Abtak Media Google News

ગોલ્ડ અને બ્લેક ગોલ્ડ અર્થાત ક્રુડતેલ ભારતીય ઇકોનોમીનાં બે અતિ મહત્વનાં પાયા છે. આ બન્ને એવી કોમોડિટી છે જેનું ભારતમાં પ્રોડક્શન બહુ ઓછા પ્રમાણમાં છે પરંતુ તેનો વપરાશ ઘણો વધારે છે. પરિણામે આ બન્ને પ્રોડક્ટસની ભારતમાં કુલ વપરાશના 80 ટકા જેટલી આયાત કરવી પડે છે.  સૌ જાણે છે કે જેમ આયાત બિલ મોટું થાય તેમ તેની દેશની ઇકોનોમી ઉપર વિપરીત અસર પડવાનાં ચાન્સ વધી જતા હોય છે.

આંકડા બોલે છે કે છેલ્લા ત્રણ મહિનામાં ક્રુડતેલનાં ભાવ 30 ટકા જેટલા વધ્યા છૈ. ઓપેક દેશોની ઉત્પાદન અને નિકાસમાં કાપ મુકવાની રણનીતિનું આ પરિણામ છે.  બેન્ચમાર્ક બ્રૈન્ટ ક્રુડતેલનાં ભાવ બેરલ દિઠ 95 ડોલરની સપાટી વટાવી ગયા ત્યારથી ભારતીય કંપનીઓ મુંઝવણમાં છે કે શું ક્રુડતેલનાં ભાવ 100 ડોલરની સપાટી વટાવશે? અને જો એવું થાય તો ભારતના વિવિધ બજારો ઉપર શું અસર થઇ શકે? દેશનાં કુલ આયાત બિલનો 80 ટકા જેટલો ભાગ ક્રુડતેલનો હોય છે. તેથી જેમ ક્રુડતેલનાં ભાવ વધે તેમ ભારતમાં મોંઘવારી વધવા શક્યતાઓ વધતી જાય છે.  એક સમય હતો જ્યારે સોનાનાં ભાવ અને ક્રુડતેલનાં ભાવ વચ્ચે એક રેશિયો રહેતો હતો. જેનાથી એનાલિસ્ટો બન્ને કોમોડિટીનાં ભાવ ની દિશાનો વરતારો આપી શકાતો હતો.

ઓપેક દેશોની ઉત્પાદન અને નિકાસમાં કાપ મૂકવાના કારણે ત્રણ મહિનામાં ક્રુડ તેલના ભાવમાં 30 ટકાનો વધારો

પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી આવા કોઇ ગણિત કામમાં આવતા નથી. તેથી હવે સીધી ગણતરી માંડવી  પડે છે કે જો ક્રુડતેલનાં ભાવ 80 ડોલરથી ઉપર રહે તો ક્રુડતેલ ઓઇલ કંપનીઓને ભાવ વધારવા માટે મજબુર કરી શકે છે. જે સરવાળે પરિવહન અને અન્ય ખર્ચમાં વધારો કરે અને સરવાળે  મોંઘવારીમાં વધારો કરે. જે આગળ જતાં ભારતનાં શેરબજારોમાં કડાકા દેખાડી શકે છે. વિદેશી રોકાણકારો બજાર તોડે અને દેશની નાણાકિય ખાધમાં વધારો થાય. એક ગણતરી એવી છે કે જો વૈશ્વિક બજારમાં એક વર્ષ સુધી ક્રુડતેલનો ભાવ 90 ડોલરથી ઉપર રહે તો ખાધ 20 બેસીસ પોઇન્ટ વધીને જી.ડી.પીનાં 1.8 ટકા જેટલી  વધી શકે છે. હવે જ્યારે માથે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સરકારને ફરી એકવાર રિફાઇનિંગ કંપનીઓને રાહત આપીને ભાવ કાબુમાં રાખવા પ્રયાસ કરવા પડશે. જે સરવાળે દેશની તિજોરીને નુકસાન કર્તા હશે. આવા સંજોગોમાં સોનાનાં ભાવ કઇ દિશામાં રહે છે તે જોવાનું પણ મહત્વનું છે.

જ્યારે શેરબજારો નબળાં હોય, વ્યાજદરો વધે, બજારમાં નાણાભીડ દેખાય ત્યારે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં મુડી લગાવે છે જેને સેફ હેવન ઇન્વસ્ટમેન્ટ કહેવામાં આવે છે. છેલ્લા ત્રણ મહિનામાં સોનાનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં જો 10 ગ્રામ સોનાનો ભાવ 57000 રૂપિયા ગણીઐ તો પણ આ સેક્ટરમાં નવું મુડીરોકાણ બજારમાં લિક્વીડીટીની ખેંચ ઉભી કરી શકે. કારણ કે સોનામાં થતું મુડી રોકાણ  ડોલરનાં ભાવની વધઘટ ઉપર પણ અસર કરતું હોય છે. હાલમાં સ્થાનિક સોનાનાં ભાવમાં ઘટાડો ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાના કારણે હોવાનું કહેવાય છે.  ભારત સોના તથા ક્રુડતેલની આયાતમાં વિશ્વમાં ટોચનાં ત્રણ દેશોની યાદીમાં આવે છે. વિદેશી સંસ્થાકિય રોકાણકારો સપ્ટેમ્બર-23 માં 25000 કરોડ રૂપિયા ઉઠાવી ગયા છે. અમેરિકન ટ્રેઝરી ઇલ્ડ 16 વર્ષની ઉપલી સપાટીએ છે. આવા સંજોગોમાં વિશ્વની ટોચની ઇકોનોમીઓ વ્યાજનાં દર ઉંચા રાખે તો  ભારતને પણ આ રણનીતિ અપનાવવી પડે. આમ તો ભારત સરકાર લોન ક્ષેત્રે જનતાને રાહત આપવા મોટી સબ્સીડી જાહેર કરવાની હોવાના અહેવાલો હતા. પણ તે કેટલા સાચાં સાબિત થાય છે તે જોવાનું રહેશે.

આજની પરિસ્થિતીમાં જો રોકાણકારો સોનાનાં ભાવને સુરક્ષિત માને અથવા તહેવારોની સિઝનમાં સોનાની વિશેષ ખરીદી કરે તો  પણ આ રોકાણ નાણાની પ્રવાહિતા ઘટાડશે. આમે ય તે વૈશ્વિક બજારમાં ઘઉં, ચોખા, કઠોળ, ખાંડ, અને મસાલાનાં ભાવ મોંઘવારી વધારી રહ્યા છે ત્યારે સૌની નજર સોના ઉપર ટકેલી રહેશે.આગામી દિવસોમાં જો સોનાનાં ભાવમાં ઘટાડો થાય તો સરકાર અને દેશવાસીઓને થોડી રાહત મળી શકે છૈ કારણ કે રોકાણકારોને વધારે વળતર નહીં મળે તો સોનું મુડી ઓછી ખેંચશે જે બજારમાં નાણાભીડ ઘટાડી શકશે. સાથે જ સોનાની આયાત પણ ઘટાડી શકે. વળી આપણે ત્યાં સોનું ગિરવે મુકીને લોન લેવાની પણ પ્રથા છે. જો સોનાનાં ભાવ સ્થિર થાય તો ધીરધારના કારોબારીઓને પણ સોના ઉપર લોન આપવા માટે સરળતા રહેશે.  ટૂંકમાં કહીએ તો દેશની ઇકોનોમીની સુરક્ષા માટે જો ક્રુડતેલ આર્મીનું કામ કરે છે તો સોનું એરફોર્સનું કામ કરે છે. તેથી બન્ને વચ્ચે સંતુલન જળવાઇ રહેવું જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.