Abtak Media Google News

સભામાં 25થી વધુ સંતો મહંતો અને  સાત હજારથી વધુ ભકતો રહ્યા ઉપસ્થિત

પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આ વર્ષે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અનેકવિધ પ્રેરક કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.એ અંતર્ગત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ સમર્પિત કરવા માટે પ્રમુખસ્વામી મહારાજની અંતર્ધાન તિથી શ્રાવણ સુદ દશમ રવિવારના દિવસે રાજકોટ બીએપીએસ  સ્વામિનારાયણ મંદિર ખાતે સંસ્થાના વરિષ્ઠ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં સનાતન ધર્મ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

20220807181527 Baps4205

સાધવો હૃદયં મમકહીને ભગવાને જેમને પોતાના હૃદય તુલ્ય માન્યા છે એવા સંતોનું સ્થાન સનાતન ધર્મ તેમજ ભારતીય સંસ્કૃતિમાં સર્વ શ્રેષ્ઠ કહ્યું છે. સંસારના પાપ તાપને દુર કરીને વાદળ અને વૃક્ષોની જેમ પરોપકારી જીવનશૈલી રાખનાર સંતો સમાજમાં શાંતિ સ્થિરતા અને સદાચારની ત્રિવેણીનું સર્જન કરે છે. એટલા માટે જ લોકઉક્તિ પ્રચલિત થઇ છે,સંત ના હોત સંસારમેં, તો જલી જાત બ્રહ્માંડ;જ્ઞાન તણી લહરસે વો ઠારત ઠામો ઠામ.ભારતની આવી સંત પરંપરાને ભગવાન  સ્વામિનારાયણે વિશેષ રૂપથી ગૌરવાન્વિત કરી છે. તેમણે 3000 થી અધિક સંતોને દિક્ષિત કરીને તત્કાલીન સમાજમાં અધ્યાત્મની લહેર ફેલાવી હતી. ભગવાન  સ્વામિનારાયણની અનુગામી ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ  પ્રમુખસ્વામી મહારાજે ન કેવળ સ્વામિનારાયણ પરંપરાનું પરંતુ સનાતન હિંદુ ધર્મની મહાન ઋષિ  સંત પરંપરાનું ગૌરવ વિશ્વભરમાં વધાર્યું છે.

આજના સંત સંમેલનમાં રાજકોટના પૂ. રાઘવદાસજી મહારાજ, પૂ. પ્રભુસેવાનંદ સ્વામીજી, પૂ. મંત્રેશાનંદ સ્વામીજી, પૂ. જીજ્ઞેશ દાદા, પૂ. નરેન્દ્રબાપુ, પૂ. ભક્તિપ્રસાદ સ્વામી, પૂ. બલરામદાસ બાપુ, પૂ. વજુબાપુ, પૂ. યતિબ્રહ્મદેવજી મહારાજ, મુનિ સત્વબૌધી મહારાજ, પૂ. મસ્તરામ બાપુ મહારાજ, પૂ. રઘુનાથ દાસજી, પૂ. ગોકર્ણદાસ મહારાજ, પૂ. ધર્મદાસ મહારાજ, પૂ. મંગલનાથ બાપુ, પૂ. અવધેશ બાપુ, પૂ. વશિષ્ઠનાથ બાપુ, પૂ. મહંત સર્વેશ્વર આચાર્યજી,  કેતન બ્રહ્મચારીજી, પૂ. રામલખનદાસ મહારાજ, પૂ. અનિકેતદાસજી, પૂ. મહંત બટુક મહારાજ વગેરે અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.પૂ. ડોક્ટર સ્વામી અને સંતોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમના શુભારંભ બાદ રાજકોટ મંદિરના કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામીએ પુષ્પમાળા દ્વારા તમામ સંતોને આવકાર્યા હતા. મંચસ્થ સંતો-મહંતોએ પ્રમુખસ્વામી મહારાજ સાથેના પ્રસંગો તેમજ ગુણોની સ્મૃતિ કરીને ભાવાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે હિંદુ ધર્મમાં અલગ અલગ મત છે પણ દરેક એકબીજાનો આદર કરે છે. પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં મંદિરો બનાવી હિંદુ ધર્મનું સંવર્ધન કર્યું છે.

20220807184405 Baps4275

આસંમેલનના અંતે પૂ.અપૂર્વમુની સ્વામીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવાની પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, આપણા ભારત દેશનાઆઝાદીના અમૃત મહોત્સવે આપણે કહી શકીએ કે 21મી સદી એ મારા ભારત દેશની સદી છે. દરેક ભારતીયને એ ગૌરવ છે. હિંદુ સંસ્કૃતિના સંવર્ધક સાધુ સંતોની સાથે આઝાદીની લડતનાં એ શહીદોને પણ યાદ કરીએ, નેતાઓને પણ યાદ કરીએ, એવા લાખો જાણ્યા અજાણ્યા લોકો કે જેમને આઝાદીની લડત માટે પોતાના પરિવાર અને કારકિર્દીનું બલિદાન આપ્યું છે.

20220807184646 Baps4296

આપણેસૌ 13 થી 15 ઓગસ્ટ સુધી આપણા પ્રધાનમંત્રીની ભાવના અને એલાન પ્રમાણે આપણા ઘર ઉપર ગૌરવથી આપણો રાષ્ટ્રધ્વજ લહેરાવીએ અને ગૌરવનો અનુભવ કરીએ.મંચસ્થ સૌ સંતગણે રાષ્ટ્રધ્વજ લેહરાવીને સભામાં ઉપસ્થિત 7 હજારથી અધિક ભક્તો ભાવિકોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા પ્રેરણા આપી હતી.

સંમેલનના અંતે રાજકોટ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામીએ ઉપસ્થિત સૌ સંતો મહંતોનું શાલ ઓઢાડી અભિવાદન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. સૌ સંતો મહંતોએ સમુહમાં ઠાકોરજીની આરતી ઉતારી અને પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની છઠ્ઠી પુણ્યતિથીએ એમણે કરેલા કાર્યો અને  સ્મૃતિ સાથે પ્રસાદ લઇ વિદાય થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.