Abtak Media Google News

ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા અને ઘુસણખોરી નિયંત્રણ માટે કરાયેલી કામગીરીનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી અને ગૃહ રાજય મંત્રી

ગોંધવી-નાવદ્રા-ભોગાત વિસ્તારમાં ચાર દિવસમાં 14 લાખ ચોરસ ફૂટ જમીન પરથી દબાણો હટાવાયા

ગુજરાતના 1600 કિ.મી. લાંબી દરિયાઈ પટ્ટીમાં કોઈપણ પ્રકારની ઘુસણ ખોરી કે  ગેરકાયદે  પ્રવૃત્તિ  ચલાવી લેવામાં આવશે નહી તેવો હુંકાર  દ્વારકાની મૂલાકાતે  આવેલા  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે  કર્યો હતો.

Advertisement

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા માદક દ્રવ્યોની ઘૂસણખોરીના નિયંત્રણ માટે લેવાયેલ પગલાનું નિરીક્ષણ કરી દ્વારકા જિલ્લાના હર્ષદ મંદિર વિસ્તારની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી-નાવદ્રા-ભોગાત વિસ્તારમાં છેલ્લા ચાર દિવસમાં દૂર કરાયેલ રૂ. 6.13  કરોડથી વધુના મૂલ્યની 14 લાખ ચોરસ ફૂટથી વધુની જમીન ખુલી કરવા બદલ સમગ્ર દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રની સરાહના કરી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના એવાં બેટ દ્વારકાની રૂબરૂ મુલાકાત લઇ તંત્ર દ્વારા થયેલી ગેરકાયદે દબાણ દૂર કરવા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રી  અને ગૃહ રાજ્યમંત્રી એ ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કાંઠા પર સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના અને એવા પોઇન્ટ અને તે વિસ્તારોમાં પોલીસ-રેવન્યુ ખાતાની કાર્યવાહીની સમીક્ષા પણ કરી હતી.

ઓખાથી બેટ દ્વારકા સુધીની દરિયાઈ સફર દરમિયાન વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના ડ્રિમ પ્રોજેકટ સમા નિર્માણાધીન સિગ્નેચર બ્રિજના કામનું પણ નિરીક્ષણ તેમણે કર્યું હતું.સિગ્નેચર બ્રિજની કામગીરી સત્વરે પૂર્ણ કરાશે તેમ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી એ કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સ્થાપેલા સુરક્ષા, શાંતિ, સલામતીના મજબૂત પાયાને વધુ સુદ્રઢ રાખવા રાજ્ય સરકાર મક્કમ છે. વિકાસ કામોને આડે આવતી ગેરકાયદે દબાણ સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ આગળ વધતી અટકાવાશે અને કાયદાકીય રીતે સખ્તાઈથી દૂર કરવામાં આવશે. લોકોની સલામતી અને સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું.

સરકારી યોજનાઓના લાભ વિના અવરોધે છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે હેતુથી સરકાર દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરાઈ રહી છે, તેમ તેમેણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી એ વધુમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ગુજરાતના 1600 કી.મી. લાંબા દરિયાઇ પટ્ટા પર કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં. આ તમામ દરિયા કિનારાને સજ્જડ સુરક્ષિત કરવાનો નિર્ધાર છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમુદ્ર તટીય વિસ્તારોની આંતરિક અને બાહ્ય સલામતી અને સુરક્ષા માટે આ કડક પગલાં લેવાઈ રહ્યા છે. ગેરકાયદેસર દબાણો પર લોકહિતમાં કાર્યવાહી કરવામાં આવી છે અને કડક પગલાં લેવામાં આવ્યા છે. દરિયાઈ પટ્ટી પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં.

ભીડભંજન ભૂવનેશ્વર મંદિર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધાપૂર્વક વંદન કર્યા હતા અને આસપાસના વિસ્તારોમાં ડિમોલિશ કરાયેલા વિવિધ બાંધકામોનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.  આ વિસ્તારની પ્રવૃત્તિઓ ઉપર ચાંપતો બંદોબસ્ત રાખવા અને તમામ નાની નાની હિલચાલની સતર્કતાપૂર્વક નોંધ રાખવા ઉપસ્થિત અધિકારીઓને સ્થળ પર જ તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ હર્ષદ વિસ્તારના દરિયાઈ વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના  હર્ષદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામમાંશ્રી હરસિદ્ધિ માતાના દર્શન કરી માતા સમક્ષ ગુજરાતની પ્રજાના લોક કલ્યાણની કામના કરી હતી તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે થયેલી સ્તુતિ દ્વારા માતાજીની આરાધના કરી હતી

આ મંદિરના મુખ્ય પૂજારી  અલ્પેશભાઈ પંડ્યા એ જણાવ્યાનુસાર હર્ષદના દરિયાકિનારા નજીક કોયલા ડુંગરની તળેટીમાં આવેલ આ શ્રી હરસિધ્ધિ મંદિર એક હજાર વર્ષ પુરાણું મંદિર છે. તેમજ કોયલા ડુંગર ઉપર આવેલ મહમદ ગજનીએ ખંડિત કરેલ શિવ મંદિર પાંચ હજાર વર્ષ પુરાણું છે. આ મંદિરએ સિદ્ધપીઠ છે અને ઉજ્જૈન માતા શ્રીહરસિધ્ધિ બિરાજે છે તે શક્તિપીઠ છે. ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યજી આ હરસિદ્ધિ માતાના પરમ ઉપાસક હતા. ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી પણ આજ શ્રી હરસિધ્ધિ માતા છે. હરસિધ્ધિ માતાનો બાવન શક્તિપીઠમાં સમાવેશ થાય છે. ભગવાન દ્વારકાધીશ એ કોયલા ડુંગર ઉપર માતા હરસિધ્ધિની ઉપાસના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.