Abtak Media Google News

લોકસભાના મુરતીયાઓને લઇ કોંગ્રેસમાં આંતરિક ઉકળતો ચરૂ

અંતે હાર્દિક કોંગ્રેસની વરમાળા ધારણ કરશે

દેશભરમાં અત્યારે લોકસભાની ચુંટણીની તારીખોની પ્રતિક્ષાનો માહોલ જામી રહ્યો છે. અને ગુજરાતમાં દાયકાઓ પછી પ્રથમવાર કોંગ્રેસ ની ઐતિહાસિક કાર્યકારણી બેઠકના ધમધમાટ વચ્ચે ગુજરાત કોંગ્રેસના મોવડીઓ પક્ષમાં ઊભી થયેલી  મુશ્કેલીઓની ચિંતામાં છે.

અમદાવાદ ખાતે ૧ર માર્ચે યોજનારી કોંગ્રેસની કાર્યકારણીની બેઠકની એક તરફ તૈયારીઓ ચાલી રહી છે. પક્ષના મોવડીઓ પાંચ દાયકા બાદ પ્રથમવાર અમદાવાદ ખાતે મળનારી બેઠક પૂર્વે અલ્પેશ ઠાકોરની નારાજગીથી ઉભા થયેલા રાજકીય સમીકરણોમાં કોંગ્રેસ અત્યારે ડેમેજ કંટ્રોલમાં પરોવાઇ ગઇ છે.

અલ્પેશ ઠાકરે ગઇકાલે કહ્યું હતું કે, ઠાકોર સેનાના કાર્યકરો સાથે અન્યાયના મુદ્દે હું ગમે તે કરી શકું છું આ મુદ્દે હું કંઇ કહેવા માગતો નથી પરંતુ શુક્રવાર મારો કરીશ. ભાજપમાં જોડાવવાની અટકળો અને ચર્ચાઓ વચ્ચે ગઇકાલે અલ્પેશ ઠાકરે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવવાની બાબતોમાં કોઇ તથ્ય ન હોવાનું પણ તેમણે ફોડ પાડયો હતો. અલ્પેશ ઠાકુરની નારાજગીને લઇને જયારે રાજયમાં રાજકીય સમીકરણ ઉભા થયા છે ત્યારે કાર્યકારણીની બેઠક પૂર્વે અલ્પેશ ઠાકોરનો આ મુદ્દો કોંગ્રેસના મોવડીઓ માટે ચર્ચાનો વિષય બન્યો છે. કાર્યકારણીની બેઠક પહેલા જ કોંગ્રેસના મોવડીઓ માટે એક તરફ બેઠકની તૈયારીઓ  અને બીજી તરફ પક્ષના અસંતોષોનો મુદ્દો ચિંતાનો વિષય બન્યો છે.

છ દાયકાઓ પછી પ્રથમ વાર ગુજરાતમાં કાર્યકારણી બેઠક મળી રહી છે. છેલ્લા ૪૮ કલાકથી અલ્પેશ ઠાકુર સાથે સાત કોંગ્રેસના ધારાસભ્યો પક્ષમાંથી ખસી જવા અને ભાજપનો ખેંસ ધારણ કરવાની તૈયારીઓમાં બાયડના ધવલસિંહ ઝાલા, બેચરાજીના ભરતજી ઠાકોર, સિઘ્ધપુરના ચંદનજી ઠાકોર, લીંબડીના સોમા ગાંડા, સોમનાથના વિમલ ચુડાસમા, પાટણના કિરીટ પટેલ અને ધોરાજીના લલીત વસોયા ના નામોની ભાજપ પ્રવેશની આંધી વચ્ચે હજુ સુધી આ ધારાસભ્યોએ કોઇ નિવેદન આપ્યું નથી.

પરંતુ ધવલસિંહ ઝાલા એ એક વાત કહી હતી કે, હું અલ્પેશ ઠાકોર સાથે છું. પરંતુ કોઇ હજુ સુધી ભાજપમાં જોડાણની વાત કરી ન હતી. હા હું કોંગ્રેસની સાથે છું ખબર નથી કે આવી વાતો કોણ ઉડાવે છે  ભાજપ સાથે જાડાઇને હું રાજકીય આપઘાત નથી કરવા માંગતો તેમ સોમા ગાંડાએ જણાવ્યું હતું લલીત વસોયા એ કહ્યું હતું કે મહીનાઓ પહેલા ભાજપની નેતાગીરીએ લોકસભાની ટીકીટની ઓફર કરી હતી. કીરીટ પટેલે જણાવ્યું હતું  કે, હું કયારેય ભાજપમાં જોડાવવાનો નથી. લોકો મારા પર વિશ્વાસ મુકે છે તેને હું કેમ તોડી શકું. ધારાસભ્ય ચંદનસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આ ભાજપનું ભામ્રમ પ્રચાર છે. મહેરબાની કરીને માઘ્યમો આવી અફવાઓને સાચી ન માને અમે કયારેય ભાજપની વિચારધારા સાથે જોડાવવાના નથી.

ગુજરાતમાં કોંગ્રેસની કાર્યકારણીની બેઠક પૂર્વે સાત ધારાસભ્યો ખરવાની હવાએ એક તબકકે કોંગ્રેસ નેતાઓને પેટમાં ફાળ પડાવી હતી. પરંતુ ધારાસભ્યોએ પોતે મનથી મકકમ હોવાનો નિર્દેશ આપ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે એક પણ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ જોડાવવાના નથી.

પરંતુ ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાશે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના મંત્રી કુંવરજી બાવળીયાને ભાજપ હાઇકમાન્ડરે દિલ્હી બોલાવી કોળી સમાજ ના સોમા પટેલ અને સોમનાથના વિમલ ચુડાસમાને ભાજપમાં લાવવા દાણો દબાવી જોવાનો કામ સોંપાયું તેવું ચર્ચાઇ રહ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ કોંગ્રેસની આંતરીક બાબત છે પરંતુ કોંગ્રેસમાં ધારાસભ્યો અને કાર્યકરોમાં મોટો અસંતોષ ઉખડી રહ્યો છે. કોંગ્રેસ માટે ૧ર માર્ચે સુધીનો સમયગાળો બધાને સાચવવાનો કપરો કાળ ચાલી રહ્યો છે.

ગુજરાત કોંગ્રેસમાં આંતરીક અસંતોષનો પારો દિન-પ્રતિદિન ઉંચો થઇ રહ્યો છે. જયારે કોગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગઇકાલે લોકસભાની ચૂંટણી માટે ૧પ મુરતિયાઓની  પહેલ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાહુલ, સોનિયાની સાથે ગુજરાતની ચાર બેઠકો માટેના ઉમેાદવારો જાહેર કર્યા છે. આ યાદીમાં સોનિયા ગાંધીને રાયબરેલીમાંથી રાહુલ ગાંધીને અમેઠીમાંથી ટીકીટ આપવામાં આવી છે. જયારે યુ.પી.એ સરકારનાં રાજયમંત્રી રહી ચુકેલા ભરતસિંહ સોલંકીને આણંદની બેઠક પર, રાજયસભાના પૂર્વ સાંસદ રાજુભાઇ પરમારને અમદાવાદ પશ્ર્ચિમની અનામત બેઠક પર ટીકીટ આપવામાં આવી છે.

જયારે, આ ચૂંટણીમાં યુવાનોને વધારે પ્રતિનિધિત્વ આપવા માંગતું હોય તેમ રાજયમાં જાહેર થયેલી ચારમાંથી બે બેઠકો યુવાનોને ફાળવવામાં આવી છે. જેમાં વડોદરામાં પ્રશાંત પટેલને ટીકીટ અપાઇ છે. પ્રશાંત પટેલ યુવા પાટીદાર ચહેરો છે અને છેલ્લા ત્રણ વર્ષની વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યરત છે. જયારે છોટા ઉદેપુર ની એસટી અનામત બેઠક પર કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીતસિંહ રાઠવાને ટીકીટ આપવામાં આવીછે. રણજીતસિંહ વડોદરા જીલ્લા પંચાયત અને જીલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવાઓ આપી ચુકયા છે. જેથી આ ગામી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ યુવા ચહેરાઓને વધારે તક આપશે તેવું મનાય રહ્યું છે.

ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના ક્ન્વીનર અને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને પણ કોંગ્રેસ મહેસાણા કે જામનગર માંથી ટીકીટ ફાળવે તેવી વાતો વહેતી થઇ હતી. આ વાતો વચ્ચે ગઇકાલે રાજકોટ ખાતે પાસની કોર કમીટીની બેઠક યોજાઇ હતી. જેમાં હાર્દિક પટેલને કોંગ્રેસમાં જોડાઇને ચુંટણી લડવાની છુટ આપવામાં આવી હતી. આ અંગે પાસની કોર કમીટીના સભ્ય ગીતા પટેલે જણાવ્યું હતું

કે હાર્દિક ૧રમી માર્ચ ગુજરાતમાં આવનારા રાહુલ ગાંધીના હસ્તે કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાશે. જો કે હાર્દિક પર રાજદ્રોહનો કેસ નોંધાયેલો છે અને હાલમાં તે જામીન પર છે હાર્દિક કોંગ્રેસમાંથી લોકસભાની ચુંટણી લડે અને તે જીતે તો પણ તેના પર આ કેસની તલવાર લટકેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.