોઈ શકે તેમજ સતર્ક થઈ શકે.

સ્ટિંગ ઓપરેશન બાદ ’અબતક’ની ટીમ સ્થળ મૂકી ઓફિસ પરત ફરી હતી. તે અરસામાં હર્ષા પરમારના ફોન ડમી ગ્રાહકને સતત ફોન ચાલુ થઈ ગયા હતા. ’આ બધું ક્યાંય છાપતા નહિ, કોઈ વિડીયો ચડાવતાં નહિ.’ જે બાદ ફરીવાર ફોન કરીને હર્ષાએ રૂબરૂ મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી ડમી ગ્રાહકે અબતક પ્રેસની ઓફિસનું સરનામું આપ્યું હતું. જ્યાં હર્ષા, દિપા અને 4 જેટલા અજાણ્યા શખ્સો આવ્યા હતા. દીપા ચૌહાણ આવતાની સાથે મોટે મોટેથી રાડો પાડવા લાગી હતી અને અબતકના કેમેરામેનને ગાળો ભાંડી હતી જેથી તાત્કાલિક એ ડિવિઝન પોલીસને ફોન કરીને બંને મહિલાઓને પોલીસ હવાલે કરાઈ હતી.

દિપા ચૌહાણે અબતકના કેમેરામેનને ગાળો ભાંડીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને તું જ્યારે ભેગો થઈશ ત્યારે તને સાજો નહિ જવા દઉં તેવી ધમકી પણ આપી હતી. જ્ઞાતિ પ્રત્યે ખરાબ શબ્દો બોલીને હડધૂત કરતા દીપા અને હર્ષા વિરુદ્ધ એટ્રોસિટી વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

મોબાઇલના માધ્યમથી સેકસ રેકેટ ચાલતુ’તું

ગાંધીગ્રામના જીવંતીકાનગરમાં મહિલા સંચાલિત કૂંટણખાના પર ‘અબતક’ની ટીમ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરી પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે મહિલા સંચાલિકા સમગ્ર સેકસ રેકેટ મોબાઇલના માધ્યમથી ચલાવતી હોવાનું સામે આવ્યું છે. રંગીન મિજાજી ગ્રાહકને પ્રથમ રામાપીર ચોકડી પાસે બોલાવે ત્યાંથી લાખના બંગલા પાસે ઉભા રહેવાની મોબાઇલથી સુચના આપવામાં આવે છે. ત્યાંથી મહિલા સંચાલિકા ગ્રાહકને કૂંટણખાના સુધી લઇ જતી હોય છે.

 

જીવંતીકાનગરમાં ચાલતા દેહના સોદા અંગે પોલીસ કેમ અજાણ?

ગાંધીગ્રામ વિસ્તારના જીવંતિકાનગરમાં ઘણા લાંબા સમયથી ચાલતા સેકસ રેકટનો ‘અબતક’ની ટીમ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરી પર્દાફાસ કરવામાં આવ્યો હતો ત્યારે જીવંતિકાનગરમાં મહિલા સંચાલિત કૂંટણકાનું લાંબા સમયથી ચલાવતી હોવા છતાં ગાંધીગ્રામ પોલીસના ધ્યાને કેમ ન આવ્યું તેવો સવાલ થઇ રહ્યો છે. સેકસ રેકેટ શું પોલીસની મીઠી નજર હેઠળ ચાલતું હતુ કે પછી પોલીસની બાજ નજર બહાર ચાલતુ હતું આ અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

કૂટણખાનામાં સીસીટીવી ગોઠવ્યા

ગાંધીગ્રામ વિસ્તારના જીવંતીકાનગરમાં ચાલતા કૂટણખાનામાં સીસીટીવી ગોઠવવામાં આવ્યા છે. જીવંતીકાનગરના માર્ગ પર શંકાસ્પદ હીલચાલ જણાય તો સીસીટીવી કેમેરાની મદદથી રંગરેલીયા મનાવતી રૂપલલનાના ધ્યાને આવી જાય એટલે તુરંત રૂપલલના એલર્ટ થઇ જાય અને કઢંગી હાલતમાંઓથી વ્યવસ્થીત થઇ રંગીન મિજાજી ગ્રાહકને ભગાડી દેતી હોવાનું ‘અબતક’ના સ્ટીંગ ઓપરેશન દરમિયાન સામે આવ્યું છે.

સંચાલિકા દિપાએ બળાત્કારના ગુનામાં તગડી રકમ પડાવી’તી

જીવંતીકાનગરમાં દેહના સોદા કરાવતી સંચાલિકાએ થોડા વર્ષો પહેલાં એક વ્યક્તિને પ્રેમ ઝાળમાં ફસાવી તેના પર બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ મોટી રકમ પડાવી સમાધાન કર્યાનું જાણવા મળે છે. દિપા નામની રૂપજીવીની પૈસા માટે ગમે તે હદ સુધી જતી હોવાથી તેની મરજી મુજબ રંગીન મિજાજીઓ પાસેથી પૈસા ખંખેરતી હોવાનું પણ જાણવા મળે છે.