જામનગર: ફરસાણ-મીઠાઈના હાટડાઓ બેફામ- ફૂડ શાખાના નીતિ નિયમોનો ખૂલ્લેઆમ ઉલાળ્યો

શહેરમાં શ્રાવણ માસના તહેવારોમાં ઠેર ઠેર સરકારના ફુડ શાખાના નિતી નિયમોના ધજાગરા ઉડાડતા ફરસાણના હાટડાઓ ચાલી રહ્યા છે. આ ફરસાણના હાટડાઓ મહાનગર પાલિકાના અને સરકારના ફુડ શાખાના અધિકારીઓની મીઠી નજર હેઠળ ધમધમી રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે અને લોકોના આરોગ્યને હાની પહોંચે તે પ્રકારે મીઠાઇ અને ફરસાણનું વેચાણને અટકાવવા ફુડ શાખાના બાબુઓ કાર્યવાહી કયારે કરશે?

એક તરફ શ્રાવણ માસના સાતમ-આઠમના પર્વ નજીક છે તેવા સમયે ફુડ શાખાના તમામ નિતી નિયમોનો ભંગ થતો હોય તે રીતે ફરસાણના હાટડાઓ ધમધમી રહ્યા છે. એક તરફ જ્યારે ખાદ્ય તેલના ભાવો ઉંચકાયા હોય ત્યારે સસ્તા ભાવે કઇ રીતે ફરસાણ બનાવીને વેંચી શકાય તે પણ એક પ્રશ્ર્ન છે ત્યારે જામનગરમાં તો અનેક વિસ્તારોમાં રૂા.120થી રૂા. 140ના કિલો લેખે જુદા જુદા પ્રકારનું ફરસાણ ખુલ્લેઆમ વેંચાઇ છે. એટલુ જ નહીં આ જે ફરસાણ પેકીંગમાં વેચવામાં આવે છે તે પેકીંગ ઉપર સરકારના નિયમ મુજબ ફરસાણ બનાવવામાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓના નામ તેમજ ફરસાણનું વજન, ઉત્પાદનની તારીખ, ફરસાણનો ભાવ લખવો ફરજીયાત છે.

પરંતુ જામનગરમાં તો જાણે ધણી ધોરી વગરનું હોય તે રીતે ઠેર ઠેર ગેરકાયદેસર લાયસન્સ વગરના ફરસાણના હાટડાઓ ધમધમી રહ્યા છે. આ ફરસાણના વેપારીઓને ત્યાં તપાસ કરતા જોવા મળે છે કે, ફરસાણનું ઉત્પાદનમાં દાઝ્યુ તેલ વપરાય છે એટલુ જ નહીં ચણા લોટમાં પણ અન્ય લોટનું મીશ્રણ થતુ હોવાનું પણ જોવા મળ્યુ હતું. આ ઉપરાંત લોકોના આરોગ્યને હાની થાય તે રીતે ફરસાણનું ઉત્પાદન જથ્થાબંધ કરવામાં અને સ્ટોક કરી દેવાયો છે. લાંબા સમય સુધી પડતર રહેલુ ફરસાણ લોકોના આરોગ્યને હાનીકારક હોય આમ છતાં ફુડ શાખાના અધિકારીઓને લોકોના આરોગ્યની ચિંતાને બદલે ફરસાણના વેપારીઓ ઉપર મીઠી નજર રાખી રહ્યા હોય તેવું પ્રથમ દ્રષ્ટીએ લાગી રહ્યુ છે.

ફરસાણ-મીઠાઈના પેકિંગ ઉપર કોઈ માહિતી નહીં

ફરસાણના હાટડાવાળા પાસે મહાનગરપાલિકાનું નિયમ મુજબનું લાયસન્સ પણ ન હોય અને ફુડશાખાનું લાયસન્સ પણ ન હોય તેવું જાણવા મળે છે. છાસવારે ફુડશાખાના અધિકારીઓ નાટકીય રીતે ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ અને તપાસણીના નમુનાઓ એકત્ર કરવાને બદલે ખરા અર્થમાં આ પ્રકારના ધમધમી રહેલા ફરસાણના હાટડાઓ ઉપર તપાસ કરે તે જરૂરી છે. જેથી કરીને પછાત વિસ્તારમાં લોકોના આરોગ્યને હાનીકારક ફરસાણ ખાતા બચાવી શકાય.ફરસાણની સાથે સાથે મીઠાઇનું પણ વેચાણ કરવામાં આવે છે.

આ મીઠાઇ બન્યાની તારીખની માહિતી દર્શાવતા નથી. અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના તમામ નિતી નિયમોનો ખુલ્લેઆમ ઉલાળીયો થઇ રહ્યો છે. મહત્વની વાત એ છે કે જે મીઠાઇ વેચવામાં આવી રહી છે. આ મીઠાઇ વેચાઇના સ્થળે કઇ તારીખે બનાવી તે દર્શાવતા નથી એટલુ જ નહીં આ મીઠાઇમાં ભેળસેળ થતુ હોવાની પુરી સંભાવના રહેલી છે. ત્યારે બળેવ અને રક્ષાબંધનના તહેવાર નિમિતે વ્યાપક પ્રમાણમાં મીઠાઇ અને ફરસાણની ખરીદી લોકો કરતા હોય છે.

ત્યારે આ રીતે સસ્તા ભાવે ફરસાણ અને મીઠાઇના હાટડાઓ ઉપર ફુડ શાખા દ્વારા ચેકીંગ કરાય તો વ્યાપક ભેળસેળના કિસ્સાઓ પ્રકાશમાં આવે એટલુ જ નહીં ભેળસેળીયુ ફરસાણ અને મીઠાઇ વેચનારાઓ ઉપર પણ લગામ આવી શકે. ફુડ શાખાના બાબુઓ સાતમ-આઠમના પર્વની રાહ જોવા વગર કડક કાર્યવાહી હાથ ધરે તેવું જામનગરવાસીઓ ઇચ્છી રહ્યા છે.