Abtak Media Google News

સુખસાગર સોસાયટીના યુવક પર છરીથી હુમલો કરી રોકડ અને રિક્ષા મળી બન્ને લુખ્ખાઓએ રૂ.2.60 લાખની લુંટ કરી

સામાકાંઠા વિસ્તારમાં દિવાળીની રાતે ત્રણ શખ્સોએ દારૂના નશામાં હત્યાની કોશિષ અને લુંટ ચલાવ્યાની તપાસ પુરી થાય તે પૂર્વે લુખ્ખાઓએ બધડાટી બોલાવી

સામાકાંઠા વિસ્તારમાં દિવાળીની રાત્રે દારૂના નશામાં ત્રણ શખ્સોએ પોલીસના ડર વિના બે સ્થળે હત્યાની કોશિષ અને એક સ્થળે ફટાકડાની લુંટ ચલાવી આતંક મચાવ્યાની પોલીસ દ્વારા તપાસ ચાલ રહી છે. ત્યાં વધુ બે લુખ્ખાઓએ ભગવતીપરામાં બે સ્થળે લુંટ ચલાવ્યાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી  મચી ગઇ છે. ભગવતીપરાના બન્ને શખ્સોએ સુખસાગર હોલ પાસે યુવાન પર છરી વડે હુમલો કરી રોકડ અને સીએનજી રિક્ષાની લુંટ ચલાવ્યા બાદ જય પ્રકાશનગરમાં પાડોશી પરિવારને છરી બતાવી રૂ. 7,500 ની લુંટ ચલાવ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાતા લુખ્ખાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવવા માગ ઉઠી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં આવેલા જય પ્રકાશનગરમાં હુસેની ચોક પાસે રહેતા સલીમ ઉર્ફે સલુબાપુ હનીફ ફકીર અને સાવન મીઠા પરમાર નામના શખ્સોએ સુખસાગર સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઇ ગોવિંદભાઇ વાળોદરા નામના યુવક પર છરીથી હુમલો કરી રૂ. 10 હજાર રોકડા અને રૂ. 2.50 લાખની કિંમતની સીએનજી રિક્ષાની લુંટ ચલાવ્યાની અને જય પ્રકાશનગરમાં રહેતા મુનિરભાઇ બસીરભાઇ કાજી નામના પ્રૌઢને છરી બતાવી રૂ. 7,500 ની લુંટ ચલાવ્યાની બી ડીવીઝન પોલીસમાં ફીરયાદ નોંધાઇ છે.

મહેન્દ્રભાઇ વાળોદરા પોતાના ભાઇ જગદીશ વાળોદરની જીજે 03 બીએકસ 950 નંબરની રીક્ષા લઇ સુખસાગર સોસાયટી શેરી નંબર પ ના ખુણે ઉભો હતો ત્યારે સલીમ ઉર્ફે સલુબાપુ અને સાવન પરમાર ત્યાં આવી રિક્ષામાં બેસી પોતાને સુખસાગર હોલ પાછળ મુકી જવાનું કહેતા બન્ને શખ્સોને મુકવા ગયો ત્યારે છરીથ હુમલો કરી ખિસ્સામાંથી રૂ. 10 હજાર રોકડા અને રૂ. 2.50 લાખની કિંમતની રિક્ષાની લુંટ ચલાવી ભાગી ગયાનું ફરીયાદમાં જણાવ્યું છે. ઘવાયેલા મહેન્દ્રભાઇ વાળોદરાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેને નવો મોબાઇલ લેવાનો હોવાથી રૂ. 10 હજાર સાથે લઇને નીકળ્યો હોવાનું તેને ફરીયાદમાં જણાવ્યું છે.સલીમ ઉર્ફે સલુબાપુ અને સાવન પરમાર ગઇકાલે બપોરે અઢી વાગે પાડોશમાં રહેતા મુનિરભાઇ કાઝીને ત્યાં છરી સાથે આવીને પોતાના ઘરે ગેસ સિલિન્ડર ખાલી થયું છે. ગેસનો બાટલો લેવા માટે એક હજારની માંગણી કરી થોડીવારમાં પરત આવશે તૈયારે પૈસા તૈયાર નહી રાખે તો જરાયે મજા નહી આવે તેવી મુનિરભાઇ કાઝીના પત્ની શબાનાબેનને ધમકી દઇ બન્ને શખ્સો ભાગી ગયા હતા.

સરકારી હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઝથી પટ્ટાવાળાની નોકરી કરતા મુનિરભાઇ કાઝી બપોરે પોતાના ઘરે આવ્યા ત્યારે તેમની પત્ની શબાનાબેને પાડોશી સલીમ ઉર્ફે સલુબાપુ અને સાવન પરમારે ગેસના બાટલા માટે એક હજારની માગણી કરી ધમકી દીધાની વાત કરી તે દરમિયાન બન્ને શખ્સો ફરી છરી સાથે આવી પૈસાની માંગણી કરી હતી.સલીમ ઉર્ફે સલુબાપુએ છરી બતાવી પૈસા નહી આપે તો તારી નાની દિકરી તમન્નાને ઉપાડી જશે અને તેની સાથે લગ્ન કરી લેશે તેવી ધમકી દઇ ઢીકાપાટુ મારી મુનીરભાઇ કાઝી પાસે બાઇકનો હપ્તો લેવા રાખેલા રૂ. 7,500 ની લુંટ ચલાવ્યાનું ફરીયાદમાં જણાવ્યું છે. બી ડીવીઝન પી.આઇ. આર.જી. બારોટ અને પી.એસ.આઇ. કે.ડી. મારૂએ બન્ને શખ્સો સામે લુંટનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

દિવાળીની રાત્રે કરણ મેર, અર્જુન મેર અને દેવશી ઉર્ફે દેવાએ બે સ્થળે ખુની હુમલા અને લુંટ ચલાવ્યા બાદ સલીમ અને સાવને બે સ્થળે લુંટ ચલાવતા સામાકાંઠા વિસ્તારમાં લુખ્ખાઓના આતંકથી ફફડાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.