Abtak Media Google News

શહેરમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે, અને બે દિવસ પૂર્વે ચૌહાણ ફળી વિસ્તારની એક મહિલા ખુટિયાની ઝપટે ચડી ગયા પછી તેનો વિડીયો શહેરભરમાં ફરતો થતાં નગરજનોમાં ભારે રોષ પ્રગટ થયો હતો. જેથી મહાનગર પાલિકાનું તંત્ર દોડતું થયું હતું અને ખાસ કરીને રણજીત રોડ પર ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે વહેલી સવારથી જ સોલિડવેસ્ટ વિભાગની ટૂકડી રણજીત રોડ પર દોડતી થઈ હતી, અને બપોર સુધીમાં 09 જેટલા રસ્તે રઝળતા ખુટીયાઓને પકડી લઈ રણજીતસાગર રોડ પર આવેલા ઢોરના ડબ્બામાં પહોંચાડી દીધા હતા.

આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ રસ્તે રઝળતા પશુઓને પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. મહાનગર પાલિકાની સોલિડવેસ્ટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડમાં અલગ અલગ બે ટુકડીઓ ને સવાર-સાંજ ઢોર પકડવા માટે દોડતી કરવામાં આવે છે અને હાલ ઢોરના ડબ્બામાં 266 જેટલા રખડતા પશુઓને પકડી લેવામાં આવ્યા છે અને ઢોરના ડબ્બામાં મૂકવામાં આવ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થયા પછી છેલ્લા ચાર દિવસથી ઢોરના ડબ્બામાં પુરાયેલા પશુઓને અમદાવાદના નરોડા નજીક આવેલી પાંજરાપોળ માં મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, અને ચાર દિવસના સમયગાળા દરમિયાન 132 પશુઓને રવાના કરી દેવાયા છે. જ્યારે બાકીના ઢોરને પણ મોકલવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.