Abtak Media Google News

જગતનો તાત મૂંઝાયો!!

અગાઉ હવામાન વિભાગે અલનીનોની અસર ઓગસ્ટ આસપાસ આવવાની શક્યતા વ્યક્ત કરી હતી, હવે યુએસ એજન્સીએ જુનમાં જ અસર વર્તાવાની આગાહી જાહેર કરી

અલનીનો ધાર્યા કરતાં બે મહિનો વહેલો આવશે, પરંતુ ચોમાસા પર અસરને લઈને હજુ અવઢવ છે. અગાઉ હવામાન વિભાગે અલનીનોની અસર ઓગસ્ટ આસપાસ આવવાની શક્યતા વ્યક્ત કરી હતી. જ્યારે હવે યુએસ એજન્સીએ જુનમાં જ અસર વર્તાવાની આગાહી જાહેર કરી છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં અચાનક મેઘરાજા તોફાની બેટિંગ કરવા લાગે છે. તો મોટાભાગે વાદળછાયું વાતાવરણ પણ રહેલું જોવા મળે છે. તેવામાં યુએસએ વેધર એજન્સીઓ દ્વારા ગુરુવારે મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં નવી અપડેટ્સ આપતા જણાવાયું છે કે અલ નિનોની સ્થિતિ જૂન મહિના સુધીમાં જોવા મળશે. અલનીનો કંડિશન થાય ત્યારે વરસાદનું પ્રમાણ નહિવત અથવા ઓછું રહી શકે છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ સિઝનનું ચોમાસું સામાન્ય રહેશે. ત્યારે બીજી બાજુ અલ નિનોની કંડિશન વિશે યુએસ હવામાન એજન્સીએ જણાવી દીધું છે.

સામાન્ય રીતે દર ત્રણથી પાંચ વર્ષે બનતી અલ નિનોની ઘટના આ વર્ષે ભારતના હવામાનને અસર કરે તેવી શક્યતા છે. ભારતમાં આ સિઝનનું ચોમાસું ફિક્કુ રહી શકે છે. શરૂઆતી તબક્કાની વાત કરીએ તો જૂન મહિનામાં 62% અલનિનો અસર જોવા મળશે. આ અંગે માહિતી યુએસ વેધર એજન્સીએ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન હેઠળ આપી છે.

હવામાન વિભાગના અધિકારીએ મંગળવારે ચોમાસાની આગાહી કરતી વખતે જણાવ્યું કે હતું કે જુલાઈ-ઓગસ્ટની આસપાસ અલ નિનો રચાવાની આગાહી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આની સીધી અસર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસાનો જે બીજો ફેઝ છે એના પર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ જે આગાહી કરાઈ હતી એની વિપરિત આ પ્રમાણે માહિતી આવતા જોવાજેવી થઈ છે. અલનીનોની અસર મધ્યમ અથવા ઓછી થઈ શકે છે. તે સમયે માત્ર 40 ટકા સુધી જ એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું કે અલનીનો તીવ્ર અસર વર્તાવી શકે છે.

અલ નિનોના 10માંથી 4 કીસ્સામાં જ વરસાદ ઓછો થાય છે

એજન્સીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીના રેકોર્ડ મુજબ એવું નથી કે અલનીનોના કારણે ચોક્કસ રીતે વરસાદ ઓછો જ થાય અથવા તો ચોમાસાને અસર થાય જ. પરંતુ અલનીનોના કારણે 10માંથી 4 કિસ્સામાં ચોમાસામાં વરસાદ ઓછો પડે છે. એટલે એવું બિલકુલ નથી કે અલનીનો 100 ટકા ઓછો જ વરસાદ લઈ આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.