Abtak Media Google News

હજારો લોકોને ચૂનો ચોપડી દેવાના કૌભાંડમાં ટૂંક સમયમાં મોટા કડાકા – ભડાકાના એંધાણ

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી દરરોજ લાખો રૂપિયાની બેઠી આવક મેળવી લેવા હજારો લોકોએ કરન્સીમાં રોકાણ કર્યા બાદ મોટાભાગના રોકાણકારોના પૈસા ડુબાડી દઈ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી લેવાના કારસ્તાન અંગે સમાચાર સામે આવી રહ્યા છે. આ કૌભાંડના અંદાજિત 20 હજારથી વધુ લોકો સાથે નાણાકીય છેતરપિંડી આચરી લેવામાં આવી હોય તેવા પ્રાથમિક અહેવાલ છે. ભારતમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું પ્રતિબંધિત છે ત્યારે હાલ આ કરન્સીમાં રોકાણ કરનારા લોકોનો  ’ચોરની માં ઘંટીમાં મોઢું રાખી રોવે’ જેવો ઘાટ ઘડાયો છે. જો કે, હાલ મહત્વની શાખાઓ દ્વારા આ મામલે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોય ટૂંક સમયમાં મોટા કડાકા ભડાકા થવાના એંધાણ છે.

ક્રિપ્ટો કરન્સી શબ્દથી આજના સમયમાં શાયદ જ કોઈ અજાણ હશે. વિદેશમાં ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ ડિજિટલ રૂપિયા તરીકે કરવામાં આવે છે પરંતુ ભારતમાં સટ્ટાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી ક્રિપ્ટો કરન્સીને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ મોટી સંખ્યામાં લોકો ક્રિપ્ટો કરન્સીમાં ગેરકાયદે રોકાણ કરી રહ્યા છે પરંતુ પ્રતિબંધિત હોવાને લીધે જયારે કોઈ છેતરપિંડી આચારવામાં આવે ત્યારે રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવતો હોય છે ત્યારે  રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના રોકાણકારોની સ્થિતિ ન રહેવાય ન કહેવાય જેવી થઇ છે.

સમગ્ર કૌભાંડની મોડસ ઓપરેન્ડી વિશે જો વાત કરવામાં આવે તો ઓનલાઇન ધમધમતા એક વેબસાઈટ મારફત ક્રિપ્ટો કરન્સીમાં સોદા પાડવામાં આવે છે. ’ટી બેક’ નામની એક કરન્સી અંદાજિત બે વર્ષ પૂર્વે લોન્ચ કરવામાં આવી હતી જેનો શરૂઆતનો ભાવ અંદાજિત 60 ડોલર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ રોકાણકારોને ચેઇન પદ્ધતિ, સેમિનાર, ગ્રુપ મિટિંગ મારફત આકર્ષક વળતરની લાલચે રોકાણ કરાવવામાં આવ્યું હતું. ફકત એક આઈડી શરૂ કરવા માટે અંદાજિત 2 લાખ રૂપિયાની માતબર રકમ ઉઘરાવવામાં આવે છે.

રોકાણકારોના 2 લાખ રૂપિયાને ડોલરમાં ક્ધવર્ટ કરી 60 ડોલરના હિસાબે ’ટી બેક’ કરન્સી વર્ચ્યુલી આપવામાં આવતી હતી. કરન્સી લોન્ચ કર્યા બાદ રોકાણકારોને વિશ્વાસમાં લેવા થોડો સમય ભાવ સતત ઊંચા રાખવામાં આવ્યા હતા તેમજ તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવાની મંજૂરી પણ આપવામાં આવતી હતી. જેના લીધે રોકાણકારોએ લાલચમાં આવી મોટી રકમનું રોકાણ કર્યું હતું. જે બાદ ટી બેકનો ભાવ સાવ તળિયાં ઝાટક કરી દેવામાં આવ્યા હતા. જેના લીધે રોકાણકારોના કરોડો રૂપિયા સીધા જ સ્વાહા થઇ ગયાં હતા. રાતા પાણીએ રડી રહેલા અમુક રોકાણકારોએ ખાખીનો સંપર્ક કરતાં હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

અંદાજિત રૂ. 400 કરોડથી વધુની છેતરપિંડી!!

આશરે બે વર્ષ પૂર્વે ’ટી બેક’ નામની કરન્સી બ્લોક ઓરા ટોકન પરથી લોન્ચ કરવામાં આવી હતી. જે બાદ અંદાજિત 20 હજાર જેટલાં આઈડી શરૂ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એક આઈડી શરૂ કરવા માટે રૂ. 2 લાખની ડિપોઝીટ આપવી પડે છે એટલે કે દેખીતી રીતે રૂ. 400 કરોડનું રોકાણ મેળવી એકાએક કરન્સીના ભાવ તળિયાં ઝાટક કરીને અબજો રૂપિયાનું કૌભાંડ આચરી લેવામાં આવ્યું છે.

કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દુબઇનો રહેવાસી?

મળતી માહિતી મુજબ બે વર્ષ પૂર્વે જે ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરવામાં આવી હતી તેનો મુખ્ય સૂત્રધાર દુબઇનો રહેવાસી છે. જે અવાર નવાર ભારત આવીને મોટા મોટા શહેરોમાં મિટિંગો કરી રોકાણકારોને આકર્ષતો હોય છે. બે શખ્સો દુબઇ રહીને ભારતમાં આખુ નેટવર્ક ચલાવી રહ્યા છે ત્યારે રાજ્યમાં બ્રાહ્મણ જેવી જ્ઞાતિનો ચાર અક્ષરધારી નામ ધરાવતો શખ્સ અને અન્ય એક ત્રણ અક્ષરધારી શખ્સ રાજ્યનું સૌથી મોટુ જીઆઈડીસી ધરાવતા શહેરમાંથી આલ્હા નેટવર્કનું સંચાલન કરે છે.

વધુ એક કરન્સી લોન્ચ કરવાની તૈયારી!!

’ટી બેક’ નામની કરન્સીમાં રોકાણકારોને મન ભરીને લૂંટી લીધા બાદ હવે આ ટોળકી વધુ એક કરન્સી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

પેનોરમાના નામે આ કરન્સી લોન્ચ કરવામાં આવનાર હોય તેવી માહિતી મળી રહી છે. આ કરન્સી લોન્ચ કર્યા પૂર્વે એક પ્રિ લોન્ચિંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના અનેક લૂંટાયા!!

દુબઇ અને દક્ષિણ ગુજરાતની ટોળકીએ આખા રાજ્યમાંથી લોકોને લૂંટી લીધાના અહેવાલ છે. સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ સહિતના અનેક શહેરોમાંથી ઊંચા વળતરની લાલચે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી લીધાનું સામે આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.