રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે…

શિક્ષણનાં કોઇપણ એકમને સરળતાથી શીખવા માટે આ જરૂરી છે. રમકડા જાતે નિર્માણ કરવાથી બાળકો ચિરંજીવી શિક્ષણ મેળવે છે: આ પઘ્ધતિથી મેળવેલ શિક્ષણ છાત્રને ઝડપથી યાદ રહી જાય છે

રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે… પંક્તિમાં ભગવાન શ્રીરામ અને માનવ શકલ, સૃષ્ટિ અને કુદરતની લીલાનું આલેખન કર્યું છે. રાખના રમકડાની ઉપમા માનવીની આપવામાં આવી છે. માનવનું જીવન અને તેનો અવતાર સવિશેષ ગણાય છે પરંતુ કાળા માથાના માનવીની વિસાત કુદરત પાસે કંઈ નથી. રાખનું રમકડુ એટલે જીવ છે ત્યાં સુધી સંઘળુ અને જે રીતે દેહમાંથી આત્મા નિકળી જાય એટલે માનવ દેહ એક રાખના રમકડાથી વિશેષ કંઈ નથી. સાંસ હૈ તો આસ હૈ…, જીવ છે ત્યાં સુધી જીવન છે… માટીના પુતળા એવા કાળા માથાના માનવીની વિસાત રાખના રમકડાથી કંઈ વધુ નથી પરંતુ આ રમકડાને રમવાની શક્તિ જે રામ આપે છે તેનાથી જ રાખના આ રમકડા દરેક યુગમાં બળવાન અને ભગવાનના અવતાર સુધીની મજલ કાપી શકે છે. એટલે જ કવીએ કહ્યું કે, રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે…

બાલ મંદિરથી શરૂ થતી બાળકની શિક્ષણ યાત્રા પહેલા પણ ઘરનાં પર્યાવરણમાં રંગ-બેરંગી રમકડા સાથે તેમનો નાતો જોડાયેલો હોય છે. અલગ અલગ રંગો, આકારો, કદ સાથે નાનુ મોટું જેવી ઘણી સંકલ્પના તે ઘેરથી શિખીને શાળાએ મંગળ પ્રવેશ કરે છે. બાળકો આસપાસના વાતાવરણમાંથી, વિવિધ વસ્તુઓ જોઇને અનુભવ કરીને શિખતો જ હોય છે. ગોળ રોટલી કે મમ્ીની ગોળ બંગડી તેનું જીવંત ઉદાહરણ છે. પવર્તમાન યુગમાં તો અમેઝિંગા શૈક્ષણિક રમકડા ઉપલબ્ધ છે ત્યારે તમે પોતે પણ નજીવા ખર્ચે એકમ વાઇઝ પાઠયક્રમના રમકડાં બનાવી શકો છો. જ્ઞાન સાથે ગમ્મત પ્રવૃતિ બાળકને બહુ જ ગમે છે.

બાળકો માટે એનોટોમી શૈક્ષણિક રમકડા તેમનાં શરીરનાં અંગો નામ, સ્થાન, કદ અને આકાર શિખવામાં મદદ કરે છે. આ રમકડાંની મદદથી જ તે સફળતાપૂર્વક શીખે છે અને સમજે પણ છે. એમાંય જો શિક્ષણ બાળકને જાતે રમકડા નિર્માણ કરવાનું કહે તો બાળક જાતે ચિરંજીવી શિક્ષણ મેળવે છે. આ એક જ પઘ્ધતિથી મેળવેલ જ્ઞાન બાળકને યાદ રાખવાનું સરળ કરે છે. બાળકને બાકસના ખોખાની સળિયોની મદદથી ગાણિતક ગણતરીમાં સરવાળો કે બાદ બાકી ઝડપથી શિખવી શકો છો. મુર્ત કે અમૂર્ત વસ્તુના માઘ્યમથી શિક્ષણના દરેક એકમ સળરતાથી શિખવી શકાય છે. શૈક્ષણિક રમકડા સાથેની શિખવાની પ્રક્રિયા અસરકારક સાથે આનંદમયી બને છે. બાળકોને શિખવામાં રસ પડે છે, પ્રવૃતિ કરવી ગમે છે જેની તેના રસ, રૂચિ, વલણો,  બરોબર જળવાય છે.

નાનું બાળક દર સેક્ધડે નવું અને રસપ્રદ કંઇક શીખે છે. શૈક્ષણિક રમકડાં તેના મગજને વિકસાવવા સાથે ઇન્દ્રિયોનો વિકાસ પણ કરે છે. હાથની આંગણીઓની મદદથી થતી વિવિધ ક્રિયાઓ, પકડ કે વણાંક બાબતે તે જાગૃત થાય અને એકાગ્રતા સાથે શૈક્ષણિક પ્રવૃતિમાં સહઅભ્યાસિક પ્રવૃતિમાં જોડાય છે. બાળકના અભ્યાસ ક્રમના તમામ વિષયોમાં તમો આ શૈક્ષણિક રમકડાનો ઉપયોગ કરી શકો છો. બાળકની મેમરી તાર્કિક અને રચનાત્મક વિચારસરણીમાં સુધારો કરે છે. સમજમાં સરળ પ્રત્યાયન કૌશલ્યો ખીલવી શકો છો. નવી શિક્ષણ  નિતિ-2020માં પ્રારંભિક બાળ શિક્ષણના પાંચ વર્ષમાં માતૃભાષા સાથે તેમની વિવિધ કૌશલ્ય ખિલવણી ઉપર ભાર મુકાયો છે.

બાળકની સંર્વાગી વિકાસની પ્રક્રિયામાં દ્રશ્ય શ્રાવ્ય સાધનો સાથે શૈક્ષણિક રમકડાનું વિશેષ મહત્વ છે. આને કારણે બાળક ઝડપથી શીખે છે તે ઉપરાંત લાકડાના કટીંગ સાથેના નાના ભાગને ચોકકસ જગ્યામાં ફિટ કરીને સંપૂર્ણ રાજય બનાવવાનું કહો તો તે ખુબ જ રસથી કરશે. આ પ્રવૃતિ કરતી વખતે તેમનામાં એકાગ્રતા સાથે કદ, આકાર સાથે સંકલ્પના પણ સિઘ્ધ થશે અને ઉપર લખેલ નામ પણ વાંચવા કે બોલવા પ્રેરાય છે. આ પ્રક્રિયામાં બાળકનું મગજ હ્રદય હાથ અને આંગણીઓ અને આંખનો ઉપયોગ થાય છે. તેથી ફકત આટલી પ્રક્રિયાથી તે ચિરંજીવી શિક્ષણ મેળવે છે. આવી જ રીતે દરેક પાઠયક્રમની વિવિધ પ્રવૃતિ પ્રોજેકટનું ટાઇમ ટેબલ બનાવો તો બાળક કયારેય નબળું ના રહે.

ધોરણ 1 થી 8 માં ભણતા છાત્રો માટે તમામ વિષયોના એકમો શિખવવા માટે શૈક્ષણિક રમકડામાં મણકા ઘોડી, ફલેશ કાર્ડ, મૂર્ત, અમૂર્ત વસ્તુઓ ચાર્ટ, નકશા, વિજ્ઞાનનાં પ્રયોગના સાધનો વિજ્ઞાન મેળા માટે બનાવેલ વિવિધ પ્રોજેકટ સાથે સાવ નજીવા દરે બનાવેલ રમકડા ઘણાં જ ઉપયોગી બને છે. સમય પત્રક શિખવવા પુંઠામાંથી બનાવેલ ઘડિયાળ તેને સમય જોતા શિખવી શકે છે. ગુજરાતી, ગણિત, પર્યાવરણ, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સામજીક વિજ્ઞાન જેવા તમામ વિષયોમાં આ શૈક્ષણિક રમકડાના ઉપયોગ માત્રથી બાળક વધુ ઝડપે રસ ભેર શીખે છે.

શિક્ષણમાં વાંચન, ગણના અને લેખન આ ત્રણ પાસા પાયાનું શિક્ષણ છે. ધો. 1 ના અંતે  કે ધો. ર માં આ ત્રણેય વસ્તુમાં નિપુણ થવું જરુરી છે. બાળક માટે ટીચર માટે આ અધરી પ્રક્રિયા છે પણ જો શૈક્ષણિક રમકડાનો ફલેશ કાર્ડ કે મણકા ઘોડીના ઉપયોગથી સાવ સરળતાથી બાળકને ત્રણેયનું જ્ઞાન આપી શકો. કકાના બધા ફલેશ કાર્ડ નીચે ગોઠવી દઇને બાળકને વારાફરતી એક એક અક્ષર બોલીને લાવવાનું કહેતા તે લાવે છે જેમાં તેની એકાગ્રતા સાથે સમજીને સાંભળવું અને આંખોથી જોઇને તે જ અક્ષર ઉપાડવા જેવી તમામ વસ્તુઓ શીખી છે. આવું જ ગણિત અને વાંચનમાં કરી શકો છો. એક બાળકને (મ) બીજાને (ગ) અને ત્રીજાને (ર) ના ફલેટ કાર્ડ પહેરાવીને ઉભા રાખોને બાળકને બોલાવો તો બધા બાળકો મગર શબ્દ બોલે છે જેથી સમુહમાં બધા બાળકોને આ શૈક્ષણિક  પ્રવૃતિમાં જોડીને વાંચન ગણન અને લેખન મજબુર કરી શકો છો.

ફૂલોના ચાર્ટ, પ્રાણીઓનો ચાર્ટ, વાહન વ્યવહાર વિવિધ વ્યવસાયો, જીવજંતુઓ, દેશ નેતાઓ, તહેવારો, ઇલેકટ્રોનિક સાધનો સંગીતના સાધનો રમત ગમતના સાધનો જેવા વિવિધ ચાર્ટના માઘ્યમથી કે તેના મોડેલ દ્વારા તમો પર્યાવરણ સાથે જનરલ નોલેજનું જ્ઞાન ગમ્મત સાથે બાળકને આપી શકો છો. વિવિધ કલરોની સમજ વખતે તેમને પહેરેલ કપડાનો કલર પણ જોડી શકો છો. આંગણાના પશુ-પંખી સાથે જંગલનાં પશુ-પંખી સાથે પાણીમાં રહેનારા પ્રાણી સાથે વિવિધ જંતુઓનું જ્ઞાન તમે ફકત ચાર્ટ દ્વારા વ્યકિતગત દેખાડીને કે સમુહમાં બતાવીને સમજાવી શકો છો. આવી જ રીતે વાહનો-વ્યવહારો, દેશ નેતા તહેવારો અને સંગીતના વિવિધ સાજ વિશે પણ સરળતાથી શીખવી શકો છો.

શાળાનું બિલ્ડીંગ અને વર્ગખંડ પણ એકલનીંગ સિસ્ટમનો ભાગ છે. બારીના ખોલ બંધથી બનતા વિવિધ ખુણાઓનું જ્ઞાન બાળકને આપી શકો તો વર્ગખંડની બારીમાંથી દેખાતી તમામ વસ્તુઓની યાદી બનાવીને પૃથ્થકરણ ની પ્રવૃત્તિ પણ કરાવી શકો છો. અત્યારનું બાળક વિશિષ્ટ જ્ઞાન લઇને શાળાએ આવે છે ત્યારે શિક્ષણને દરરોજ નવું નવું આપવા માટે આ શૈક્ષણિક રમકડા ખુબ જ ઉપયોગી થઇ પડશે, મોટા ધોરણોમાં ભારેખમ વિષયોને આ શૈક્ષણિક રમકડા હળવા કરી દે છે સાથે સમજવામાં સરળ બનાવે છે. બાળ મનોવિજ્ઞાન પણ બાળકને ચિત્ર, વાર્તા, સંગીત અને રમકગમત સાથે રમકડાની અગત્યતાની વાત કરે છે. બાળક પ્રવૃતિ દ્વારા સૌથી વધુ શિખી શકે છે. તેથી શાળા સંકુલોએ શિક્ષકોએ આ બાબતે પુરતી તકેદારી સાથે દરેક એકમમાં તેને અનુરુપ શૈક્ષણિક રમકડાંનો ઉપયોગ થાય તે જોવું જરૂરી છે.