Abtak Media Google News

આબકારી નીતિમાં ફેરફાર કરી ગેરરીતિ આચરવાના આરોપમાં સીબીઆઈની કાર્યવાહી

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની લીકર પોલીસી કૌભાંડ મામલે સીબીઆઈએ ધરપકડ કરી છે. ૮ કલાકની પૂછપરછ બાદ મનીષ સિસોદીયાની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના મુખ્ય કાર્યાલય પર તેમની સવારથી પૂછપરછ ચાલી રહી હતી. મનીષ સિસોદીયાની ધરપકડ કરવામાં આવતા આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો આકરા પાણીએ જોવા મળ્યા હતા. આપના સાંસદ સંજ્યસિંહે આ ધરપકડને તાનાશાહી ગણાવી હતી.

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની લીકર પોલીસી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ ૮ કલાક સુધી પૂછપરછ કર્યા બાદ મનીષ સિસોદીયાની ધરપકડ કરી હતી. પુરાવા નાશ કરવાના આરોપસર સીબીઆઈએ મનીષ સિસોદીયાની ધરપકડ કરી હતી. મનીષ સિસોદીયા સવારે ૧૧:૧૦ કલાકે સીબીઆઈ કાર્યાલય પૂછપરછ માટે પહોંચ્યા હતા. આ પહેલા સિસોદીયાને ગયા રવિવારે પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ બજેટની તૈયારીઓમાં વ્યસ્ત હોવાનું કારણ આપી તેઓ આગળની તારીખ માંગી હતી. આ બાદ સીબીઆઈએ તેમને ૨૬ તારીખે હાજર થવાનું કહ્યુ હતુ.

સીબીઆઈએ મનિષ સિસોદીયાને પૂછપરછ દરમિયાન ઘરે પણ જવા દીધા ન હતા. આ સમયે જ મનીષ સિસોદીયાની ધરપકડ થશે તેવી આશંકા જોવા મળી રહી હતી. સિસોદીયા સીબીઆઈ કાર્યાલય પહોંચે તે પહેલા પણ કહી રહ્યા હતા કે, તેમની ધરપકડ કરવામમાં આવશે. સિસોદીયાની ધરપકડ કરવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા હતા. આપના રાજ્યસભાના સાંસદ સંજ્યસિંહે કહ્યુ હતુ કે, આ ખરેખર તાનાશાહી છે.

જ્યારે ભાજપે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી કે, ભાજપના નેતા કપિલ મિશ્રાએ મનીષ સિસોદીયા પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, દિલ્હીના હજારો લાખો પરિવારોને દારૂના નશામં ધકેલવામાં આવ્યા હતા. કોરોનાકાળમાં જ્યારે લોકોને દવા, ઓક્સિજન સિલિન્ડર જોઈતુ હતુ ત્યારે આ લોકોએ દારૂની દુકાનો ખોલી હતી. દિલ્હીની માતાઓ અને બહેનોની બદદુઆને કારણે સિસોદીયાની ધરપકડ કરવામાં આવી છે. હવે સિસોદીયા લાંબાગાળા સુધી જેલમાં રહેશે.

ઉલ્લેખનીય બાબત છે કે, મનીષ સિસોદીયા પર આરોપ છે કે, દારૂના વેપારીઓને લાઈસન્સ આપવામાં દિલ્હી સરકારે ગેરરીતિ કરી છે. દિલ્હી સરકારે દારૂના વેપારીઓને ફાયદો પહોંચાડ્યો છે જેના બદલે દારૂના વેપારીઓએ લાંચ આપી છે. જો કે, આ આરોપોનું આમ આદમી પાર્ટી દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. આ અંગે સીબીઆઈ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, આબકારી નીતિમાં ફેરફાર, લાયસન્સધારકોને અનુચિત લાભ, લાયસન્સ ફીમાં મુક્તિ/ઘટાડો, મંજૂરી વિના એલ-૧ લાયસન્સનું વિસ્તરણ વગેરે સહિતની ગેરરીતિ આચરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.