Abtak Media Google News

રાજ્ય એસટી નિગમે છેલ્લા એક વર્ષમાં ભંગારમાંથી 18 કરોડથી વધુની આવક રળી: આગામી ત્રણ મહિનામાં તહેવાર નિમિતે પણ એસટી નિગમને વધારાની આવક થાય તેવી પુરી સંભાવના

રાજકોટ એસ.ટી.ડિવીઝને છેલ્લા ચાલુ વર્ષ દરમિયાન કરેલા સફાઈ અભિયાનથી એસ.ટી. નિગમને અધધ 16 લાખની વધારાની આવક થઈ છે. એસ.ટી.ના બિનજરી ભંગારનું વેચાણ કરીને એસ.ટી.નિગમનું ભંડોળ છલકાયું છે તેમ વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. બીજીબાજુ રાજ્ય એસટી નિગમની વાત કરવામાં આવે તો, એસટી વિભાગની જે બસ જૂની થાય તેના ભંગારને વેચવામાં આવે છે અને તેને વેચીને પણ નિગમ કરોડોની આવક ઉભી કરી રહ્યું છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો એસટી નિગમને માત્ર ભંગારમાંથી 18 કરોડ 30 લાખ 26 હજાર 508 રૂપિયાની આવક થઇ છે. તેના માટે ઓનલાઇન ઓક્શન કરવામાં આવે છે જેથી નિગમને નુકસાન  ન થાય અને સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે.

રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ વધુમાં જણાવ્યુ હતું કે, એસટી નિગમ જીએસઆરટીસી વર્ષ વર્ષે નવી નવી બસો ઉમેરાતી જાય છે. એક ચાલુ બસને નિગમ 8 લાખ કિલોમીટર સુધી ચલાવે છે, ત્યારબાદ બસ તેના પાર્ટ્સ અલગ કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે બોડી, પતરું ગિયર બોક્ષને અલગ કરી વેચાણ કરવામાં આવે છે. 8 લાખ કિલોમીટર બસ ચાલ્યા બાદ આ તમામ ભંગાર વેચવામાં આવે છે જયારે એંજિનને નવું  બનાવી તેના આયુષ્ય મુજબ ચલાવવામાં આવે છે અને બાદમાં તેને પણ ભંગારમાં વેચવામાં આવે છે.

આમ એસટી નિગમને ભંગારમાંથી પણ આવક ઉભી થઇ રહી છે. આગામી સમયમાં વધારે આવક ઉભી થશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

આ ભંગારની જે આવક ઉભી થાય છે તેમાંથી નવી બસ બનાવવામાં નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે અને સાથે જ કર્મચારીઓના વેલ્ફેરમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

દિવાળી સુધી રાજકોટ એસટી ડિવિઝન 50થી વધુ બસો દોડાવશે

હાલ તહેવારની સીઝન ચાલુ થઇ છે ત્યારે મુસાફરો અનેક વિધ જગ્યાએ જતા હોય છે. જેને ધ્યાને લઈને રાજકોટ એસટી ડિવિઝન આજથી દિવાળી પર્વ સુધી 50થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે. શ્રાવણ માસ નિમિતે તેમજ જન્માષ્ટમીને ધ્યાન રાખી રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા સહિતના રૂટો પર વધુ બસો મુકાશે. આતસિવાય નવરાત્રી દરમિયાન કચ્છ માતાના મઢ તેમજ અંબાજી સહિતની રૂટો પર વધુ બસો ચલાવાશે. આગામી ત્રણ માસ તહેવાર નિમિતે એસટી બસ લગભગ 50થી વધુ બસો દોડાવશે અને જેનાથી એસટીને વધારાની આવક ઉપજશે તેમ વિભાગીય નિયામક કલોતરાએ જણાવ્યુ હતું.

ધોળા દિવસે બસપોર્ટમાં લાઈટો ચાલુ!!!

રાજકોટને બસપોર્ટની ભેટ મળી છે. રાજકોટ એસટી સ્ટેન્ડ એરપોર્ટ જેવી સુવિધાથી છેલ્લા 1 વર્ષથી વધુના સમયથી ધમધમી રહ્યું છે. ત્યારે હાલ બસપોર્ટમાં સિવિધાનો દૂર ઉપયોગ થતો હોય તેમ બસપોર્ટની બહારની લાઈટો ધોળા દિવસે પણ ચાલુ જોવા મળી છે. એકબાજુ સુવિધાભર એસટી અને સાથે મુસાફરોના ઘસારાને લઈને આવક પણ વધી રહી છે ત્યારે હવે એસટીમાં આખો દિવસ લાઈટો ચાલુ રહેતા એસટી નિગમ સામે પણ સવાલ ઊભા થઇ રહ્યા છે.

રાજકોટ એસટી ડિવિઝનમાં હાલ 132 ડ્રાઇવર અને 163 કંડક્ટરની ઘટ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર અને પરિવહન વિભાગ દ્વારા રાજ્યભરમાં ડ્રાઇવર-ક્ધડકટર સહીત 7 હજારથી વધુ કર્મીઓની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે રાજકોટ એસટી ડિવિઝનની વાત કરવામાં આવે તો, હાલમાં કુલ 132 ડ્રાઇવર અને 163 કંડક્ટરની ઘટ છે તો ટૂંક જ સમયમાં આ ઘટ પુરી થાય તે નિશ્ચિત છે અને તેનાથી મુસાફરોને પણ ફાયદો થશે અને રાજકોટ ડિવિઝનને નવી બસો પણ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.