Abtak Media Google News

4877 વાંધા અરજીઓનો નિકાલ કરાયો: નામ ટ્રાન્સફરની 19,642 અરજીઓ આવી

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા છેલ્લા એક વર્ષમાં 28,841 મિલકતોની નવી આકારણી કરવામાં આવી છે. જેના કારણે કોર્પોરેશનની તિજોરીમાં કરોડો રૂપિયા ઠાલવાયા છે. નામ ટ્રાન્સફરની 19,642 અરજીઓનો પણ નિકાલ કરવામાં આવ્યો છે.

કોર્પોરેશનમાં ગત 19મીએ મળેલા જનરલ બોર્ડમાં વોર્ડ નં.14ના કોર્પોરેટર નિલેશભાઇ જલુએ પ્રશ્ર્ન રજૂ કર્યો હતો જેમાં તેઓએ માહિતી માંગી હતી કે વર્ષ-2022-2023માં વેરા વસૂલાત શાખા દ્વારા નવી કેટલી મિલકતોની આકારણી કરવામાં આવી, કેટલી રિવાઇઝ્ડ અરજીઓની આકારણી કરવામાં આવી, નામ ટ્રાન્સફરની અને વાંધા અરજીઓની નિકાલની માહિતી માંગી હતી. દરમિયાન ટેક્સ બ્રાન્ચ દ્વારા વોર્ડ વાઇઝ માહિતી આપવામાં આવી છે.

ગત નાણાકીય વર્ષે 28841 નવી મિલકતની આકારણી કરવામાં આવી છે. જ્યારે 3523 મિલકતોની રિવાઇઝ્ડ આકારણી કરવામાં આવી છે. 4877 વાંધા અરજીઓનું નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે નામ ટ્રાન્સફર 19642 અરજીઓ મળી છે. જેનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં મિલકતોની આકારણી થવાના કારણે ટેક્સની આવક પણ સતત વધી રહી છે.

વાહન વેરાની આવકમાં સતત વધારો

વાહન વેરા પેટે કોર્પોરેશનને થતી આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં વાહન વેરા પેટે કોર્પોરેશનને કેટલી આવક થવા પામી તે અંગેની માહિતી વોર્ડ નં.18ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન વાઘેલાએ માંગી હતી. જેનો જવાબ ટેક્સ બ્રાન્ચ દ્વારા આપવામાં આવ્યો છે. વર્ષ-2020-2021માં વાહન વેરા પેટે રૂ.12.05 કરોડની આવક થવા પામી હતી. જ્યારે વર્ષ-2021-2022 રૂ.17.57 કરોડ, વર્ષ-2022-2023માં 24.73 કરોડ જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ દોઢ માસમાં રૂ.3.38 કરોડની આવક થઇ જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.