Abtak Media Google News

તમામ સ્થળોએ કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે, તહેવારોમાં ફરવા લાયક સ્થળો ખુલ્લા રાખવાની મહાપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓની સત્તાવાર જાહેરાત

ફરવાના શોખીન એવા રાજકોટવાસીઓ માટે આનંદના સમાચાર મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું હોય આવામાં સાતમ-આઠમના તહેવારમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ, રેસકોર્ષ સહિતના તમામ બાગ-બગીચાઓ, આજી તથા ન્યારી ડેમ ખુલ્લા રાખવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત આજે કોર્પોરેશન પદાધિકારી-અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. તમામ સ્થળોએ કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. આ માટે મેડીકલ ટીમો અને સિક્યુરિટીની પણ વધારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી પર્વમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે મંજૂરી આપવામાં આવી લોકોમાં હરખની હેલી વ્યાપી જવા પામી છે. ત્યારે આજે મહાપાલિકાએ રાજકોટવાસીઓનો આનંદ બમણો કરી દેતી જાહેરાત કરી છે. કોરોનાના કારણે શહેરમાં સાતમ-આઠમના તહેવારમાં ફરવા લાયક સ્થળો બંધ રહેશે કે ખુલ્લા રહેશે તેવી વિડંબણા લોકોના મનમાં ચાલી રહી હતી જેનો આજે અંત આવી ગયો છે. તહેવારોમાં ઝુ, બાગ-બગીચા, અને ડેમ સાઇટ ખુલ્લી રાખવાની ઘોષણા કરવામાં આવી છે.

મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, અને બાગ બગીચા સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારોનો ખુબ જ મહત્વ હોય છે. વૈશ્વિક કોરોના મહામારીના કારણે ઘણા તહેવારો, કાર્યક્રમો વિગેરે બંધ રાખવામાં આવેલ. હાલમાં, શહેરમાં કોરોના ખુબ જ નહીવત છે.

રાજ્ય સરકાર દ્વારા પણ જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી છુટછાટ આપવામાં આવેલ છે. જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આગામી જન્માષ્ટમીના તહેવારો ધ્યાનમાં રાખી રાજકોટ પ્રાણી ઉદ્યાન તેમજ શહેરમાં આવેલ બાગ-બગીચાઓ ખુલ્લા રાખવામાં આવશે. પરંતુ આ તમામ સ્થળોએ કોવીડની ગાઈડલાઈનનો અમલ કરવાનો રહેશે. તેમજ કોવીડ ગાઈડલાઈનનો અમલ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય સ્થળોએ મેડીકલ ટીમો, સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ શહેરીજનોએ પણ કોરોના સાવ ખતમ નથી તે ધ્યાનમાં રાખી કોવીડ ગાઈડલાઈનનું પાલન કરવા તેમજ ખાસ કરીને બાળકોની ખાસ તકેદારી રાખવા અંતમાં પદાધિકારીઓ દ્વારા અપીલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.