Abtak Media Google News

ઈ-પાસ, ૭ વાગ્યે બંધ સહિતના પ્રશ્નોને ધ્યાનમાં લઈ નિર્ણય લેવાયો

દીવ જિલ્લામાં લોક ડાઉન  માં આપવામાં આવી રહેલ રાહતો અંતર્ગત હોટલ લોજ અને અન્ય રેસ્ટોરન્ટને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે છે.આ તમામ સેવાઓ શરૂ થાય ત્યાં પણ કોવિડ રોગચાળા અન્વયે અટકાવવા માટે ના તમામ દિશાનિર્દેશોનું પાલન થાય તે માટે દીવ કલેક્ટર સલોની રાય ના માર્ગદર્શન હેઠળ હોટલ સંચાલકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગ દીવ દ્વારા હોટેલ કોહિનુર  ખાતે આયોજિત આ તાલીમ દરમિયાન ફૂડ સેફટી ઓફિસર રોહિત સોલંકી અને પર્યટક વિભાગના ૧ અધિકારી હિતેન બામણીયા દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ ઇન્ફેકશન કંટ્રોલ ના નીતિનિયમો થી સૌને વાકેફ કરવામાં આવ્યા.તમામ સ્ટાફ અને હોટેલ ગેસ્ટને માસ્ક સેનીટાઇઝર હેન્ડ ગ્લોવ્ઝ ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ અન્ય ડીસ ઇન્ફેકશનનો વ્યવસ્થિત ઉપયોગ થાય તેની સમજ આપવામાં આવી આ ઉપરાંત દરેક વ્યક્તિનો થર્મલ સ્ક્રીનીંગ થાય અને સામાજિક અંતર જળવાઈ રહે તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી સમગ્ર આયોજન દીવ હોટલ એસોસિએશનના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતું.

દીવ પ્રશાસન દ્વારા હોટલો ખોલવાની પરવાનગી ૮ જૂન થી મળી ગયેલ છે પરંતુ  આ બાબતે વાત કરતા દીવ હોટલ એસોસિયેશનના પ્રમુખ યતીનભાઇ ફુગરો એ જણાવ્યું હતુ કે દીવ નો મુખ્ય વ્યવસાય પર્યટક ઉપર આધારિત છે. હાલની પરિસ્થિતિમાં દીવમાં પ્રવેશ માટે ઇ પાસ વગર પરવાનગી મળતી નથી ઉપરાંત બીચ  પર ફરવાની મનાઈ હોય અને રાત્રીના સાત પછી કર્ફ્યુ હોય જેથી પર્યટક અને ગામના લોકો પણ  હોટેલ મા આવશે નહિ. બીચ પર જવાની મનાઈ હોય ટૂરિસ્ટ દીવ આવી અને ફરવાની મજા માણી શકે નહીં,  ઉપરાંત હોટેલમાં કામ કરતા લેબરો અન્ય રાજ્યના હોવાથી તે પોતાના ઘરે જતા રહ્યા છે. આવા અનેક કારણોસર દીવ હોટલ એસોસિયેશન  ને ૩૦ જૂન સુધી હોટેલો બંધ જ રહેશે તેવો નિર્ણય કરેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.