Abtak Media Google News

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્રના સમુદ્ર માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા માટે સરળ બન્યું હોય તેમ મુન્દ્રા, સલાયા અને નવલખીના દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસે છેલ્લા એક સપ્તાહમાં 950 કરોડની કિંમતનો ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી લીધા બાદ નવલખીના ઝીંઝુડા પાસેથી રૂા.600 કરોડની કિંમતના 120 કિલો ડ્રગ્સના જંગી જથ્થા સાથે ત્રણ શખ્સોને એટીએસ અને મોરબી એઓજી સ્ટાફે ઝડપી લીધા છે. મુન્દ્રા, સલાયા અને નવલખી ખાતેથી પોલીસે ડ્રગ્સ ઝડપી લેતા ડ્રગ્સ માફિયા અને પેડલરોમાં ફફડાટ મચી ગયો છે. રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સનો જથ્થો ઝડપી લેનાર એટીએસ અને સ્થાનિક પોલીસને અભિનંદન પાઠવ્યા છે.

એટીએસ અને મોરબી એસઓજીને મળી મોટી સફળતા: સલાયા બાદ નવલખીથી ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાતા સૌરાષ્ટ્રના સમુદ્રમાં સઘન ચેકીંગ

સલાયા ખાતેથી રૂા.315 કરોડની કિંમતના 63 કિલો ડ્રગ્સ સાથે મુંબઇ અને સલાયાના નામચીન શખ્સોને ઝડપી રિમાન્ડ દરમિયાન કરાયેલી પૂછપરછમાં પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યાની સ્ફોટક વિગતોની સાથે ડ્રગ્સનો વધુ જથ્થો નવલખી પાસેને ઝીંઝુડાના શખ્સો પાસે હોવાની સ્ફોટક વિગતોનો ક્લુ મળ્યું હતું.

પાકિસ્તાનની માછીમારીની બટ દ્વારા કરોડોનું ડ્રગ્સ સૌરાષ્ટ્રના સમુદ્ર માર્ગે મોકલ્યાની વિગતોની સાથે નવલખીના ઝીંઝુડાના કોઠાવાડા પીરની દરગાહની બાજુમા આવેલા મકાનમાં ડ્રગ્સ છુપાવ્યાનું સામે આવતા એટીએસ સ્ટાફે મોરબી એસઓજી સ્ટાફને સાથે રાખી ઝીંઝુડા ખાતે દરોડો પાડી જોડીયાના મુકતાર હુસેન ઉર્ફે જબ્બાર અને સલાયાના ગુલાબ હુસેન નામના શખ્સોને મોડીરાતે ઝડપી બંને શખ્સો પાસેથી રૂા.600 કરોડની કિંમતના 120 કિલો ડ્રગ્સ સાથે ઝડપી તેની સાથે સંડોવાયેલા શમસુદીન નામના શખ્સને પણ ઝડપી લીધો છે.

સુરત, અમદાવાદ,દ્વારકા, મોરબી, મુન્દ્રા અને સલાયામાં ડ્રગ્સનું નેટવર્ક

સલાયામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાતા મુખ્તાર હુસેન અને ગુલાબ હુસેન પોતાની પાસે રહેલા ડ્રગ્સનો જથ્થો અંદરીયાળ ગામેથી ઝીંઝુડા ખાતે લાવી છુપાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અને સલાયાની જેમ જ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાની બોટ દ્વારા ઘુસાડવામાં આવ્યાનું સામે આવતા સલાયાની સાથે જ નવલખીના દરિયામાં ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યાની શંકા સાથે ડ્રગ્સ સાથે ઝડપાયેલા શખ્સોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

સલાયા અને નવલખીમાં પાકિસ્તાનથીજ એક સાથે ડ્રગ્સ મોકલાયું?

એટીએસ અને મોરબી એઓજી સ્ટાફે નવલખીના ઝીંઝુડા ખાતેથી રૂા.600 કરોડના ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાતા પોલીસ સ્ટાફ પણ ચોકી ઉઠયો હતો. ડ્રગ્સ રેકેટના મુળ સુધી પહોચવા પોલીસ દ્વારા સઘન તપાસ કરવા સરકાર દ્વારા અનુરોધ કરી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેનાર એટીએસ અને એસઓજી સ્ટાફની કામગીરી રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી છે. ઝીંઝુડા ખાતેથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે વધુ વિગતો આપવા રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવનાર છે.

ગૃહમંત્રીએ ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી

Harsh Sanghavi

ગુજરાતમાં એક બાદ એક ડ્રગ્સના જથ્થા પર પોલીસ અને એટીએસની ધોસ બોલી રહી છે ત્યારે મોરબીના ઝીંઝુડા ગામમાં સ્થાનિક પોલીસ અને એટીએસને રૂ.૬૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. જે બાબતે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી હતી.

આ અંગે ગૃહમંત્રી હર્ષ સંધવીએ ટ્વિટ મારફતે માહિતી આપી હતી કે ગુજરાત પોલીસે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાંથી ડ્રગ્સના પગેરુને નાબૂદ કરવા પોલીસ આગળ વધી રહી છે. અગાઉ પણ ગૃહપ્રધાને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.