Abtak Media Google News

અમુલ દુધ પીતા હૈ ઈન્ડિયા…

મહામારીમાં જયારે મસમોટી કંપનીઓને બ્રાન્ડ ખોવાઈ જવાની બીક છે ત્યારે અમુલે બે ગણી જાહેરાતોથી ગ્રાહકોનો વિશ્ર્વાસ જીત્યો

અમુલ દુધ પીતા હૈ ઈન્ડિયાની ટેગલાઈનથી વિશ્ર્વભરમાં જાણીતી બનેલી અને પોતાની વિવિધ પ્રોડકટ માટે વિશ્ર્વાસપાત્ર ગણાતી અમુલ દ્વારા એડવર્ટાઈઝમેન્ટ થકી પોતાના ઉત્પાદનો વધુ ઝડપથી વેચવાનો તખ્તો ઘડાયો હતો. મહામારીનાં સમયગાળામાં અમુલ દ્વારા માર્કેટીંગ પાછળ સામાન્ય કરતા બે ગણુ બજેટ વપરાયું હતું. ગુજરાત કોર્પોરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન એટલે કે અમુલ દ્વારા મીડિયાનાં વિવિધ માધ્યમોમાં લોકડાઉન દરમિયાન વધુને વધુ જાહેરાત આપવામાં આવી હતી. આગામી સમયમાં પણ જાહેરાતોનું આ પ્રમાણ જળવાય રહેશે તેવી આશા છે.

આ મામલે અમુલનાં મેનેજીંગ ડાયરેકટર આર.એસ.સોઢીએ મીડિયાને જણાવ્યું હતું કે, જાહેર ખબરોને બંધ કરવા પાછળનું લોજીક અમને કયારેય સાચુ લાગ્યુ નથી. અમારા માટે બ્રાન્ડનું નિર્માણ કરવું લાંબા સમય માટેની મિલકત બનાવવા જેવુ છે. માત્ર વેચાણ વધારો જ નહીં પરંતુ બ્રાન્ડનું નિર્માણ કરવા માટે પણ જાહેરખબર મહત્વની છે. ઉપરાંત ગ્રાહકો સાથે સંવાદ કરવા માટે પણ જાહેર ખબર ખુબ જ અગત્યનું પાસુ બની રહે છે.

અહીં નોંધનીય છે કે, મહામારીનાં કારણે સમગ્ર દેશમાં લોકડાઉન પાળવામાં આવ્યું હતું. આ લોકડાઉનનાં કારણે વેપાર-ધંધા મંદ પડી ગયા હતા આવા સંજોગોમાં દેશની મસમોટી કંપનીઓ એટલે કે બ્રાન્ડને ખોવાઈ જવાનો ડર ઉભો થયો હતો જેથી લોક ઓપન થાય એટલે વધુ તિવ્રતાથી જાહેરખબરોનું પ્રસારણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં બ્રાન્ડર્સની જાહેરાતનું પ્રમાણ બે ગણું થઈ જશે તેવી અપેક્ષા છે. અમુલ દ્વારા પણ લોકડાઉન દરમિયાન જ બે ગણી જાહેરાત કરવામાં આવી છે.

લોકડાઉનનાં કારણે પરીવારનાં દરેક સભ્યો સાથે બેસીને ટીવી જોઈ રહ્યા હતા અથવા તો સમાચારપત્ર વાંચવાનું પ્રમાણ પણ વઘ્યું હતું. આ વાતને અમુલ સારી રીતે જાણી ગયું હતું અને એકાએક જાહેરાતનું પ્રમાણ વધાર્યું હતું. ઉપરાંત રામાયણ અને મહાભારતનું પ્રસારણ દુરદર્શનમાં થવા લાગ્યું હતું. આ સિરિયલોનો દર્શક વર્ગ બહોળો હતો. આઈપીએલ કરતા પણ દર્શકો દુરદર્શનને વધુ મળ્યા હતા જેનો લાભ અમુલને મળ્યો છે. અમુલે તકને પારખીને જાહેર ખબર આપવાનો નિર્ણય કર્યો હતો જેના ઉજજવળ પરીણામો ભવિષ્યમાં જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.