Abtak Media Google News

અભિનવ એનર્જી પાવડર-ડાયાબીટીસની ફાકી, રાય, મિક્સ દૂધના નમૂના પણ પરિક્ષણમાં ફેઇલ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા કેસર શ્રીખંડ, એનર્જી ડ્રીંક્સ, ડાયાબીટીસ માટેની ફાકી, આખી રાય અને મિક્સ દૂધના નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર થતાં વેપારી પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફૂડ વિભાગ દ્વારા શહેરના સદર બજારમાં આવેલી શ્રી સત્ય વિજય પટેલ સોડા ફેક્ટરીમાંથી લૂઝ કેસર શ્રીખંડનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન સિન્થેટીક કલરની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાર્ન્ડ્ડ જાહેર થયો હતો. પેઢીના ભાગીદાર કેતનભાઇ પટેલ અને મનસુખભાઇ પટેલ પાસેથી રૂ.70 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરના જયંત કેજી મેઇન રોડ પર વૈદવાડીમાં આવેલા અભિનવ સ્ટોર્સમાંથી અભિનવ 50 + એનર્જી પાવડરનો નમૂનો લેવામાં આવ્યો હતો.

લેબલ પર ન્યૂટ્રીશન ઇર્ન્ફોમેશન બતાવવામાં આવી ન હોવાના કારણે નમૂનો મિસ બ્રાન્ડેડ જાહેર થયો હતો. પેઢીના માલિક અશ્ર્વિન પરસોત્તમભાઇ મજેઠીયાને રૂ.5 હજાર દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત અહિંથી જ ડાયાબીટીસ માટેની ફાકીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેના પર નેમ ઓફ ફૂડ અને ન્યૂટ્રીશન ઇર્ન્ફોમેશન ન હોવાના કારણે નમૂનો મિસ બ્રાન્ડેડ જાહેર થતાં દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આરટીઓ પાસે જૂના માર્કેટીંગ યાર્ડ શોપ નં.બી-6 અને 7માં આવેલી શ્રી રાધે ઇન્ડસ્ટ્રીઝમાંથી લૂઝ રાય તથા કલર પ્રિપેશન (પ્રવાહી લૂઝ)નો નમૂનો લેવાયો હતો. જે નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં પેઢીના નોમીની હસમુખભાઇ કટારીયાને રૂ.25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે માધવ પાર્ક મેઇન રોડ પર અલઇ વાટિકાની બાજુમાં આવેલા પૂર્વા એપાર્ટમેન્ટ સ્થિત ઘનશ્યામ ડેરીમાંથી મિક્સ લૂઝ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં વેજીટેબલ ફેટની હાજરી મળી આવતા સાગર ગજેરા અને રજનીભાઇ ગજેરાને રૂ.20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. રૈયા રોડ પર હનુમાન મઢી ચોકમાં સંકેત પ્લાઝામાં આવેલી નશીબ હોટેલમાંથી પણ મિક્સ દૂધનો નમૂનો લેવાયો હતો. જેમાં મિલ્ક ફેટ અને સોલીડ ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતા ઓછું મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. પેઢીના માલિક મયાભાઇ પરમાર પાસેથી રૂ.10 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

મેક્સિકન ડિલાઇટ પિઝા અને કેસર શ્રીખંડના નમૂના લેવાયાં

ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં આર.કે. હાઉસમાં આવેલી હરિકૃષ્ણ હોસ્પિટાલીટી નામની પેઢીમાંથી મેક્સિકન ડિલાઇટ પિઝા અને કોઠારીયા રોડ પર પોલીસ ચોકીની સામે હુડકો ક્વાર્ટર નં.ડી-19 સ્થિત સુધાંગ ડેરીમાંથી કેસર શ્રીખંડનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.