Abtak Media Google News

સોમવારથી નવા જંત્રી દરથી દસ્તાવેજ કરવા સજ્જ થઈ જાવ

રહેણાકમાં જંત્રી દર 1.8 ગણો, ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો, ઓફિસ જંત્રી દર 1.5 ગણો રહેશે

દસ્તાવેજ બંને પક્ષકારોની સહી અને સ્ટેમ્પ સાથે નોંધણી માટે તૈયાર હશે તો તેના ઉપર 15 ઓગસ્ટ સુધી જુની જંત્રી લાગુ પડશે

સોમવારથી નવા જંત્રી દરથી દસ્તાવેજ કરવા સજ્જ થઈ જાવ. કારણકે સરકારે નવા જંત્રીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જેમાં ખેતીથી ખેતીના પ્રીમિયમમાં 5 ટકા અને ખેતીથી બિનખેતીમાં 10 ટકા રાહત આપવામાં આવી છે.

ગુજરાત સરકારે નવા જંત્રી દરને લઈ જાહેરાત કરી છે. નવી જંત્રી મુજબ ખેતીથી-ખેતી 25 ટકાના બદલે 20 ટકા પ્રિમિયમ લેવાનું તેમજ ખેતીથી-બિનખેતી 40 ટકાને બદલે 30 ટકા પ્રિમિયમ લેવાનું નક્કી કરાયું છે. તો રહેણાકમાં જંત્રી દર 1.8 ગણો, ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો, ઓફિસ જંત્રી બે ગણાને બદલે 1.5 ગણો નક્કી કરાયો છે તથા ખેતી તથા જમીન, બાંધકામના સંયુકત દરમાં ૧.૮ ગણા કરવાનું, ઓફીસના ૧.૫ ગણા કરવાનું નક્કી કરાયું છે.

રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32-કના અસરકારક અમલ માટેની રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) 2011ના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય 15 એપ્રિલ-2023થી અમલમાં મુકવાનું ઠરાવેલ હતું. હવે રાજ્ય સરકાર દ્વારા 15/04/2023થી જંત્રીના ભાવો નીચે મુજબ અમલમાં મૂકવામાં આવશે. રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-2011માં તા. 04 ફેબ્રુઆરી-2023થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવ્યા હતા, જેનો અમલ તા.15 એપ્રિલ-2023થી કરવાનુ અગાઉ તા. 11 ફેબ્રુઆરી-2023ના ઠરાવથી જણાવ્યું છે. રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-2011માં તા. 04/02/2023થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવેલ તથા તેનો અમલ તા.15/04/2023થી કરવાનુ અગાઉ 11/02/2023ના ઠરાવથી ઠરાવેલ છે.

બીજી તરફ નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજમાં બંને પક્ષકારોની સહી થઇ નોંધણી માટે તૈયાર હશે અને જરૂરી રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે. તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજૂ થશે તો તેવા દસ્તાવેજમાં સંભવિત જંત્રી વધારાના દરો લાગુ પડશે નહીં. પરંતુ, તે પહેલાના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજાર કિંમત તથા સ્ટેમ્પ ડયુટી ગણવામાં આવશે.

પેઈડ એફએસઆઈમાં શુ જાહેરાત ?

  • જે કિસ્સામાં ટીડીઆરનો ઉપયોગ કરવામાં આવે તેમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવેલી દરથી રકમ વસૂલાશે.
  • પ્લાન પાસિંગમાં સ્ક્રુટિની ફી ભરેલી હોય તેવા કિસ્સામાં જૂની જંત્રી મુજબ એફજીએસઆઈ વસૂલાશે
  • પ્લાન પાસ થયા હોય તેવા કિસ્સામાં અને એફએસઆઈના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કિસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફએસઆઈમાં લાગુ નહીં થાય
  • રહેણાંક ઝોનમાં 66 ચોરસ મીટરથી 90 ચોરસ મીટર સુધીના બાંધકામમાં પેઈડ એફએસઆઈના 40 ટકાના બદલે 20 ટકા ચૂકવવા પડશે

નવી જંત્રીના અમલ વચ્ચે બિનખેતીની પડતર ફાઇલોમાં દર કયો ?

ગુજરાતમાં આગામી 15મી એપ્રિલથી જંત્રી દરમાં વધારો લાગુ પડે તે પુર્વે 13મી એપ્રિલ સુધીમાં જમીન બીનખેતીની પેન્ડીંગ ફાઈલો કલીયર કરવાના સિંગલ જજના આદેશ સામે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝનલ બેંચે સ્ટે આપી દીધો છે. ત્યારે હવે પ્રશ્ન એ ઉદ્દભવ્યો છે કે આ પડતર પડેલી ફાઈલો ઉપર જંત્રી દર નવો લાગુ પડશે કે જૂનો ? આને લઈને હવે ભારે ગૂંચવણ ઉભી થશે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.