Abtak Media Google News

 

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ એક માસનો મહેમાન, વિધાનસભાના ચૂંટણી વર્ષમાં જ શહેરમાં જળ કટોકટી સર્જાયાની દહેશત: શાસકો પણ ચિંતિત

રાજકોટવાસીઓને ચોમાસા સુધી નિયમીત પીવાનું પાણી પુરૂં પાડી શકાય તે માટે આજી અને ન્યારી ડેમમાં 1050 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવા એક મહિના પહેલા લખાયેલા પત્રનો સરકારમાંથી કોઇ જવાબ નહીં

અબતક-રાજકોટ:

વિજયભાઇ રૂપાણીના મુખ્યમંત્રી તરીકેના પાંચ વર્ષના કાર્યકાળમાં સરકારમાં રાજકોટના પડ્યા બોલ જીલાતા હતા. રાજકોટવાસીઓને કોઇપણ બાબતે રતિભાર પણ હાલાકી વેઠવી પડતી ન હતી. વરસાદ ખેંચાવા છતા શહેરીજનોને પાણીની અછત શું છે તેનો કોઇ ખ્યાલ પણ આવવા દેવામાં આવતો ન હતો. પરંતુ ગત સપ્ટેમ્બર માસમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ સરકારમાં રાજકોટનો અવાજ સંપૂર્ણપણે દબાય ગયો છે. રાજકોટવાસીઓને ચોમાસા સુધી નિયમિત નળ વાટે 20 મીનીટ પાણી પુરૂં પાડી શકાય તે માટે સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમમાં 1050 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા ગત 10મી જાન્યુઆરીના રોજ સરકારમાં પત્ર લખવામાં આવ્યો છે. છતાં સરકારમાંથી હજી કોઇ જવાબ આવ્યો નથી. શહેરની જીવાદોરી સમાન આજી ડેમ એક મહિનામાં ડુકી જશે. જો માર્ચથી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ નહીં કરાય તો વિધાનસભાની ચૂંટણી વર્ષમાં જ રાજકોટમાં પાણીની કટોકટી સર્જાવાની દહેશત વર્તાય રહી છે.

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા ગત 10મી જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારને એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા મુખ્ય ત્રણેય જળાશયોની સ્થિતિનો ઉલ્લેખ કરી આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત 700 એમસીએફટી અને ન્યારી ડેમમાં 350 એમસીએફટી નર્મદાના નીર ફાળવવાની માંગણી કરવામાં આવી હતી. પત્ર લખ્યાને એક મહિનાથી વધુ સમય વિતી ગયો હોવા છતા રાજ્ય સરકારમાંથી કોઇ જ જવાબ આપવામાં આવ્યો નથી કે રાજકોટને ક્યારથી કેટલું નર્મદાનનું નીર ફાળવવામાં આવશે.  હાલ શહેરના 18 વોર્ડમાં નળ વાટે લોકોને નિયમિત 20 મીનીટ પાણી આપવા માટે 350 એમએલડી પાણીની આવશ્યકતા રહે છે.

જે પૈકી 128 એમએલડી પાણી આજી ડેમમાંથી 70 એમએલડી પાણી ન્યારી-1 ડેમમાંથી અને 40 એમએલડી પાણી ભાદર ડેમમાંથી ઉપાડવામાં આવે છે. જ્યારે 125 એમએલડી જળ જથ્થો નર્મદા યોજનાથી મળે છે. 29 ફૂટે ઓવર ફ્લો થતા અને 917 એમસીએફટીની જળસંગ્રહ શક્તિ ધરાવતા આજી-1 ડેમની સપાટી હાલ 18.75 ફૂટ છે અને ડેમમાં 355 એમસીએફટી પાણી સંગ્રહિત છે. આજી ડેમ 10મી માર્ચ સુધી સાથ આપે તેમ છે. જ્યારે મહાપાલિકાની માલિકીના એકમાત્ર જળાશય અને 25 ફૂટે ઓવરફ્લો થતા અને 1248 એમસીએફટીની સંગ્રહશક્તિ ધરાવતા ન્યારી-1 ડેમની વર્તમાન સપાટી 20.60 ફૂટ છે અને ડેમમાં 845 એમસીએફટી પાણી સંગ્રહિત છે. ન્યારી-1 ડેમ 30મી જૂન સુધી સાથ આપે તેમ છે.

જ્યારે શહેરની જળ જરૂરીયાત  સંતોષતો ભાદર ડેરની વર્તમાન સપાટી 30.10 ફૂટ છે અને ડેમમાં 4929 એમસીએફટી પાણી સંગ્રહીત છે. કરાર મુજબ ભાદર ડેમમાંથી રાજકોટને દૈનિક માત્ર 40 એમએલડી પાણી મળે છે. ઉનાળાના આરંભે જ રાજકોટના જળ કટોકટી ઉભી થવાની સંભાવના છે.શહેરીજનોએ પાણી માટે હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા એક માસ પૂર્વે જ રાજકોટના બે જળાશયોમાં સૌની યોજના અંતર્ગત 1050 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી છે છતા સરકારમાંથી હજી સુધી કોઇ જ જવાબ આવ્યો નથી.

અગાઉ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી પદે વિજયભાઇ રૂપાણી સત્તારૂઢ હતા ત્યારે રાજકોટને મોઢે માંગ્યુ પાણી મળતું હતુ. નર્મદાના નીરની માંગણી કરવામાં આવતાની સાથે જ 24 થી 48 કલાકમાં પાણી શરૂ થઇ જતું હતુ. હવે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન બાદ સરકારમાં રાજકોટનો અવાજ દબાઇ ગયો છે. 10મી માર્ચ પહેલા રાજ્ય સરકાર દ્વારા નર્મદાના નીર ફાળવવા અંગે કોઇ નિર્ણય લેવામાં આવશે કે કેમ? તે અંગે કોર્પોરેશનના શાસકો ચિંતિત બની ગયા છે.

 

રાજકોટને જરૂરીયાત મુજબ નર્મદાના નીર ફાળવાશે: મંત્રી અરવિંદ રૈયાણી

ફેબ્રુઆરી અંતમાં નર્મદાના નીર આપવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે: મેયર ડો.પ્રદિપ ડવ

રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ “અબતક” સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સૌરાષ્ટ્ર આખાની પીવાના પાણીની ચિંતા કરી રહ્યા છે. રાજકોટની બહેનો રતિભાર પણ ચિંતા ન કરે અગાઉ જે રિતે રાજકોટને જરૂરીયાત અને માંગણી મુજબ સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરની ફાળવણી કરવામાં આવતી હતી. તે રીતે જ નર્મદાનું પાણી આપવામાં આવશે.

શહેરીજનોને નળ વાટે નિયમિત 20 મીનીટ પાણી મળતુ રહેશે ચિંતા કરવાની કોઇ જ જરૂરીયાત નથી.  રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવે “અબતક” સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે રાજકોટના પાણી પ્રશ્ર્ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે મારે વાતચિત થઇ છે. તેઓ મૂળ જ પોઝીટીવ છે. તેઓએ શહેરની વર્તમાન સ્થિતિ અંગે સંપૂર્ણપણે વાકેફ કરી દેવામાં આવ્યા છે. ફેબ્રુઆરી માસના અંત સુધીમાં સૌની યોજના અંતર્ગત પાણી આપવાની માંગણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પણ પાણી આપવાની ખાતરી આપી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.