Abtak Media Google News
  • સૌની યોજનાની લિન્ક-4ના પેકેજ-9ના 181 કરોડના અને જૂથ પાણી પૂરવઠા યોજનાના 139 કરોડના કામોનું ખાતમૂહૂર્ત
  • આટકોટમાં નવનિર્મિત બસ સ્ટેશન, વિંછીયામાં નવી આઈ.ટી.આઈ., ભડલીના મેજર બ્રિજનું લોકાર્પણ કરાશે

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ  કાલે રાજકોટ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેમના હસ્તે વિંછીયામાં કુલ મળીને 337.06 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેની સૌની યોજનાની લિન્ક-4ના પેકેજ-9ના રૂ.181 કરોડના કામો, અને ભાડલા તથા વિંછીયા ગ્રૂપ સુધારણા – જૂથ પાણી પૂરવઠા યોજનાના 139 કરોડના કામોના ખાતમુહૂર્ત થશે તથા ઘેલો નદી પર રૂ.5.15 કરોડના ખર્ચે બનેલ મેજર બ્રિજ, આટકોટમાં રૂ. 11 કરોડના ખર્ચે બનેલ વનું બસ સ્ટેન્ડ, વિંછીયા ખાતે રૂ. 9.01 કરોડના ખર્ચે નિર્મિત નવી આઈ.ટી.આઈ.ના લોકાર્પણ કરાશે. મુખ્યમંત્રીના હસ્તે 214 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને 18 પ્રકારના 317 જેટલા સાધનોનું વિતરણ કરવામાં આવશે.   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  વિંછીયા પધારશે. છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચાડવાની નેમ સાથે તેઓ અહીં વિવિધ વિકાસકામોની લોકોને ભેટ આપશે.

“સૌની”  યોજનાની લિન્ક-4, તબક્કા-3 અંતર્ગત રૂ. 181.17 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જે અંતર્ગત વિંછીયા તાલુકાના આસલપુર ગામ પાસે ફીડર પમ્પીંગ સ્ટેશન બનાવીને પાણી ધારઈ ગામ સુધી પહોંચાડવાનું આયોજન છે. ધારઈ ગામ પાસેથી બે અલગ-અલગ પાઇપલાઇન દ્વારા આલણસાગર અને આધિયા ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે. જેથી અંદાજે 23 જેટલા ગામોના 45 હજારથી વધુ લોકોને આ યોજનાનો ફાયદો થશે. આ સાથે આસપાસના કુલ 5676 એકર વિસ્તારને સિંચાઈ અને પીવાના પાણી માટેની પર્યાપ્ત સુવિધા મળતા હરિયાળી સમૃદ્ધિના પગરણ થશે. લિન્ક-4 પેકેજ-9 દ્વારા કુલ 72.856 કીલોમીટર લંબાઈના પાઇપલાઇન નેટવર્ક દ્વારા કુલ 12 તળાવોને જોડવામાં આવશે.

આ ઉપરાંત, જસદણ-વિંછીયા પંથકને પૂરતું પાણી મળી રહે તે માટે ભાડલા તથા વિંછીયા ગ્રૂપ સુધારણા – જૂથ પાણી પૂરવઠા યોજનાના 139 કરોડના કામનું પણ ખાતમુહૂર્ત થનાર છે. જેમાં ભાડલા ગ્રુપ સુધારણા યોજના અંતર્ગત 62.65 કરોડના ખર્ચે, જસદણ તાલુકાના 24 ગામ તથા 1 શહેરને એન.સી.-2 બલ્ક પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાની કામગીરી કરાશે. કોટડાપીઠા હેડવર્કસ આધારીત આ યોજનામાં 100 એલ.પી.સી.ડી. મુજબ વિતરણ કરવા માટે જરૂરી પાઈપલાઈન તેમજ ઘટકોને નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

જ્યારે વિંછીયા ગ્રૂપ સુધારણા યોજના હેઠળ રૂ. 76.97 કરોડના ખર્ચે વિંછીયા તાલુકાના 32 ગામ તથા જસદણ તાલુકાના 6 ગામ એમ કુલ 38 ગામને એન.સી.-1 બલ્ક પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાની કામગીરી કરાશે. મોઢુકા હેડવર્કસ આધારિત આ જૂથ પાણી પુરવઠા યોજનાને 100 એલ.પી.સી.ડી. મુજબ વિતરણ કરવા માટે જરૂરી પાઈપલાઈન તેમજ ઘટકોને નવીનીકરણ કરવાની કામગીરી કરવામાં આવશે.

જયારે, અન્ય ત્રણ વિકાસકામોના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવશે. જેમાં આટકોટ ખાતે રૂ. 2.11 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આટકોટના નવીન બસ સ્ટેશનનો સમાવેશ થાય છે. નાગરિકોની પરિવહનની સુવિધામાં વધારો કરવા જસદણ તાલુકાના આટકોટ ખાતે આ બસ સ્ટેશનનું નિર્માણ કરાયું છે. જેનો જમીનનો વિસ્તાર 4047 ચોરસ મીટર અને બાંધકામ વિસ્તાર 231.85 ચોરસ મીટર છે. આ બસ સ્ટેશનમાં પાંચ પ્લેટફોર્મ છે. જેમાં મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા,  ટ્રાફિક કંટ્રોલ રૂમ, કેન્ટીન (કિચન સહીત), ચાર સ્ટોલ કમ શોપ, ઇલેક્ટ્રિક રૂમ, વોટર રૂમ, વોશ એરિયા તેમજ દિવ્યાંગો માટે પણ સુવિધાનો ખ્યાલ રખાયો છે.

આ સાથે વિંછીયા ખાતે રૂ. 9.01 કરોડના ખર્ચે નિર્મિત એક નવી આઈ.ટી.આઈ.નું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે. જે અન્વયે 3371.02 ચોરસ મીટર બિલ્ટઅપ એરીયા ધરાવતા બિલ્ડીંગમાં 09 વર્કશોપ, 09 થિયરી રૂમો તેમજ ઓડિયો-વિઝ્યુઅલ રૂમ, પ્લેસમેન્ટ-કાઉન્સેલીંગ રૂમ, આઈ.ટી. લેબ, વહીવટી રૂમ, લાયબ્રેરી, કેન્ટીન જેવા અન્ય 08 રૂમોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ઉપરાંત રાજકોટ હસ્તકના જસદણ – ભડલી – ગઢડા સ્ટેટ હાઈવે પર ભડલી ગામે ઘેલો નદી પર મેજર બ્રિજના રૂ.5.15 કરોડના કામનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ માર્ગ રાજકોટ જિલ્લાના જસદણ તથા વિંછીયા તાલુકાને બોટાદ જિલ્લાના ગઢડા તથા અમરેલી જિલ્લાના બાબરા સાથે જોડતો મહત્વનો માર્ગ છે. આ મેજર બ્રિજ બનતાં ચોમાસામાં વરસાદ દરમિયાન પાણીના ઓવરટેપિંગના લીધે પડતી મુશ્કેલીઓ દૂર થશે.

આ સિવાય મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય વિતરણનું આયોજન પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 214 જેટલા લાભાર્થીને 18 પ્રકારના 317 જેટલા સાધનો સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.