Abtak Media Google News

અબતક,અતુલ કોટેચા

વેરાવળ

સાસણના પ્રવાસ જાવ તો સુરેશભાઈ રૂપારેલિયાની શોપની મુલાકાત એકવાર લેવા જેવી ખરી. નેઈલ એન્ડ થ્રેડ વર્ક એટલે કે, દોરા અને ખીલી વડે બનાવેલ કલાત્મક શોપીસ-ફોટોફ્રેમ તમને પ્રભાવિત કર્યા વગર રહેશે નહી. સુરેશભાઈ રૂપારેલિયાએ આજથી 17-18 વર્ષ પહેલાં શોખ ખાતર ખીલી અને દોરા વડે શોપીસ-ફોટોફ્રેમ બનાવવાનુ શરૂ કરેલ, જે આજે એક વ્યવસાયમાં પરિણામ્યું છે.

સાથો સાથ આજે આ કલાત્મક વર્ક ગીરની એક ખ્યાતિ તરીકે ઉભરી રહ્યું છે. આ કામમાં વન વિભાગના અધિકારીઓનો સક્રિય સહકાર-પ્રોત્સાહન અને મિશન મંગલમ્ યોજનાનો લાભ મળતા આજે સુરેશભાઈ અને તેમનો પરિવારને નેઈલ અને થ્રેડ વર્કને મોટા ફલક તરફ લઈ જવામાં સફળાત મળી રહી છે. આ ખીલી અને દોરાના કલાત્મક ગૂંથણને આર્ટ ઓફ ગીર તરીકે વિકસાવવા માટે સુરેશભાઈ, તેમના ધર્મપત્નિ વર્ષાબેન અને સમગ્ર સખીમંડળ તનતોડ મહેનત કરી રહ્યું છે.

Nail Thread Work 11

સુરેશભાઈ રૂપારેલિયા દોરા અને ખીલીના વર્ક બનાવવાના શરૂઆતના સમયની વાત કરતા કહે છે કે, વર્ષો પહેલાં દોરા-ખીલી વડે બનાવેલ એક વસ્તુને જોઈ હતી. તેને જ અલગ અને આગવું સ્વરૂપ આપીને  મોટા ફલક પર લઈ જવાનો વિચાર કર્યો હતો. તેના આજે અઢારેક જેટલા વર્ષ વીતી ગયા… આ કલાત્મક વર્કને  વિકસાવવા માટે અવનવા પ્રયોગો કર્યા, તેના પરિણામે આજે 180થી વધુ ડિઝાઈન બનાવી ચૂક્યા છીએ. આ કલામાં પહેલાં ઘણાં લોકોએ કામ કર્યું છે. પરંતુ અમે તેને અલગ મુકામ પર લઈ માટે પ્રયત્નશીલ છીએ અને તેમાં સફળતા પણ મળી રહી છે.

Nail Thread Work 10

કોરોનાનો છેલ્લા દોઢ-બે વર્ષની સમયગાળો બાદ કરીએ તો વાર્ષિક 4 થી પાંચ લાખ રૂપિયાની કલાકૃતિઓનુ વેંચાણ કરીએ છીએ, સાથે જ આ કલાકૃતિઓના વેંચાણમાં સતત વધારો પણ થઈ રહ્યો છે. પહેલાં તો અમારા સાસણ નજીકના બોરવાવ ગામેથી જ વેચાણ કરતા ઉપરાંત કોઈ પ્રદર્શનીના માધ્યમથી વેંચાણ કરતા, પણ હવે સાસણ ખાતે એક શોપ ખોલી છે. જેથી સાસણ આવતા પ્રવાસીઓ અમારા કલાત્મક વર્કથી પરિચિત થવાની સાથે ખરીદી પણ કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે, આવનારા સમયમાં નેઈલ એન્ડ થ્રેડ વર્ક ગીરની એક બ્રાંડ તરીકે ઉભરી આવશે. સાથે જ સખીમંડળના માધ્યમથી બહેનોને વધુ રોજગારી મળી રહેશે તેમ સુરેશભાઈએ ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.