Abtak Media Google News
  • મુખ્યમંત્રીપદેથી ભૂપેન્દ્રભાઇ પટેલનું રાજીનામું: હવે ત્રણ દિવસ રખેવાળ સરકાર
  • નવી સરકારની સોમવારે શપથવિધી: બે દિવસમાં મંત્રી મંડળ નક્કી કરી લેવાશે

મુખ્યમંત્રીપદેથી આજે બપોરે ભૂપેન્દ્રભાઇ પટેલે રાજીનામું આપતો પત્ર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને અર્પણ કરતાની સાથે જ 14મી વિધાનસભાનું વિધિવત વિસર્જન થઇ ગયું છે. હવે ભૂપેન્દ્રભાઇ ત્રણ દિવસ રખેવાળ સરકાર તરીકે કાર્યરત રહેશે. દરમિયાન સોમવારે નવી સરકારની શપથવિધી યોજાશે. આવતીકાલે ભાજપના ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક મળશે. જેમાં દળના નેતા તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવશે. કાલ સાંજ સુધીમાં મંત્રી મંડળ પણ ફાઇનલ કરી દેવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર વિજય મળતાં રાજ્યપાલે મુખ્યમંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને શુભકામના પાઠવી હતી.

Whatsapp Image 2022 12 09 At 1.02.10 Pm

15મી ગુજરાત વિધાનસભાની રચના કરવા માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. નવી સરકાર આગામી સોમવારના રોજ બપોરે 2:00 કલાકે શપથ ગ્રહણ કરવાની છે. તે પૂર્વે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સીએમ પદેથી રાજીનામું આપી 14મી વિધાનસભાનું વિસર્જન કરવાની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી હતી. આજે બપોરે ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત હર્ષ સંઘવી, સી.આર.પાટીલ, પંકજ દેસાઇ અને ઋષિકેશ પટેલ સહિતના ભાજપના નેતાઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના નિવાસસ્થાને ગયા હતા જ્યાં તેઓ 14મી વિધાનસભાનું વિસર્જન કરવાની ભલામણ કરતો પત્ર રાજ્યપાલને અર્પણ કર્યો હતો. સાથોસાથ ભૂપેન્દ્રભાઇ પટેલે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપતો પત્ર પણ તેઓએ ગવર્નરને આપ્યો હતો. નવી સરકાર ન રચાય ત્યાં સુધી ગુજરાતમાં રખેવાળ સરકાર તરીકે કામ કરવા રાજ્યપાલે ભૂપેન્દ્રભાઇ પટેલને વિનંતી કરી હતી. જેનો તેઓએ સ્વિકાર કર્યો હતો. 14મી વિધાનસભાનું વિસર્જન થતાં હવે 2017 થી 2022 સુધીની ટર્મમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા તમામ સભ્યોના નામના હોદ્ાને આગળ પૂર્વ શબ્દ ઉમેરાઇ ગયો છે.

Whatsapp Image 2022 12 09 At 1.01.53 Pm

આગામી સોમવારના રોજ બપોરે 2:00 કલાકે સચિવાલય સ્થિત હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે નવી સરકારની શપથવિધી યોજાવાની છે. આવતીકાલે ‘કમલમ્’ ખાતે ભાજપના ચૂંટાયેલા તમામ 156 ધારાસભ્યોની એક બેઠક મળશે. જેમાં દળના નેતા તરીકે સર્વાનુમતે વધુ એક વખત ભૂપેન્દ્રભાઇ પટેલની વરણી કરવામાં આવશે. ત્યારબાદ નવા મંત્રી મંડળમાં કોને સ્થાને આપવું તેના માટે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવશે.

Whatsapp Image 2022 12 09 At 1.02.03 Pm

જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રી મંડળની રચના કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો છે. નિયમ મુજબ કુલ બેઠકના 15 ટકા સુધી સભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરી શકાય છે. આવામાં રાજ્યમાં વધુમાં વધુ 27 ધારાસભ્યોને મંત્રીપદ મળે તેવું લાગી રહ્યું છે. બીજા શબ્દમાં કહ્યે તો ભાજપના 129 ધારાસભ્યોને મંત્રીપદ મળશે નહિં. ભૂપેન્દ્રભાઇ પટેલ હવે ત્રણ દિવસ માત્ર રખેવાળ સરકારની ભૂમિકામાં રહેશે. કાલથી મંત્રી મંડળ રચવા માટેનો ધમધમાટ શરૂ કરી દેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.