Abtak Media Google News

ભૂકંપ અને વરસાદને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કલેકટર રેમ્યા મોહનની કવાયત 

લગત વિભાગો પોતાના હસ્તકના બાંધકામોની ચકાસણી કરીને બે દિવસમાં કલેકટરને રિપોર્ટ આપશે

ભૂકંપ અને વરસાદના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાઈ તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહને કવાયત હાથ ધરી છે. આ માટે જિલ્લા કલેકટર દ્વારા તમામ વિભાગોને પોતાના હસ્તકના બાંધકામોની ચકાસણી કરવાના આદેશ કરવામાં આવ્યા છે. અને તેનો રિપોર્ટ બે દિવસમાં આપવાનું જણાવાયુ છે. કલેકટરના આ આદેશને પગલે તમામ વિભાગો દોડતા થયા હોવાનું જાણવા મળ્યું છે.

ગઈકાલે રવિવારના રોજ રાજકોટ જિલ્લા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ધરતીકંપના કારણે લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું. અનેક મકાનોમાં તીરાડો સહિતનું નુકસાન પણ થયું હતું. આ ભૂકંપ બાદ મુખ્યમંત્રીએ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનનો ટેલિફોનીક સંપર્ક સાધીને રાજકોટ જિલ્લાની પરિસ્થિતિની સમીક્ષા પણ કરી હતી. બીજી તરફ તાજેતરમાં આજી ડેમ પાસે આવેલા બ્રિજની દીવાલ પડતા બે લોકોના મોત નિપજ્યા હોવાની દુર્ઘટના પણ ઘટી હતી.

હવે વરસાદ અને ભૂકંપના કારણે વધુ કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહને સતર્કતા દાખવી છે. આ માટે તેઓએ પંચાયત, આર એન્ડ બી, ઇરીગેશન, સ્ટેટ, એનએચએઆઈ સહિતના વિભાગોને પોત- પોતાના હસ્તકના પુલ, ડેમ, ઇમારતો સહિતના બાંધકામો બે દિવસની અંદર તપાસવાનો આદેશ કર્યો છે. આ વિભાગો દ્વારા બે દિવસ સુધી તપાસ ચલાવીને બાદમાં કલેકટરને રિપોર્ટ આપવાનો રહેશે. આમ વિવિધ વિભાગો સતત બે દિવસ ફિલ્ડમાં રહીને પોતાના હસ્તકના બાંધકામોને તપાસીને તેની હાલની સ્થિત અંગેનો રિપોર્ટ કલેકટર સમક્ષ રજુ કરશે. બાદમાં કલેકટરના આદેશ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરશે.

ઉલ્લેખનીય છે કે હવે ભૂકંપ અને ભારે વરસાદ જેવી કોઈ કુદરતી આફત આવે તો તે સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેકટર રેમ્યા મોહન દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આ માટે લગત વિભાગોને જરૂરી આદેશો આપવામાં આવ્યા છે. જેથી આ વિભાગો હાલ દોડતા થયા છે અને વિવિધ બાંધકારોની સ્થળ તપાસ ચાલુ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.