Abtak Media Google News

કોરોના સામેના જંગમાં દેશનો સૌથી વધારે ૩૮ ટકાનો રીકવરી રેટ અને પ્રતિ લાખે સૌથી ઓછો ૦.૨ ટકાનો મૃત્યુદર લોકડાઉનમાં છુટછાટનું મુખ્ય કારણ: હવે લોકોની બેદરકારી સ્થિતિને ભયજનક બનાવી શકે છે

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનાં સંક્રમણને ફેલાતુ અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરાયો હતો. આ લોકડાઉનની ધારી અસર થતી હોય તેમ કોરોનાનું સંક્રમણ વિશ્વનાં બીજા દેશોનાં પ્રમાણમાં એકદમ ઓછા પ્રમાણમાં થવા પામ્યું હતું પરંતુ લોકડાઉનનાં કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચવા પામ્યું હતું જેથી તાજેતરમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલા લોકડાઉન-૪માં લોકોને નિશ્ર્ચિત સમય માટે ધંધા-વ્યવસાયની છુટછાટ આપવામાં આવી છે. આ છુટછાટનાં કારણે લોકો મોટી સંખ્યામાં બહાર નીકળી પડયા હતા પરંતુ લોકોના બેબાકળાપણાનાં કારણે દેશમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ફેલાઈ રહ્યું છે. ગઈકાલે દેશમાં એક જ દિવસમાં સૌથી વધારે ૫૨૦૦ નવા કેસો નોંધાયા છે.

પરમદિવસે દેશમાં કોરોનાનાં કેસોની સંખ્યા એક લાખને પાર કર્યા બાદ ગઈકાલે મોટીમાત્રામાં નવા કેસો આવતા તંત્ર રઘવાયું બની જવા પામ્યું હતું. મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે બે હજાર કરતા વધારે ૨,૧૨૭ નવા કેસો નોંધાયા હતા જેમાં મુંબઈ શહેરમાંથી કોરોનાનાં મહતમ નવા કેસો નોંધાયા હતા. તમિલનાડુમાં ગઈકાલે ૬૮૮ નવા કેસો નોંધાયા છે. દુબઈથી તમિલનાડુ આવેલી ફલાઈટમાં આવેલા ૨૩ પ્રવાસીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. ચેન્નઈ શહેર કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું હોય તેમ ૫૫૨ નવા કેસો નોંધાયા હતા. ગુજરાતમાં ૩૯૫ નવા કેસો નોંધાયા હતા. દિલ્હીમાં ૫૦૦ નવા કેસો નોંધાતા રાજયમાં કોરોના દર્દીઓની સંખ્યા ૧૦,૫૫૪એ પહોંચી હતી. રાજસ્થાનમાં ૩૩૮ નવા કેસો નોંધાતા રાજયમાં કુલ કેસોની સંખ્યા ૫૮૪૫એ પહોંચી છે. દેશમાં હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૧,૦૫,૫૨૭એ પહોંચી જવા પામી છે.

દેશભરનાં કુલ દર્દીઓમાંથી ૪૨,૦૭૧ દર્દીઓ સાજા થઈ ગયા હોય ૩૯ ટકાની આસપાસ પહોંચી જવા પામ્યો છે જે વિશ્વભરના કોરોનાગ્રસ્ત દેશોની સરખામણીમાં સૌથી વધારે છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાનાં કારણે ૩૩૦૦ લોકોના મૃત્યુ થયા છે જે દેશમાં દર લાખે કોરોના મૃત્યુનાં કેસોની ટકાવારીમાં માત્ર ૦.૨ ટકા જેટલી છે. જયારે વૈશ્વિક કક્ષાએ આ ટકાવારી દર લાખે ૪.૧ ટકાએ અમેરિકામાં સૌથી વધારે ૨૬.૬ ટકા છે જયારે ચીનમાં દર લાખે કોરોનાનાં કારણે મૃત્યુની ટકાવારી ૦.૩ ટકા હતી. દેશમાં કોરોના દર્દીઓનાં સૌથી સારા રીકવરી રેટ અને સૌથી ઓછા મૃત્યુ દરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લોકડાઉનમાં છુટછાટ આપી છે. સરકારે લોકડાઉનમાંથી છુટછાટ આપી છે. કોરોનાએ નહીં તે ધ્યાનમાં રાખીને લોકો બહાર નીકળવામાં કાળજી નહીં રાખે તો આગામી સમયમાં દેશમાં કોરોનાનાં કહેર મચાવશે તે નિશ્ચિત છે.

ગુજરાતમાં વધુ ૩૯૯ પોઝીટીવ કેસોથી કોરોનાનો આંક ૧૨ હજારને પાર

રાજકોટ જીલ્લાનાં જેતપુર તાલુકામાં ૨૦ વર્ષનાં પરપ્રાંતિય યુવાનનો રીપોર્ટ કરાવતા તેને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાગ્રસ્ત યુવાનની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ન હોવાનું અને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હોવાની શકયતા આરોગ્ય વિભાગે દર્શાવી છે. જયારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી ૮૪ કોરોનાગ્રસ્ત દર્દીઓ અને ૨ લોકોનાં મોત નિપજયા છે.

ઝાલાવાડમાં પણ કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે. સુરેન્દ્રનગર જીલ્લામાં દિન-પ્રતિદિન કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધી રહી છે ત્યારે ગઈકાલે લીધેલા શંકાસ્પદ લોકોના સેમ્પલ મેળવી રીપોર્ટ કરવામાં આવતા સાયલા તાલુકાના સુદામાત્રા અને નાના સુખપર ગામે વધુ ૩ કોરોનાગ્રસ્ત દર્દી નોંધાયા છે. કોરોના કોવિડ-૧૯ વાયરસનાં સંક્રમણનો ફેલાવો યથાવત રહ્યો છે. ગઈકાલે વધુ રાજયમાં ૨૦થી વધુ જીલ્લામાં ૩૯૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ ૨૫ દર્દીઓનાં મોત નિપજયા છે. અત્યાર સુધી રાજયમાં કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૧૨ હજારને પાર પહોંચી છે અને મૃત્યુઆંક ૭૧૯ પર પહોંચ્યો છે. જયારે વધુ ૨૩૯ લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરવાપસી કરી છે. અત્યાર સુધી રાજયમાં ૫૦૪૩ દર્દીઓએ જીંદગી સામેની જંગ જીતી છે.

અમદાવાદમાં પણ કોરોના સંક્રમણનું વાવાઝોડુ યથાવત રહ્યું છે. ગઈકાલે વધુ ૨૬૨ કોરોના સંક્રમણનાં કેસ અને વધુ ૨૧ દર્દીઓના મોત નિપજયા છે. અમદાવાદ જીલ્લામાં કુલ ૮૯૪૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે સુરતમાં ૨૯, વડોદરામાં ૧૮, ગાંધીનગરમાં ૧૦ સહિત ૨૧ જીલ્લાઓમાં કોરોનાનાં ૩૯૫ પોઝીટીવ કેસ નોંધાયા છે. ગઈકાલે કચ્છમાં વધુ સેમ્પલ મેળવી રીપોર્ટ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે કચ્છમાં વધુ એક સાથે ૨૧ કોરોના સંક્રમણના કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. કચ્છમાં એક સાથે ૨૧ પોઝીટીવ કેસ આવતા તમામને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સંપર્કમાં આવેલા લોકોને કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

જામનગર જીલ્લામાં લોકડાઉન-૪નાં પ્રથમ દિવસે જ એક સાથે ૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. વામ્બે આવાસ યોજનામાં રહેતા ૩ વર્ષના બાળકના માતા-પિતા, ભાઈ-બહેન મુંબઈથી આવેલા બે પુરુષ, અમદાવાદથી આવેલા ૧૦ વર્ષનો બાળક પણ કોરોનાની ઝપટે આવી ગયો હતો. અગાઉ પોઝીટીવ આવેલા બાળકનાં માતા-પિતા અને ભાઈનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યા હતા. જુનાગઢમાં પણ કોરોના વાયરસનો ચેપ વધી રહ્યો છે. ગઈકાલે માંગરોળમાં મુંબઈથી આવેલા મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જુનાગઢ જીલ્લામાં અત્યાર સુધી કુલ ૧૨ કોરોના સંક્રમણનાં કેસ નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.