Abtak Media Google News

નાકરાવાડી સાઇટ ખાતે નિર્માણાધીન વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું 55 ટકા સિવિલ વર્ક પૂર્ણ: સમય મર્યાદામાં પ્રોજેક્ટનું કામ પુરૂં કરવા પદાધિકારીઓની એજન્સીને તાકીદ

રાજકોટમાંથી નીકળતાં પ્રતિદીન 100 ઘન કચરાનો નિકાલ કરવા અને તેમાંથી વિજળી ઉત્પન્ન કરવા માટે કોર્પોરેશન દ્વારા પીપીપીના ધોરણે નાકરાવાડી સાઇટ ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે પ્રોજેક્ટ પૂર્ણ થતાંની સાથે જ કોર્પોરેશનને મોટો આર્થિક ફાયદો થશે. કચરાનો નિકાલ યોગ્ય રીતે થશે. સાથોસાથ વિજળી ઉત્પન્ન થવાના કારણે નાણાંકીય પણ આવક થશે.

ગુજરાત સરકારની “વેસ્ટ ટુ એનર્જી” પોલોસી 2016 અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાકરાવાડી ખાતે પી.પી.પી.ના ધોરણે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની કામગીરી ચાલી રહેલ છે. આ પ્રોજેકટની આજે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર તથા ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડે.કમિશનર એ.આર.સિંહ, નાયબ પર્યાવરણ અધિકારી વી.એમ.જીંજાળા, એજન્સી એબેલોન ક્લીન એનર્જી પ્રા.લિ.ના પ્રેસિડન્ટ અને ડાયરેક્ટર પંકજ પટેલે મુલાકાત લીધી હતી.

ઘન કચરાના નિકાલ કરવા આયોજનના ભાગરૂપે વેસ્ટ ટુ એનર્જી પ્લાન પી.પી.પી.ના ધોરણે અમદાવાદની એબેલોન ક્લીન એનર્જી પ્રા.લિ.ને કામગીરી આપવામાં આવેલ છે. આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ રૂ.251 કરોડ જેટલો થનાર છે.

આ વેસ્ટ ટુ એર્ન્જી પ્લાન્ટમાં 1000 ટન પ્રતિ દિવસ કચરો નિકાલ કરશે. ક્ષેત્રફળ: અંદાજે 25 એકર ફાળવેલ છે જેમાંથી 15 એકરમાં પ્લાન્ટ નિર્માણ કાર્ય ચાલુ છે. એનર્જી પ્રોડક્શન કેપેસીટી: 14.9 મેગા વોટ પર અવર છે. હાલ અંદાજીત 55% થી વધુ સિવીલ કામ થઈ ગયું છે. પ્રોજેક્ટ પૂર્ણ થતા શહેરમાંથી ઉત્પન્ન થતા ઘન કચરાના નિકાલની વ્યવસ્થા સુદ્રઢ થશે. ઘન કચરાના નિકાલથી વિજ શક્તિનું ઉત્પાદન થશે. જુના ડમ્પ થયેલા ઘન કચરાનો નિકાલ પણ કરવામાં આવશે.

આ પ્લાન્ટમાં ખુલ્લી જગ્યામાં 14,000 થી વધુ વૃક્ષો વાવામમાં આવનાર છે. જે પૈકી હાલમાં, 12,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. આ ઉપરાંત 6700 ચો.મી. એરીયા રમત ગમત માટે રાખવામાં આવી છે. જેમાં ફૂટબોલ, વોલીબોલ, ખો-ખો, ક્રિકેટ વગેરે રમતો રમી શકાય તેવું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આ પ્લાન્ટની મુલાકાતે આવનારા લોકો માટે 700 સ્ક્વેર મીટરમાં કાફે પોઈન્ટ કરવામાં આવનાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અધ્યતન બની રહેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની જાણકારી, પર્યાવરણ અને સ્વચ્છતાની જાગૃતિ માટે માહિતી અને મુલાકાત માટે આયોજન કરાશે.

આ પ્લાન્ટ ઈન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા આઈ.જી.બી.સી. પ્લેનીનમ કેડરનું રેટિંગથી પ્રમાણિત કરવામાં આવેલ છે.

પ્લાન્ટ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે પદાધિકારીઓએ એજન્સીને સુચના આપેલ તેમજ પ્લાન્ટની એજન્સીના હોદેદારો પાસેથી જરૂરી માહિતીની ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.