Abtak Media Google News

અજાણ્યા શખ્સોએ ગોળીબાર કરીને હત્યા નિપજાવી કાર સળગાવી દીધી

એર ઇન્ડિયા કનિષ્ક બોમ્બનો આરોપી કેનેડામાં ઠાર મરાયો છે. તેઓ કારમા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ગોળીબાર કરીને હત્યા નિપજાવી કાર સળગાવી દીધી હોવાની માહિતી મળી રહી છે. કેનેડાના વાનકુવરમાં રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે તેઓ કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે બની હતી. તેમને કેમ ગોળી મારવામાં આવી તે વિશે અત્યાર સુધી માહિતી સામે આવી નથી. બાઇક પર આવેલા યુવકોએ તેમના પર હુમલો કર્યો હતો. હત્યાની સાબિતી મિટાવવા માટે તેમની કારને સળગાવી દીધી હતી. રિપુદમનના પરિવારજનોના મતે તેઓ ઓફિસથી કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.પોલીસનું કહેવું છે કે ગોળીઓ ઘણી નજીકથી મારવામાં આવી છે. રિપુદમનનું સ્થળ પર જ મોત થયું હતું. 1985ના એર ઇન્ડિયા ફ્લાઇટના બોમ્બ બ્લાસ્ટમાં રિપુદમનનું નામ સામે આવ્યું હતું. જોકે આ પછી 2005માં તેમને આ કેસમાંથી છોડી મુકવામાં આવ્યા હતા.આ વર્ષે જાન્યુઆરીમાં રિપુદમન સિંહે પીએમ મોદીના વખાણ કર્યા હતા. આ સાથે તેમણે શીખ સમુદાય માટે ઉઠાવવામાં આવેલા પગલા માટે મોદી સરકારનો આભાર માન્યો હતો.

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ બ્લાસ્ટથી 1985માં 331 લોકોના મોત નિપજ્યા હતા

એર ઇન્ડિયાની ફ્લાઇટ 22 જૂન 1985ના રોજ કેનેડાથી દિલ્હી રવાના થઇ હતી. આયરિશ એર સ્પેસમાં વિસ્ફોટ થયો હતો અને ફ્લાઇટમાં સવાર 22 ક્રુ મેમ્બર સહિત 331 યાત્રીઓના મોત થયા હતા. જેમાં મોટાભાગના ભારતીય મૂળના કેનેડિયન નાગરિક હતા.બ્લાસ્ટના સમયે પ્લેન લંડનના હીથ્રો એરપોર્ટથી લગભગ 45 મિનિટ દૂર હતું. કેનેડામાં રહેતા શીખ નેતા રિપુદમન સિંહ મલિકને આ મામલે આરોપી માનવામાં આવ્યા હતા. ઘટનાના 20 વર્ષ પછી તે નિર્દોષ સાબિત થયા હતા અને 2005માં છોડી મુકાયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.