Abtak Media Google News

સોશિયલ મીડિયાના વાયરલ “વાયરસ” નિયંત્રિત કરવા માટે સરકારે નવા આઈટી નિયમો ત્રણ માસ અગાઉ જારી કર્યા હતા. જે હવે લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ આ નવા નિયમો મુદ્દે ફેસબુક, ટ્વિટર, અને વોટ્સએપે વિરોધસુર રેલાવતા વિવાદ જામ્યો છે. ૫૦ લાખથી વધુ યૂઝર્સ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તો સરકારે સ્પષ્ટ કર્યુ છે કે જો ભારતમાં કામ કરવું છે તો અહીંના નિયમોનું પાલન પણ કરવુ જ પડશે. સોશિયલ મીડિયા સાથે ડિજિટલ ન્યુઝ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ માટે પણ સરકારે આકરું વલણ અપનાવી આગામી ૧૫ દિવસમાં પોતાની સમગ્ર “કુંડળી” રજૂ કરવા આદેશ આપ્યા છે. એટલે કે આગામી એક પખવાડિયા સુધીમાં ડિજિટલ ન્યૂઝ મીડિયા પબ્લિશર્સએ બુનિયાદી માહિતી સાથેનો રિપોર્ટ અને નવા નિયમો માટે ફરજિયાત નોંધણી કરી દેવી પડશે.

ડીજીટલ ન્યુઝ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મને એક પખવાડિયામાં કરવા સરકારનો આદેશ

માહિતી અને પ્રસારણ વિભાગે ડિજિટલ મીડિયા સહિત ઓટીટી પ્લેટફોર્મને ૧૫ દિવસની મુદત આપી નવા નિયમ અંતર્ગત શું પગલાં ભર્યા તે કહેવું પડશે. જણાવી દઈએ કે ગત ૨૫ ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા, ડિજિટલ ન્યુઝ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી અને આના અમલ માટે ૩ મહિનાનો સમય આપ્યો હતો. જેની ડેડલાઈન ૨૫ મેના રોજ સમાપ્ત થતા સરકારે રિપોર્ટ માંગવાનું શરૂ કર્યું છે. પરંતુ આ નવા આઈટી નિયમોમાંથી ન્યુઝ પેપર, ટીવી ચેનલો તેમજ ડિજિટલ ન્યુઝ મીડિયાને બાકાત રાખવા ન્યુઝ બ્રોડકસ્ટર્સ એસોસિએશન-એન.બી.એ. દ્વારા માંગ કરવામાં આવી છે. ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસિ્ંટગ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખી એસોસિએશને જણાવ્યું છે કે ટીવી નેટવર્ક અગાઉથી જ જુના કાયદાનું પાલન કરી રહી છે જે આ નવા કાયદાને લગભગ મળતા જ છે. આથી આ નવા કાયદાના માળખામાંથી ટીવી ચેનલોને બહાર રાખવામાં આવે તે જરૂરી છે. મધ્યસ્થી માર્ગદર્શિકાઓ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ નિયમો ૨૦૨૧, ટીવી નેટવર્ક પર લાગુ કરવાની જરૂર નથી. કારણ કે આ સંસ્થાનો માટે પહેલાથી જ વિવિધ કાયદા, માર્ગદર્શિકા અને કોડ, નિયમનો અસ્તિત્વમાં છે. એનબીએ પત્રમાં આ નિયમોને સોશિયલ મીડિયા માટે વધુ જરૂરિયાત વાળા ગણાવતા કહ્યું કે આ નવા નિયમો એવા પ્લેટફોર્મ માટે ખૂબ જરૂરી અને મહત્વના સાબિત થશે કે જેની ઉપર કોઈ નીંયંત્રણ જ નથી.

આઈટીના નવા માળખામાંથી મીડિયા જગતને બાકાત રાખવા ન્યુઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનની માંગ

ઉલ્લેખનીય છે કે આ નવા નિયમ મુદ્દે સોશિયલ મીડિયા પ્લેટફોર્મએ વિરોધ દર્શાવ્યો છે. જો કે સરકારે લાલ આંખ કરતા અંતે ઝૂકી ફેસબુક, ઈન્સ્ટાગ્રામએ નવા નિયમોને અનુસરવાની ખાતરી આપી છે. જ્યારે વોટ્સએપ, ટ્વિટર અને સરકાર આમને સામને છે. નવા નિયમોથી યુઝર્સના ગોપનીયતાના હકનું ખંડન થશે તેવા આરોપ વચ્ચે વોટ્સએપે તો દિલ્હી હાઇકોર્ટમાં મોદી સરકાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે જે બાદ વિવાદ વધુ વકર્યો છે. આ મુદ્દે ટેકનીક નિષ્ણાંતોએ મત રજૂ કર્યો છે કે વોટ્સએપ, ટ્વિટર સહિતના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મએ સૌપ્રથમ સરકારની વાત માની નિયમોનું પાલન કરવું જોઈએ. નવા નિયમો લાગુ કર્યા બાદ જો કોઈ સમસ્યા ઉભી થાય તો તેના પર નિરાકરણ માટે સરકાર સાથે ચર્ચા કરવી જોઈએ પરંતુ નિયમ પાલન પહેલા જ આ પ્રકારે વિરોધ  ઉઠાવવો એ અયોગ્ય છે.

નવા આઈટી નિયમો હેઠળ શું માહિતી આપવી પડશે??

  • ન્યુઝ પબ્લિશર્સે નામ, યુઆરએલ, સમાચારની ભાષા, એપ્લિકેશન, વેબસાઈટની વિગતો ઉપરાંત સોશિયલ મીડિયા એકાઉન્ટ (તમામ પ્લેટફોર્મ)ની માહિતી
  • ડીજીટલ ન્યુઝ પબ્લિશર્સ કંપનીના રૂપમાં છે તો ઉપરની બુનિયાદી માહિતી ઉપરાંત, કંપની આઈડેન્ટીફીકેશન નંબર, બોર્ડ ઓફ ડાયરેકટર્સની જાણકારી
  • ફરિયાદ નિવારણ માટેની વ્યવસ્થાની માહિતી
  • ‘સેલ્ફ રેગ્યુલેશન’ માટેની વ્યવસ્થાની માહિતી

ડીજીટલ મીડિયા પ્લેટફોર્મને ત્રણ શ્રેણીમાં વિભાજીત કરાયું

  • પ્રથમ શ્રેણી: ન્યુઝ પેપર્સ, ટીવી ચેનલો ઉપરાંત તેને ડીજીટલ માધ્યમથી સમાચાર પ્રકાશિત કરનાર પરંપરાગત પબ્લિશર્સનો સમાવેશ
  • બીજી શ્રેણી: ડિજીટલ ન્યુઝ પબ્લિશર્સનો સમાવેશ
  • ત્રીજી શ્રેણી: ઓવર ધ ટોપ-ઓટીટી પ્લેટફોર્મનો સમાવેશ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.