Abtak Media Google News

અમરેલીના નાગરિકોને ઘરઆંગણે સીટી સિવિક સેન્ટર ખાતે ઈ-સુવિધાઓ ઉપલબ્ધ ‘વન સ્ટોપ સોલ્યુશન’માં વિવિધ સેવાઓનો લાભ મળશે: રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વધુ 66 નગરપાલિકાઓમાં રૂ.33.00 કરોડના ખર્ચે સીટી સિવિક બનાવાશે

રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘર આંગણે ઝડપી અને પારદર્શક ઈ-ગવર્નન્સની સેવાઓનો લાભ મળી રહે એ માટે સીટી સિવિક સેન્ટર (નાગરિક સુવિધા કેન્દ્ર) કાર્યરત કરવામાં આવ્યું છે. તા.10 જુન, 2023ને શનિવારના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી અમરેલી, ધોળકા, બરવાળા, ડાકોર, ગાંધીધામ, દ્વારકા, ભચાઉ, કલોલ, મહેસાણા, ડીસા, ડભોઇ, કરજણ, કાલોલ, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, વેરાવળ અને સુરેન્દ્રનગર સહિત રાજ્યની 22 નગરપાલિકાઓમાં સીટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કરશે. જેમાં અમરેલી જિલ્લાની અમરેલી નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે.

Advertisement

અમરેલી ખાતે શરુ થનાર સીટી સિવિક સેન્ટર (નાગરિક સુવિધા કેન્દ્ર)થી શહેરના નાગરિકોને આ સેવાનો લાભ ઘર આંગણે સીટી સિવિક સેન્ટર ખાતે મળી રહેશે. અમરેલી સ્થિત જેસીંગપરા વોટર વર્કસ, શિવાજી ચોક ખાતે શરુ થનાર આ કેન્દ્ર ખાતે નાગરિકોને મિલકત વેરો, વ્યવસાયિક કર, વાહન કર, મકાનના નકશાની મંજૂરી, બિલ્ડીંગ પ્લાનની મંજૂરી, ગુમાસ્તાધારા નોંધણી, આરોગ્ય અંગેના લાયસન્સ, લારી ફેરિયા અંગેના લાયસન્સ, હોલ બુકિંગ, કર વિભાગની અરજીની સ્વીકૃતિ, સ્વીમીંગ પુલ અને જીમની ફી સ્વીકૃતિ જેવી વિવિધ સેવાનો લાભ સ્થાનિક સ્તરે મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓમાં જેવી સુવિધાઓ નાગરિકોને મળી રહે છે તેવી જ સુવિધાઓ નગરપાલિકા વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવાના હેતુથી નગરપાલિકા વિસ્તારોમાં સીટી સિવિક સેન્ટર (નાગરિક સુવિધા કેન્દ્ર)ની સ્થાપના કરવામાં આવી છે. સીટી સિવિક સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઘર આંગણે ત્વરિત, સુમેળભરી રીતે અને પારદર્શિતા સાથે ઈ-ગવર્નન્સની સેવાઓ પહોંચાડવાનો છે. આધુનિક ટેકનોલોજી અને પ્રગતિશીલ અભિગમથી વધુમાં વધુ લોકોને શ્રેષ્ઠ સુવિધાઓ આપવાની રાજ્ય સરકારની આ  પહેલ છે. સરકારની તમામ ઈ-સુવિધાઓ માટે સીટી સિવિક સેન્ટર “વન સ્ટોપ સોલ્યુશન” છે. જે નાગરિકોની સેવાઓ માટે હંમેશા તત્પર છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં ન્યૂનતમ સમય લાગે તે સુનિશ્ચિત કર્યું છે. મહત્વનું છે કે, રાજય સરકાર દ્વારા આગામી વર્ષ 2023-24માં વધુ 66 નગરપાલિકાઓમાં રૂ.33.00 કરોડના ખર્ચે સીટી સિવિક બનાવવામાં આવશે.

અમરેલી ખાતેના આ ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક અને અમરેલી વડીયા કુંકાવાવ વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, મહાનુભાવો અને નગરપાલિકાના સદસ્યો તેમજ પદાધિકારીઓ/ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને ઉપસ્થિત રહી જોડાવા અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર પટેલ દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.