Abtak Media Google News

31 ઓક્ટોબર સુધીમાં વધુ 75 ઇલેક્ટ્રીક બસ આવતાની સાથે પ્રદૂષણ ઓકતી ડીઝલ બસને નિવૃત્ત કરી દેવાશે

પ્રદૂષણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બે તબક્કામાં રાજકોટમાં 150 ઇલેક્ટ્રીક બસ દોડાવવાની મંજૂરી આપવામાં આવી છે. હાલ શહેરમાં 50 ઇલેક્ટ્રીક બસ દોડી રહી છે. દરમિયાન નવી 100 ઇલેક્ટ્રીક બસની ખરીદી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ જવા પામી છે. 25 ઇલેક્ટ્રીક બસનું રાજકોટમાં આગમન થઇ ગયું છે. જેનું આરટીઓ રજીસ્ટ્રેશન અને રોડ ટેસ્ટીંગ સહિતનું કામ ચાલી રહ્યું છે. સંભવત: સાતમ-આઠમના તહેવાર બાદ 25 ઇલેક્ટ્રીક બસ શહેરીજનો માટે દોડવા લાગશે.

કોર્પોરેશન દ્વારા હાલ 50 ઇલેક્ટ્રીક બસ દોડાવવામાં આવી રહી છે. જે પૈકી 20 ઇલેક્ટ્રીક બસ બીઆરટીએસ રૂટ પર અને અન્ય 27 બસ સિટી બસના રૂટ પર દોડી રહી છે. જ્યારે નિયમ અનુસાર ત્રણ બસને રિઝર્વ રાખવામાં આવી છે. વધુ 100 ઇલેક્ટ્રીક બસ ખરીદવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે ગત સપ્તાહે કંપની દ્વારા વધુ 25 ઇલેક્ટ્રીક બસની ફાળવણી કરી દેવામાં આવી છે. જે હાલ અમૂક સર્કલ પાસેના ડેપો ખાતે રાખવામાં આવી છે. આરટીઓ રજીસ્ટ્રેશન અને રોડ ટેસ્ટીંગ સહિતની કામગીરી ચાલી રહી છે. જે પૂર્ણ થયા બાદ સાતમ-આઠમના તહેવાર પછી તરંત આ 25 બસ શહેરીજનો માટે દોડતી કરી દેવામાં આવશે. બાકી રહેતી 75 ઇલેક્ટ્રીક બસ કટકે-કટકે 31મી ઓક્ટોબર સુધીમાં આવી જશે. ટૂંકમાં દિવાળી પહેલા શહેરના રાજમાર્ગો પર 150 ઇલેક્ટ્રીક બસ દોડતી થઇ જશે.

ઇલેક્ટ્રીક બસની સુવિધાઓ પર નજર કરવામાં આવે તો તે ટ્રાફીકની ગીંચતા અને રસ્તાની પહોળાઇને ધ્યાનમાં રાખી 9 મીટરની હોય છે અને સંપૂર્ણ વાતાનુકૂલીત હોય છે. 27 મુસાફરોની સિટીંગ કેપેસિટી હોય છે. બસમાં મુસાફરોના મનોરંજન માટે એફએમ રેડિયોની સુવિધા રાખવામાં આવે છે. આ ઉપરાંત જીપીએસ ટ્રેકીંગ, કેમેરા, ફાયર એક્ઝીટ જેવી સુવિધાઓ પણ રાખવામાં આવે છે. ઓટોમેટિક દરવાજા અને ઇમરજન્સી એક્ઝીટ પણ રહે છે. મુસાફરો માટે પબ્લીક એનાઉન્સમેન્ટની સુવિધાઓ પણ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.