Abtak Media Google News

કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા આકરી કાર્યવાહી: લૂઝ વરીયાળી અને ડબલ મોર બ્રાન્ડ હળદર પાવડરના સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગની કામગીરી સામે તાજેતરમાં જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટરો સવાલો ઉઠ્યા બાદ ફૂડ શાખા દોડતી થઇ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં સાંઇ ટ્રેડીંગની બાજુમાં આવેલા રઘુનાથ ટ્રેડર્સમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમીક દ્રષ્ટિએ ભેળસેળયુક્ત જણાતી વરિયાળી અને ડબલ મોર બ્રાન્ડ હળદર પાવડરનો 1071 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. બંનેના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે ફૂડ શાખા દ્વારા દાણાપીઠ વિસ્તારમાં આવેલા રઘુનાથ ટ્રેડર્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં ચેકીંગ દરમિયાન પ્રાથમીક દ્રષ્ટિએ ભેળસેળયુક્ત જણાતી રૂ.67,500ની કિંમતની 375 કિલો વરિયાળીનો જથ્થો સ્થળ પર જ સીઝ કરી દેવામાં આવ્યો હતો અને સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે અહિં ડબલ મોર બ્રાન્ડ હળદર પાવડરમાં પણ ભેળસેળયુક્ત હોવાનું માલૂમ પડતાં રૂ.1,56,600ની કિંમતની 696 કિલો હળદરનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે હળદરનું સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે.

કોર્પોરેશનના ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક મહેતાએ આ અંગે જણાવ્યું હતું કે રઘુનાથ ટ્રેડર્સમાં ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રીનું વેંચાણ કરતું હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે રેકી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે ચેકીંગ કરવામાં આવ્યું હતું. વરિયાળીમાં કલરની ભેળસેળ કરવામાં આવતી હોવાની અને હળદર પાવડરમાં પ્રતિબંધિત સિન્થેટીક કલર ઉપરાંત સ્ટાર્ચની પણ ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકાના આધારે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આજે નાનામવા સર્કલ પાસે આવેલી શ્રી ઉમિયાજી મસાલા માર્કેટમાં સત દેવીદાસ એન્ડ અમર દેવી મસાલામાંથી આખા લૂઝ મગ, જ્યારે રઘુનાથ ટ્રેડર્સમાંથી સ્વદેશી હળદર પાવડરનો નમૂનો લેવામાં આવ્યો હતો.

નાનામવા મેઇન રોડ પર ખાણીપીણીના પાંચ ધંધાર્થીઓને નોટિસ

ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે આજે ફૂડ વિભાગ દ્વારા રોલેક્સ રોડ અને નાનામવા મેઇન રોડ પર ખાણીપીણીની 25 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજવી ગોલા, અક્ષર જનરલ સ્ટોર, બાલાજી ઢોસા, પટેલ ફરસાણ અને શ્રી ગોકુલ ડેરી ફાર્મને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.