Abtak Media Google News

રોગચાળો વકર્યો: તાવ અને ઉલ્ટી થતા માસુમ બાળકીનું મોત

દવા લીધા બાદ હસતી રમતી બાળકીને અચાનક ઉલ્ટી થવા લાગી: બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કરી

રાજકોટમાં બે માસ પહેલા પણ ક્લાસરૂમમાં જ વિધાર્થિનીનું બેભાન હાલતમાં મોત નિપજયું’તું

“ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે?” કહેવત મુજબ જ વર્તમાન સમયમાં રાજકોટના હાલ થઈ રહ્યા છે. જેમાં માસુમ બાળકો સામાન્ય બીમારી કે હૃદય રોગના હુમલાના ભોગ બની રહ્યા છે. આજરોજ સવારે વધુ એક બાળકીને ઉલ્ટી અને તાવના કારણે બેભાન થયા બાદ મોત નિપજયું હોવાનું સામે આવ્યું છે. 11 વર્ષની અને ધોરણ -4 માં અભ્યાસ કરતી માસુમ બાળકીને ઉલ્ટી થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તબીબે તેને મૃત જાહેર કરતા આક્રંદ છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગૌતમનગર શેરી -2માં રહેતી રાધિકા અંગતરાય રાઈ નામની 11 વર્ષની માસૂમ બાળકીને વહેલી સવારે બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને માસુમના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૂળ ઉતરપ્રદેશના ગોરખપુરના વતની અંગતરાય રાઈ વર્ષોથી રાજકોટમાં રહીને કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અંગતરાયને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેમની 11 વર્ષની પુત્રી રાધિકા રાઈ ધોળકિયા સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરે છે. ગઇ કાલે બપોરના સમયે રાધિકાને તાવ આવ્યા બાદ ઉલ્ટી થતા તેણીની તબિયત લથડી હતી. જેથી રાધિકાના પિતાજી તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં દવા લીધા બાદ ઘરે પરત આવ્યા હતા.

ત્યાર બાદ ગઇ કાલે સાંજના સમયે માસુમ બાળકી રાધિકા રાઈ ફરી હસતી રમતી થઈ ગઈ હતી અને રાત્રીના ભોજન બાદ સૂઈ ગઇ હતી. ત્યાર બાદ મોડી રાત્રીના ફરી એકવાર રાધિકાને ઉલ્ટીઓ થવા લાગી હતી. જેથી વધુ પડતી ઉલ્ટીઓ થઈ જતાં રાધિકા બેભાન થઇ ગઇ હતી. આખી રાત ઉલ્ટીઓ થયા બાદ વહેલી સવારે રાધિકાને બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી માસુમ બાળકીને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાયો છે.

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી તાવ અને સામાન્ય બીમારીન કારણે અનેક માસુમોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નવા વર્ષની શરૂઆત બાદ નાના બાળકો અને રમતવીરોના વધતા જતા મોતના પ્રમાણના કારણે આરોગ્ય વિભાગ સહિત લોકો ગભરાઈ રહ્યા છે.

બે માસ પહેલા પણ રાજકોટ શહેરના ઢેબર રોડ પર ગોપાલનગરમાં રહેતી અને ગોંડલ રોડ પર એ.વી.જસાણી સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતી રિયા કિરણકુમાર સાગરનું ગઈ ગત તા.17મી જાન્યુઆરીના રોજ મોત થયું છે. રિયા સાગર નિયત ક્રમ અનુસાર સવારે સ્કૂલ-વેનમાં બેસી પોતાની સ્કૂલે ગઈ હતી. પ્રાર્થના ખંડમાં પ્રાર્થના કર્યા બાદ રિયા અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પોતાના ક્લાસમાં ગઈ હતી. ક્લાસરૂમમાં પહોંચતા વેંત જ રિયાને ધ્રુજારી ઉપડી હતી અને તે બેભાન થઈ ક્લાસરૂમમાં જ ઢળી પડી હતી. સ્કૂલ સંચાલકોએ બાળકીને તુરંત હોસ્પિટલ ખસેડી હતી પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

જ્યારે એકાદ માસ પહેલા પણ રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા પરેશભાઈ ચૌહાણના દોઢ વર્ષના માસૂમ પુત્ર મિરાજ ચૌહાણને બે દિવસ સુધી ઝાડા-ઉલ્ટી થયા બાદ બેભાન થઈ જતાં બાળક ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.