Abtak Media Google News

નવા આઈટી નિયમો લાગુ કરાવવા સરકાર આકરા પાણીએ છે. ૫૦ લાખથી વધુ યુઝર્સ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપનીઓએ ફરજિયાત ફરિયાદ નિવારણ અધિકારી, સહિત નોડલ ઓફિસરની નિમણુંક કરવી તેમજ ફેક ન્યુઝ હટાવવા તો સ્ત્રીઓના માન-સન્માનને હાનિ પહોંચાડતી કોમેન્ટ, પોસ્ટને ૨૪ કલાકમાં ડીલીટ કરવા જેવા મહત્વના નિયમોને લઈ સોશિયલ મીડિયા જાયન્ટસે પગલાં ભર્યા કે કેમ ?? આ દિશામાં શુ કામગીરી કરી તે માટેનો તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવા સરકારે આદેશ કર્યો છે.

ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આ સોશિયલ મીડિયા સંસ્થાનોને પોતાનાં જવાબો શક્ય તેટલી વહેલી તકે રજૂ કરવા જણાવ્યું છે. આઇટી મંત્રાલયના નવા સોશિયલ મીડિયા નિયમો હેઠળ પ્લેટફોર્મ દ્વારા નિયુક્ત થયેલ મુખ્ય અનુપાલન અધિકારી અને નિવાસી ફરિયાદ અધિકારીની વિગતો માંગવામાં આવી છે.

સરકાર અને વોટસએપ આમને-સામને

વોટસએપ બોખલાયું: મોદી સરકાર વિરૂઘ્ધ કેસ કરતાં વિવાદ વકર્યો

પોતાની પ્રાઇવસી પોલીસીનો વિવાદ સમાવવા વોટસએપે આઇટી નિયમોને યુઝર્સના હિત વિરૂઘ્ધ ગણાવી ‘વમળો’ ઉભા કર્યા !!

સોશિયલ મીડિયાના વાયરલ “વાયરસ” નિયંત્રિત કરવા સરકાર દ્વારા નવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો જારી કરવામાં આવ્યા છે. ત્રણ માસ અગાઉ બહાર પાડવામાં આવેલા આ નિયમોને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સરકાર વચ્ચે તકરાર શરૂ થઇ છે. એમાં પણ બોખલાયેલા વોટ્સએપએ મોદી સરકાર સામે કેસ કરતા વિવાદ વધુ વકર્યો છે. વોટ્સએપે ગઈકાલે નવા નિયમો વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવી સરકારના નવા આઈટી નિયમોને લલકાર્યા છે. વોટ્સએપે વાંધો ઉઠાવી અરજીમાં જણાવ્યું છે કે  સરકારના નવા નિયમોથી યુઝર્સની ગોપનીયતાનું હનન થશે.  લોકોની પ્રાઈવસી તૂટશે.

પરંતુ આ સામે આઈટી મંત્રાલયે જણાવ્યું છે કે વોટ્સએપે હાઇકોર્ટમાં પડકાર ફેંકી સરકારની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. અને રહી વાત યુઝર્સની પ્રાઈવેસી પોલીસીની તો નવા નિયમોથી યુઝર્સની ગોપનીયતાનું હનન થશે નહીં. પરંતુ ફેક ન્યુઝ અને ખોટી કમેંટ દ્વારા અન્યની ગોપનીયતાને થતી હાનિ રોકવા આમ કરવું જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરકારની નવી ગાઇડલાઇનનું પાલન કરવા ફેસબુક, ગૂગલ અને યુટ્યુબએ પણ ખાતરી આપી છે. તો પછી આ વોટ્સએપએ કેમ વાંધો ઉઠાવ્યો ? એ પણ એક પ્રશ્ન છે. હાલ વોટ્સએપ પણ તેની પોતાની નવી પ્રાઇવસી પોલિસીને લઇ વિવાદમાં છે. ત્યારે આ વિવાદ સમાવવા વોટ્સએપે સરકારની નવી ગાઈડલાઈનને યુઝર્સના હિત અને બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ ગણાવી “વમળો” ઊભા કર્યા હોય તેવું લાગે છે. વોટ્સએપ બોખલાયું હોય તેમ સરકાર સામે કેસ કરી બંધારણીય અર્થઘટન કરવાની માંગ કરી છે પરંતુ શું હવે આપણને આપણા કાયદા આ વિદેશી કંપનીઓ શીખવાડશે ? વોટ્સએપ નક્કી કરશે કે સરકારે શું પગલાં લેવા અને શું નહીં ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.