6 એપ્રિલે ઐતિહાસિક ધોલેરા સત્યાગ્રહ-‘સિંધુડો’ની 91મી જયંતી

બ્રિટીશ પોલીસના દમન વચ્ચે પણ સત્યાગ્રહીઓ હિંમત હાર્યા નહોતા 

6 એપ્રિલના રોજ 1930ના ઐતિહાસિક ‘ધોલેરા સત્યાગ્રહ-‘સિંધુડોની 91મી જયંતી.  ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ‘શૌર્યભૂમિ ધોલેરાનો સ્મૃતિ-સ્થળ તરીકે વિકાસ થાય તેવી લોકલાગણી છે. આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ નિમિત્તે આનું સવિશેષ મહત્વ છે.  12 માર્ચ 1930એ મહાત્મા ગાંધીએ અમદાવાદ ખાતે પોતે સ્થાપેલા સાબરમતી આશ્રમથી 79 સત્યાગ્રહીઓ સાથે પગપાળા ઐતિહાસિક દાંડી યાત્રા શરૂ કરીને 6 એપ્રિલ 1930નાં રોજ દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહનો પ્રારંભ કર્યો. તે જ વેળાએ સૌરાષ્ટ્રના સિંહ તરીકે ઓળખાતા અમૃતલાલ શેઠની આગેવાની હેઠળ ધોલેરા ખાતે પણ સત્યાગ્રહનાં મંડાણ થયાં હતાં.

ધોલેરા સત્યાગ્રહના અગ્રગણ્ય સેનાનીઓ હતા : સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, બળવંતરાય મહેતા, મણિશંકર ત્રિવેદી, ભીમજીભાઈ પારેખ સુશીલ, રસિકલાલ પરીખ, જગજીવનદાસ મહેતા, કક્લભાઈ કોઠારી, હરગોવિંદભાઈ પંડ્યા, મનુભાઈ જોધાણી, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા સોપાન, રતુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી દર્શક, જયમલ્લભાઈ પરમાર, ઈશ્વરભાઈ દવે, મગનલાલ સતિકુમાર, રતિલાલ શેઠ, કાંતિલાલ શાહ, કનુભાઈ લહેરી, તારાચંદ રવાણી, કાનજીભાઈ ચૌહાણ, મનુભાઈ બક્ષી, રતુભાઈ કોઠારી, વીરચંદભાઈ શેઠ, ભીખુભાઈ ધ્રુવ, કેશુભાઈ મહેતા, વૈદ્ય બાલકૃષ્ણભાઈ દવે, શિવુભા ચુડાસમા, મનુભા ચુડાસમા, અમૃતલાલ પંડ્યા. બહેનોનું સુકાન સંભાયેલું : દેવીબેન પટ્ટણી, અમૃતલાલ શેઠનાં પત્ની રૂક્ષ્મણીબેન, પુત્રી લાભુબેન (મહેતા), ભત્રીજી પુષ્પાબેન (પૂર્ણિમાબેન પકવાસા), ગંગાબેન ઝવેરી, સુમિત્રાબેન ભટ્ટે સંભાળ્યું હતુ.સ્વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભક્તિનાં 15 શૌર્યગીતોનો સંગ્રહ સિંધુડો આ અવસરે પ્રસિધ્ધ થયો.

સ્વતંત્રતાની મીઠાશ, છેલ્લી પ્રાર્થના, શિવાજીનું હાલરડું, બીક કોની મા તને, તરુણોનું મનોરાજ્ય, કવિ તને કેમ ગમે, મોતનાં કંકુઘોળણ, ગાઓ બળવાનાં ગાન, કાલ જાગે, ઊઠો, નવ કહેજો, ઝંખના, ભીરુ, યજ્ઞ-ધૂપ, વીર જતીન્દ્રનાં સંભારણાં જેવાં 15 ગીતો આ સંગ્રહમાં છે.  સત્યાગ્રહીઓને પોરસ ચડાવતું શૌર્ય-ગીત કંકુ ઘોળજો જી રે કેસર રોળજો, પીઠી ચોળજો જી રે માથાં ઓળજો (મોતનાં કંકુઘોળણ) ઝવેરચંદ મેઘાણીએ પોતાના બુલંદ કંઠે લલકાર્યું. ગીતને અંતે બોલતાં કહ્યું : કવિઓ જેને વસંત તરીકે ઓળખાવે છે તે આ ઋતુમાં તો હોળી ખેલાય. આજે આપણે ધોલેરાને સાગર-તીરે હોળી ખેલવા આવ્યા છીએ; પણ એ હોળી જુદી જાતની છે. સિંધુડોનાં ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં શામેલ થઈ ગયાં હતાં. ગામેગામ અને ઘેરઘેર આ ગીતો સહુ કોઈના કંઠે ગવાતાં અને ઝીલાતાં હતાં. પ્રભાતફેરીઓ, સભાઓ, સરઘસો દ્વારા આ ગીતોએ ખાસ કરીને નવયુવાનોમાં વ્યાપક નવચેતના ફેલાવી હતી. આ ગીતો ગાતાં ગાતાં સત્યાગ્રહીઓએ લાઠીઓ અને ગોળીઓ ઝીલી હતી, કારાવાસની સજા હસતે મોંએ સ્વીકારી હતી. તેમનાં આ ગીતોથી પ્રચંડ લોકજુવાળ ઊભો થતાં બ્રિટિશ સરકાર પણ ચોંકી ગઈ હતી.

બ્રિટિશ સરકારે ગભરાઈ ને સિંધુડો જપ્ત કર્યો. પરંતુ તેની હસ્તલિખિત કાનૂનભંગ-આવૃત્તિની સેંકડો સાઇક્લોસ્ટાઈલ્ડ નકલો જોતજોતામાં લોકોમાં ફરી વળી હતી.અંગ્રેજ સરકારના અમાનુષી અત્યાચારને કારણે રતિલાલ વૈદ્ય નામના 18-વર્ષીય યુવા સત્યાગ્રહી પુણેની યરવડા જેલમાં શહીદ થયા હતા. ધોલેરા સત્યાગ્રહની ચાર છાવણીઓ (ધોલેરા, ધંધુકા, રાણપુર, બરવાળા)માં રાણપુર અતિ મહત્વની છાવણી હતી. ધોલેરા સત્યાગ્રહનું સમસ્ત આયોજન-સંયોજન અહિથી થયું હતું. સમગ્ર કાઠિયાવાડમાંથી મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓ સત્યાગ્રહમાં ભાગ લેવા ટ્રેન દ્વારા રાણપુર ઊમટી રહ્યાં હતાં ત્યારે ટ્રેન રાણપુર સ્ટેશને થોભે જ નહિ તેવી બ્રિટિશ સરકારે રેલ્વે વિભાગને સૂચના આપી હતી. આથી સત્યાગ્રહીઓએ આગલે સ્ટેશને ઉતરીને એક હાથમાં તિરંગો અને બીજા હાથમાં મીઠાની થેલી રાખીને રાણપુર તરફ કૂચ કરતાં. બ્રિટિશ પોલીસના ભારે દમન વચ્ચે પણ હિમંત હાર્યા નહિ. રાણપુરનાં ગ્રામજનોને બ્રિટિશ પોલીસ રંજાડે નહિ તે આશયથી કોઈનાં ઘરને બદલે નદીનાં પટમાં અને સ્મશાનમાં સત્યાગ્રહીઓએ આશરો લીધો. રાણપુર સ્મશાનની છાપરી સત્યાગ્રહી છાવણી તરીકે ઓળખાઈ. ઘર-ઘરમાંથી રોટલા ઉઘરાવીને તથા માટલામાં શાક-દાળ-ભાત ભરીને ગામની બહેનો પણ બ્રિટિશ પોલીસનો ડર રાખ્યા વગર નિર્ભયતાપૂર્વક સત્યાગ્રહી ઓને ભોજન પહોંચાડતી. આ રોટીને આઝાદ રોટીનું નામ અપાયું હતું.