ચાર ધામ યાત્રા માટે 35 લાખ જેટલા ભાવિકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન : રૂટના તમામ સ્થળોએ સઘન આરોગ્ય વ્યવસ્થા હોવા છતાં ભાવિકોના મોત થવાનું પ્રમાણ વધ્યું

દરેક હિન્દૂ ભાવિકોનું સ્વપ્ન હોય છે કે તેઓ ચાર ધામની યાત્રા કરે. આ વર્ષે ચાર ધામ યાત્રા માટે ભાવિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં 35 લાખ ભાવિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. 15 લાખ ભાવિકો તો કેદારનાથ સુધી દર્શને પહોંચી ગયા છે. જો કે દુ:ખદ વાત તો એ છે કે 75 યાત્રિકોની આ યાત્રા છેલ્લી યાત્રા બનીને રહી ગઈ છે.

ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા શરૂ કર્યાને લગભગ 1 મહિનો થઈ ગયો છે. આ વખતે હવામાન પણ મુસાફરોની આકરી કસોટી લઈ રહ્યું છે. ચારધામ યાત્રામાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ભક્તોની સંખ્યાની વાત કરીએ તો આ સમયે કેદારનાથમાં સૌથી વધુ સંખ્યામાં ભક્તોએ બાબા કેદારના દર્શન કર્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ દર્શન માટે બદ્રીનાથ પહોંચી રહ્યા છે.

આ યાત્રા 22 એપ્રિલે શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં 35 લાખથી વધુ ભક્તોએ નોંધણી કરાવી છે, તો 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મુલાકાત લઈ ચૂક્યા છે. બાળકો હોય કે વૃદ્ધો, સૌ ત્યાં યાત્રામાં પહોંચી રહ્યા છે. પરંતુ આ વખતે પ્રવાસમાં કેટલાક એવા આંકડા સામે આવી રહ્યા છે જે ચિંતાનો વિષય છે. છેલ્લા 34 દિવસની વાત કરીએ તો આ 34 દિવસમાં લગભગ 75 મુસાફરોના મોત થયા છે.

જે મુસાફરો સ્વસ્થ છે તેમને જ મુસાફરી કરવાની મંજૂરી આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને વૃદ્ધ મુસાફરોના મેડિકલ સર્ટિફિકેટની તપાસ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. વિવિધ સ્થળોએ ડોક્ટરો પણ તૈનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ માટે હેલ્થ એટીએમ પણ લગાવ્યા છે.જેથી થોડીવારમાં ભક્તોના 70થી વધુ ટેસ્ટ થઈ શકે તેમ છતાં મૃત્યુઆંક વધી રહ્યો છે.

ક્યાં ધામમાં કેટલા લોકોના મોત થયા ?

યમુનોત્રીમાં 19 શ્રદ્ધાળુઓના મોત
ગંગોત્રીમાં 9 શ્રદ્ધાળુઓના મોત
કેદારનાથમાં 34 શ્રદ્ધાળુઓના મોત
બદ્રીનાથમાં 13 શ્રદ્ધાળુઓના મોત

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.