રાજકોટથી મુંબઇ અને દિલ્હીની વિમાની સેવા શરૂ કરવા એરલાઇન્સને મંજુરી આપો

રાજકોટથી જ એર કાર્ગો શરૂ કરવા માંગ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોદેદારોની એરપોર્ટ ડાયરેકટરને રજુઆત

રાજકોટથી મુંબઇ અને રાજકોટથી દિલ્હીની ફલાઇટ શરુ કરવા એરલાઇન્સને મંજુરી આપવા તથા રાજકોટથી જ એરકાર્ગો સર્વિસ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના આગેવાનોએ એરપોર્ટના ડાયરેકટર દિગંત બોરાને રજુઆત કરી હતી.

રાજકોટ-સૌરાષ્ટ્રના ઉઘોગકારો તથા લોકો રોજબરોજ રાજકોટ-મુંબઇ તથા રાજકોટ-દિલ્હી હવાઇ સેવા મારફતે કરતા હોય છે ત્યારે તેઓને વધુ સારી હવાઇ સેવા મળી રહે તે માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા તથા માનદમંત્રી નૈતમભાઇ બારસીયાએ રાજકોટ એરપોર્ટ ખાતે નવા નિયુકત થયેલ ડાયરેકટર દિગંત બોરાની શુભેચ્છા મુલાકાત લઇ રાજકોટની એરલાઇન્સની સુવિધા અર્થે રજુઆત કરી હતી.રાજકોટ એરપોર્ટના રન-વેની લંબાઇ વધ ગઇ છે અને રાત્રી પાકિંગ સુવિધા પણ ઉપલબ્ધ થઇ ગઇ છે ત્યારે રાજકોટ-મુંબઇ તથા રાજકોટ-દિલ્હી માટે ઇન્ડિગો એરલાઇન્સ ફલાઇટ ફલાઇટ શરુ કરવા માટે તૈયાર છે તો તેને તાત્કાલીક મંજુરી આપી વહેલી તકે શરુ કરાવવા રજુઆત કરી હતી. રાજકોટ એમ.એસ.એમ.ઇ. નું હબ હોય તથા તમામ ઔઘોગિક, વાણિજય ખેત વિષયક તથા સેવા પ્રદાન ક્ષેત્રે કરોડરજજુની ગરજ સારે છે અને સૌથી વધુ એકસપોર્ટ રાજકોટમાંથી થતું હોવાથી રાજકોટના નિકાસકારોને પાર્સલ વાયા અમદાવાદ મોકલવું પડે છે. જેથી ડાયરેકટર રાજકોટથી જ પાર્સલ મોકલી શકાય તે માટે તાત્કાલીક એર કાર્ગો સર્વિસ પણ શરુ કરવી જોઇએ તેવી માંગણી કરી છે.