Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી વિકસીત અને સુસંસ્કૃત લોકશાહીની છાપ ધરાવતા યુનાઈટેડ સ્ટેટમાં આ વખતની ચૂંટણીના પરિણામોએ સર્જેલી વિપરીત પરિસ્થિતિ અમેરિકાને યુનાઈટેડના બદલે ડિવાઈડેડ સ્ટેટ તરફ ધકેલી દીધુ: ટ્રમ્પ કાર્ડ કાનૂની લડતમાં અફર, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અમેરિકા ચર્ચામાં

સમય કાળ અને સ્થિતિ ક્યારેય સ્થિર રહેતા નથી… ૨૧મી સદીના વિશ્ર્વમાં અમેરિકાની પ્રમુખગત લોકતાંત્રીક વ્યવસ્થાને આદર્શ અને ત્રુટીરહીત માનવામાં આવે છે. ત્યારે આ વખતની ચૂંટણી અનેક રીતે અલગ બની રહી છે અને ચૂંટણીના પરીણામો તો અમેરિકાનું વિભાજન કરી નાખે તેવી પરિસ્થિતિના જનક બન્યા છે ત્યારે અમેરિકાનું ટ્રમ્પ કાર્ડ ટ્રમ્પને હાર સ્વીકારવા દેતુ નથી. અત્યારે સુધી માનવામાં આવતું હતું કે, અમેરિકાની પ્રેસીડેન્સીયલ ડેમોક્રેસી પારદર્શક અને પ્રમુખગત લોકતંત્રના કેન્દ્રમાં રહેલી છે અને રાષ્ટ્રહીતને સર્વોપરી ગણી અમેરિકાનું વ્યવસ્થા તંત્ર ચાલે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમેરિકાનું સત્તાતંત્ર કોઈ અન્ય પરિબળ ચલાવતા હોય તેવા સંકેતો મળતા આવ્યા હતા. તેમાં પણ અમેરિકાની આ વખતની ચૂંટણીમાં એક એવી બાબત ધ્યાનમાં આવી કે જેનાથી ખુદ અમેરિકનો પણ ચોંકી ઉઠ્યા છે. અમેરિકાનું ટ્રમ્પ કાર્ડ ચૂંટણીના પરિણામો ટ્રમ્પથી વિપરીત આવ્યા છતાં તેમને હાર સ્વીકારવા દેતું નથી. અમેરિકામાં સત્તાના સુત્રો કોના હાથમાં છે તેની ચર્ચા ક્યારેય થઈ નથી પરંતુ આ વખતની ચૂંટણીમાં હુકમનુ પાનું એક એવા વર્ગ પાસે છે જે અમેરિકાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોને સ્વીકૃતિ થવા દેતુ નથી. અમેરિકા વિકસીત અને વિશ્ર્વનું સર્વશ્રેષ્ઠ ઔદ્યોગીક રાષ્ટ્ર છે. અમેરિકન ચલણનો સમગ્ર વિશ્ર્વમાં દબદબો છે. ગુગલ સિલીકોન વેલી જેવા જાયન્ટ પરિબળો અમેરિકાની ચૂંટણી અને મતદાનના ગોટાળામાં સીધે સીધા સંડોવાયા હોવાનું હવે બહાર આવી રહ્યું છે. અમેરિકાની ચૂંટણીમાં અગાઉ પણ રશિયાની દખલગીરીની બુમરેગ મચી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે તેના ચૂંટણી એજન્ડામાં રશિયાના અમેરિકન ચંચુપાતને રાજકીય મુદ્દો બનાવ્યો હતો. અમેરિકામાં મહાકાય કંપનીઓ અને ડિજીટલ જાયન્ટનું પ્રભુત્વ જરા પણ નકારી શકાય તેવું નથી.

અમેરિકાની વર્તમાન ચૂંટણીમાં ટ્રમ્પ કાર્ડ એવી રીતે ગળાના હાડકાની જેમ ફસાયું છે કે, જે લોકતાંત્રીક જનાધારના પરિણામોને પણ સ્વીકારવા તૈયાર નથી. ગમે તે થાય પરંતુ ટ્રમ્પ કાર્ડ પોતાનું હુકમનું પાનુ છોડવા તૈયાર નથી. યુનાઈટેડ અમેરિકા અને ડિવાઈડેડ અમેરિકાના આરે આવી ઉભુ છે. ચૂંટણીમાં થયેલી ગેરરીતિ સામે આવી છે. અમેરિકામાં અત્યારે પરિસ્થિતિ દિવસે દિવસે અઘરી બનતી જાય છે. ટેકનોલોજીનો સદ્ઉપયોગ કરવાનું જે રાષ્ટ્ર દુનિયાને શિખવે છે તે અમેરિકામાં જ ગોટાળા સામે આવ્યા છે.અત્યારે વિશ્ર્વના નેતાઓ જો બિડેનને નવા સુકાની તરીકે અભિનંદન આપવા લાગ્યા છે પરંતુ ટ્રમ્પ હજુ તેમની હાર સ્વીકારવા તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પ બિડેનને સત્તા સોંપવા તૈયાર નથી. એક તરફ અમેરિકામાં રોજના ૧.૫ લાખ કોરોનાના કેસો થઈ રહ્યાં છે. બીજી તરફ ટ્રમ્પ અને બિડેનની ચૂંટણીનો મુદ્દો દિવસે દિવસે ગુંચવાતો જાય છે. અમેરિકામાં બિડેનને ૫ મીલીયનથી વધુ મતો મળ્યા છે અને તેનો મત ભાગીદારીનો આંકડો ૫૦.૮ ટકા જેટલો છે. વિશ્ર્વના મોટાભાગના દેશોના નેતાઓએ બિડેનને નવા પ્રમુખ તરીકે અભિનંદન પાઠવ્યા છે જેમાં જર્મનીના એન્જેલા માર્કેલ, કેનેડાના જસ્ટીન ટુડો, જાપાનના વડાપ્રધાન યોશીહાના સુગા, કોરીયન પ્રમુખ મુંઝી, ઓસ્ટ્રેલીયાના સ્કોટ મોનીસન જેવા નેતાઓએ બિડેનને નવા સુકાની તરીકે અભિનંદન આપ્યા છે છતાં ટ્રમ્પ પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી. અત્યારે અમેરિકામાં ઓઝલ ટ્રમ્પકાર્ડ પ્રભાવી થઈ પોતાની મનમાની કરાવવા માટે જગતની સામે આવી ચૂક્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.