Abtak Media Google News

અંજાર નજીક આવેલા મેઘપર બોરીચીના લાકડાના વેપારીના કોલેજીયન પુત્રનું સવા કરોડની ખંડણી પડાવવાના ઇરાદે થયેલા અપહરણ અને હત્યા ચકચારી ઘટનામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી લેવામાં પૂર્વ કચ્છ પોલીસને મહત્વની સફળતા મળી છે. ધંધામાં મોટી ખોટ જવાના કારણે પાંચ વર્ષ પહેલાં આર્થિક મુશ્કેલી દુર કરવા પોતાના જુના પાડોશીના પુત્રનું અપહરણ કરી ખંડણી વસુલ કરવા માટે સીમ કાર્ડ લીધા બાદ હત્યા કરી લાશને દાટી દેવા માટે દોઢેક માસ પહેલાં ખોડો ખોદાવ્યાનું અને પોતાની ઓળખ ન થાય તે માટે કપડા બદલી નાખવા સહિતનું પ્લાન બનાવ્યો હોવા છતાં અપહૃતે ચાર સેક્ધડના વીડિયો વાયરલ કરી દેતાં રહસ્યના આટાપાટા સર્જતી ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. પરંતુ પોલીસ અપહૃતનો જીવ બચાવી શકી ન હતી.

અપહૃતના ચાર સેક્ધડના વીડિયોની મદદથી પોલીસને મહત્વની કડી મળી: જૂના પાડોશીએ પાંચ વર્ષ પહેલાં સવા કરોડની ખંડણી પડાવવાનો પ્લાન બનાવી સીમ કાર્ડ લીધુ, દોઢ મહીના પહેલાં લાશને દાટી દેવા ખાડો ખોદાવ્યો

પૂર્વ કચ્છ એલસીબી અને અંજાર પોલીસની એક માસની દોડધામના અંતે અપહરણ અને હત્યામાં સંડોવાયેવલા બે શખ્સો પકડાયા પણ અપહૃતનો જીવ બચાવી ન શકયા

મેઘપર બોરીચીની મંગલમ રેસિડેન્સીમા રહેનાર યશ તોમર ગત તા. 6-11ના સવારે કોલેજ જવા માટે નીકળ્યા બાદ સાંજે તે પરત ન ફરતાં ફરિયાદી અને યશના માતા એવા રેખાસિંઘએ તેને ફોન કરતાં સવા કરોડની ખંડણી માટે ફોન આવ્યો હતો. જે અંગે બાદમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતીઅંજાર પોલીસે તથા અન્ય ટીમોએ તપાસ કરી હતી, દરમ્યાન યશે સોશિયલ મીડિયામાં  ફસ ગયાનો વીડિયો પણ શેર કર્યો હતો, તે જગ્યાની શોધખોળ કરતાં પંચમુખી હનુમાન મંદિર પાછળ બાવળની ઝાડી હોવાનું બહાર આવતાં પોલીસ ત્યાં દોડી ગઇ હતી અને ત્યાં તાજો ખોદાયેલો ખાડો જણાતાં તેને મામલતદારની હાજરીમાં ખોદતાં તેમાંથી યશની લાશ મળી આવી હતી.

પોલીસ માટે દોડધામ વધી ગઇ હતી અને તમામ દિશાઓમાં પોતાના ઘોડા દોડાવ્યા હતા. આ પ્રકરણ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસવડા સાગર બાગમારએ જણાવ્યુ હતું કે, આ પ્રકરણની તપાસ માટે પોલીસે અંજાર, મેઘપર બોરીચી, આદિપુર જી.આઇ.ડી.સી. વિસ્તાર, મણિનગર, આદિપુર બસસ્ટેન્ડ રોડ, અંતરજાળ વિસ્તારમાંથી 9.5 કિ.મી. સુધીના 350 જેટલા સીસીટીવી કેમેરાનો 1200 જી.બી. ડેટા એકત્ર કરી તેનું પૃથક્કરણ કરવામાં આવ્યુ હતું, જેમાં આરોપી અને તેનો મિત્ર દેખાયા હતા, જેના આધારે રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ નરસી કાલરિયા (પટેલ) (રહે. અંતરજાળ) તથા કિશન માવજી સીંચ (મહેશ્વરી) (રહે. વાવાઝોડા કેમ્પ -ગાંધીધામ)ની અટક કરવામાં આવી હતી.

પોલીસવડાએ ઉમેર્યું હતું કે, યશ તોમરનો પરિવાર તથા રાજેશ કાલરિયાનો પરિવાર પાંચેક વર્ષ પહેલાં વરસામેડીની બાગેશ્રી સોસાયટીમાં રહેતા હતા. રાજેશ અગાઉ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો, પરંતુ ધંધામાં તૂટી જતાં તેને આર્થિક તંગી આવી હતી. જેમાં તેણે ઘર વગેરે બધુ ગિરો મૂકી દીધા હતા. પોતાના જૂના પાડોશી યશ તોમર અને પરિવાર ખૂબ જ પૈસાવાળા હોવાનું તેના ધ્યાને હતું. માટે તેણે પૈસાની સગવડ કરવા માટે આ કાંડને અંજામ આપ્યો હતો.

પાંચેક વર્ષ પહેલાં તેણે પોતાના પરિવારને અમદાવાદ મોકલાવી દીધો હતો અને ડમી  સિમકાર્ડ લઇ લીધું હતું.તોમર પરિવાર ધનવાન હોવાથી યશનું અપહરણ કરવા, ખંડણી માગવા તેણે કિશન સીંચને પણ પોતાની સાથે સામેલ કર્યો હતો. યશ કયાં-કયાં જાય છે, કોને મળે છે, તેનો નિત્યક્રમનો માર્ગ કયો છે વગેરેની 40-45 દિવસ સુધી રેકી કરી હતી અને બાદમાં બાવળની ઝાડીઓમાં પોતાને ટાવર નાખવું છે તેમ કહી મજૂરો પાસેથી ખાડો ખોદાવ્યો હતો. બનાવના દિવસે યશ કેલેજ જવા નીકળતાં કેલેજ જેવો પહેરવેશ પહેરીને રાજેન્દ્રકુમાર રસ્તામાં ઊભો રહ્યો હતો અને પોતાનું વાહન બગડી ગયું હોવાનું કહી યશના વાહન પાછળ?બેસી ગયો હતો. હુડી અને મોઢે રૂમાલ બાંધીને બેઠેલા આ શખ્સે પોતાનું હાઇડ્રા બગડી ગયું હોવાનું કહી યશને પંચમુખી મંદિર પાછળ બાવળની ઝાડીઓમાં લઇ ગયો, જ્યાં પ્લાનિંગ પ્રમાણે પહેલાંથી જ કિશન સીંચ હાજર હતો. થોડી જ વારમાં યશ તોમરે ફસ ગયાનો વીડિયો બનાવ્યો હતો,

તેવામાં આ શખ્સોએ લોખંડના બે ઘા કરી યુવાનને નીચે પાડી દીધો હતો અને બાદમાં પોતાની સાથે લાવેલી રસ્સી વડે ગળે ટૂંપો દઇ તેની હત્યા નીપજાવી હતી બાદમાં બંને આરોપીઓએ યશની લાશને ખાડામાં નાખી તેને દાટી દઇને નાસી ગયા હતા. સાંજે ફરિયાદીએ પોતાના દીકરાને ફોન કરતાં આ શખ્સોએ સવા કરોડની ખંડણી માગી તા. 11ના મુંબઇ આવીને આપી જવા ધમકી આપી હતી, પરંતુ તે પહેલાં તા. 10-11ના પોલીસે યશની લાશ શોધી કાઢી હતી, જેની આરોપીને ભાળ મળતાં તે અમદાવાદ નાસી ગયો હતો. પોલીસે દોડધામ આદરી સીસીટીવી કેમેરા, હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ એનાલિસીસ કરીને આ શખ્સને અમદાવાદથી પકડી પાડયો હતો. અન્ય રીતે કિશન સીંચને અહીંથી ઉઠાવી લીધો હતો.

આરોપીઓએ રેકી દરમ્યાન એકિટવા નંબર જી.જે.-12-બી.જી.- 5869 તથા બાઇક નંબર જી.જે.-12-ઇએ-7361 તથા બે મોબાઇલનો ઉપયોગ કર્યો હતો. તે પોલીસે જપ્ત કર્યા છે, પરંતુ યશનું વાહન, બેગ વગેરે હજુ મળ્યા નથી. જેને શોધી કાઢવા બંને આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે. આ કામગીરીમાં અંજાર ડીવાય.એસ.પી. મુકેશ ચૌધરી, એલ.સી.બી. પી.આઇ. એમ.એન. ચૂડાસમા, અંજાર પી.આઇ. એસ.ડી. સિસોદિયા, એસ.ઓ.જી.  પી.આઇ. એમ.એમ. ઝાલા, પી.એસ.આઇ. ડી.જી. પટેલ તથા સ્ટાફની 15 ટીમ જોડાઇ હતી. પૈસાની સગવડ કરવા માટે જૂના પાડોશીએ જ યુવાનનું અપહરણ કરી ખંડણી માટે તેની હત્યા નીપજાવી હોવાનું બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.