Abtak Media Google News
  • સમગ્ર કાર્યક્રમના ખર્ચનો ઓછામાં ઓછા 50 ટકા હિસ્સો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજકોટ પાસેથી મળવો જોઇએ, આગેવાનો આ બાબતે નોંધ લઇ યોગ્ય નિર્ણય કરે: ડો.નિદત બારોટ
  • કાવ્ય મહાકુંભમાં સંઘનું નામ આખુ હોય તો ખર્ચમાં પણ અડધા રૂપિયા ભોગવવા પડે?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા ઐતિહાસિક અખંડ કાવ્ય પઠન પૂર્ણ થઇ ગયો છે. પરંતુ હજુ તે ચર્ચામાં જ છે કારણ કે કાર્યક્રમ તો સફળ પૂર્ણ થયો વિદ્યાર્થીઓએ કાર્યક્રમના મીઠા ફળ પણ આરોગી લીધા પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષિક સંઘના આગેવાનો યુનિવર્સિટીના ખર્ચે થયેલા કાર્યક્રમ કરી વાહવાહી લૂંટી આવો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તા ડો.નિદત બારોટ દ્વારા કરવામાં આવ્યો છે. અખંડ કાવ્ય પઠન શૈક્ષિક મહાસંઘને ઠળીયાના ‘ઠ’માં સલવાળ્યો હોય તેવું સામે આવ્યું છે.

211639474722 1649239181

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલમાં જ કાવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કરવા માટે બ્રોકર ચેર હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળેલા દાનના વ્યાજમાંથી આ કાર્યક્રમ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇનાન્સ સમિતિ સમક્ષ 3.30 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર થયો હતો. ત્યારે આ સમગ્ર ખર્ચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઉપાડ્યો હતો. પરંતુ આ કાર્યભાર જાણે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા કરવામાં આવ્યો હોય તે રીતે નિમંત્રણ કાર્ડ છાપવામાં આવ્યા હતા અને નિમંત્રણ કાર્ડમાં પહેલી જ લીટીમાં ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનું આયોજન હોય તે રીતે સમગ્ર બાબત રજૂ કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ અગ્રણી ડો.નિદત બારોટે સંઘના રાજકોટના આગેવાનોને આ વાતની નોંધ લઇ યોગ્ય નિર્ણય કરવા માંગ કરી છે.

ડો.નિદત બારોટે વધુમાં જણાવ્યું હતું કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ ભારતીય જનતા પક્ષની નહી પરંતુ સંઘની વિચારધારા ધરાવતી શિક્ષકો અને અધ્યાપકોની એક શાખા તરીકે કાર્ય કરી રહી છે. આ શાખા રાષ્ટ્રીય કક્ષાની છે અને સંઘ અને રાષ્ટ્રીયતાની વિચાર સાથે જોડાયેલી આ સંસ્થા પાસે એવી જ અપેક્ષા હોય કે તેના કાર્યકર્તા પોતાની મહેનતથી, પોતાની આવડતથી શિક્ષણ અને અધ્યાપક આલમનું ભલું કરે. તાજેતરમાં જ બ્રોકર ચેર દ્વારા સતત 24 કલાક કાવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સમગ્ર ખર્ચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બ્રોકર ચેર દ્વારા ઉપાડવામાં આવ્યો હતો. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખર્ચે અને બ્રોકર ચેરના આયોજનના કાર્યભાર જાણે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા કરવામાં આવ્યો તે રીતે નિમંત્રણ કાર્ડ છાપવામાં આવ્યા હતા.

નિમંત્રણ કાર્ડમાં પહેલી જ લીટીમાં ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનું આયોજન હોય તે રીતે સમગ્ર બાબત રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ આયોજન અને તેનો ખર્ચ એક રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના આગેવાને કર્યો હોય તેવું વાતાવરણ ઉભું કર્યું ત્યારે યુનિવર્સિટીના કુલપતિને પણ આ વાતનો ખ્યાલ હોવો જોઇએ કે યુનિવર્સિટીના કોઇપણ કાર્યક્રમો વિદ્યાર્થીઓના પૈસે થતા કાર્યક્રમો છે.

આ કાર્યક્રમમાં નિમંત્રક તરીકે કોઇ રાજકીય પક્ષના નામ છપાવીને લાભ-ગેરલાભ થતા અટકાવવા જોઇએ ત્યારે કુલપતિ આ ખર્ચનો ઓછામાં ઓછો 50 ટકા હિસ્સો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ પાસેથી મેળવવો જોઇએ. જો આમ કરવામાં નહિં આવે તો નાગપુર ખાતે સંઘના મહત્વના લોકોને આ સમગ્ર બાબતની જાણ કરી વધુ આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવાની ફરજ પડશે. સિધ્ધાંત અને મૂલ્યોની વાતો કરતા સંઘના રાજકોટના આગેવાનો આ વાતની નોંધ લઇ યોગ્ય નિર્ણય કરે તેવી મારી માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.