Abtak Media Google News

ઉત્તમમાંથી સર્વોત્તમ નક્કી કરવા આજે જજની પણ થશે કસોટી: વિજેતાઓ પર લાખેણા ઇનામોનો વરસાદ

સાંજે 6 થી 8 દરમિયાન રમાશે મેગા ફાઇનલ ત્યારબાદ રાસોત્સવની મોજ

નવ-નવ રાત સુધી ર્માં જગદંબાની ભક્તિભાવ સાથે આરાધના કર્યા બાદ આજે અસત્ય પર સત્યના વિજય સમા પર્વ વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના નંબર-1 અર્વાચિન રાસોત્સવ “અબતક-સુરભી” આજે મેગા ફાઇનલનો જંગ જામશે. રાસોત્સવના સરતાજ બનવા આજે ખેલૈયાઓ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશે. સાંજે 6થી રાત્રિના 8 વાગ્યા સુધી નોરતાના નવ દિવસ દરમિયાન પ્રિન્સ-પ્રિન્સેસ બનેલા ખેલૈયાઓ વચ્ચે આજે ઉત્તમમાંથી સર્વોત્તમ બનવા માટેની જંગ જામશે ત્યારબાદ રાસોત્સવની મોજ ધુમ મચાવશે.

“અબતક-સુરભી” રાસોત્સવના આંગણે નવ-નવ દિવસ સુધી હજારો ખેલૈયાઓએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. હોંશભેર રાસ-ગરબા રમતા હજારો રાસવીરોમાંથી પ્રતિદિન પ્રિન્સ-પ્રિન્સેસની પસંદગી કરવામાં આવતી હતી. શ્રેષ્ઠ રાસવીરોમાંથી સર્વશ્રેષ્ઠની પસંદગી કરવા માટે આજે મેગા ફાઇનલ રમાશે. જેમાં ખેલૈયાઓની કસોટી તો થશે જ પરંતુ જજીસની સૌથી મોટી પરીક્ષા થશે. કારણ કે કોના શીરે કિંગ અને ક્વિનનો તાજ મૂકવો તે સૌથી મોટી મુંઝવણ બની રહેશે. નોરતાના નવ દિવસ દરમિયાન જજીસે આકરી મહેનત કરી હતી. મેદાનના એક-એક ખૂણે રમતા ખેલૈયાઓના કૌવતને નિહાળી તેની પસંદગી પ્રિન્સ કે પ્રિન્સેસ તરીકે કરવામાં આવતી હતી.

આજે દશેરાના દિવસે મેગા ફાઇનલ રમાશે. જે નવ-નવ દિવસ સુધી વિજેતા બનેલા રાસવીરો માટે કોઇ જંગથી જરા અમથુ પણ કમ નહી રહે. “રાસોત્સવ” સરતાજ બનવા તમામ ખેલૈયાઓ એડીચોંટીનું જોર લગાવશે. વિજેતા બનનારા ખેલૈયાઓ લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે.

માત્ર રાજકોટ જ નહી સૌરાષ્ટ્રભરના રાસરસિકો માટે “અબતક-સુરભી” હોટ ફેવરિટ બની ચુક્યું છે. પારિવારિક માહોલ, સઘન સુરક્ષા વ્યવસ્થા, સલામતી અને જડેસલાક આયોજનથી ખેલૈયાઓ નોરતામાં એકપણ દિવસ રતિભારની પણ તકલીફ ન પડે તેવું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આજે સાંજે મેગા ફાઇનલ રમાયા બાદ રાત્રે રાસોત્સવનો રંગ જામશે. જે પૂર્ણ થયા બાદ ફાઇનલમાં વિજેતા બનેલા ખેલૈયાઓના નામ જાહેર કરવામાં આવશે.

“અબતક-સુરભી” રાસોત્સવના આંગણે માનવંતા મહેમાનોની હાજરી અવસરની આભામાં વધુ ઓજસ પાથરી કરી છે. ર્માં જગદંબાના નવલા નોરતે “અબતક-સુરભી” રાસોત્સવના આમંત્રણને માન આપી રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.નિલાંમ્બરીબેન દવે, આર.કે.ગ્રુપના ઓનર સર્વાનંદભાઇ સોનવાણી સહપરિવાર સાથે “અબતક-સુરભી” રાસોત્સવમાં ગરબાની રંગત માણી હતી. ર્માં ના નવલા નોરતે વિવિધ ક્ષેત્રના અગ્રણી, મહાનુભાવોએ ઉપસ્થિત રહી ગરબાની મોજ માણી હતી.

ર્માં જગદંબા, આદ્યશક્તિના નવલા નોરતાના નવમાં નોરતે “અબતક-સુરભી” રાસોત્સવમાં કલાકારોના સુરીલા કંઠે તથા ઓરકેસ્ટ્રાની જબ્બરદસ્ત જુગલબંધીએ ખેલૈયાઓને મારૂં મન મોર બની થનગટ કરે તેવો જોમ-જુસ્સા સાથે ઝૂમી ઉઠ્યાં હતા. એવું કહી શકાય કે નોરતાના પ્રથમ દિવસથી લઇ નવ દિવસ સુધી “અબતક-સુરભી” રાસોત્સવમાં માનવ મહેરામણ હીલોળે ચડ્યું હોય તેવો અનેરો નજારો જોવા મળ્યો હતો. ર્માં ના નવલા નોરતે ખેલૈયાઓ રંગબેરંગી ટ્રેડીશનલ કપડાં પહેરીને મન મૂકીને ઝૂમી ઉઠ્યાં હતા. આજે વિજય દશમીએ મેગા ફાઇનલનો જંગ જામશે. જેમાં આજે સર્વ શ્રેષ્ઠ રાસવીરોની પસંદગી કરવામાં આવશે.

ખેલૈયાઓનો બસ એક જ સૂર છે. રાજકોટ જ નહિં પરંતુ સૌરાષ્ટ્રનું જો કોઇ બેસ્ટ ઓફ બેસ્ટ આયોજન હોય તો ફક્ત “અબતક-સુરભી રાસોત્સવ” ર્માં આદ્યશક્તિની આરતીથી “અબતક-સુરભી” રાસોત્સવનો આરંભ થાય છે. વિશાળ ગ્રાઉન્ડ, આકર્ષક-કલરફૂલ લાઇટીંગથી ગ્રાઉન્ડ આખું ઝળહળી ઉઠે છે. આજે “અબતક-સુરભી” રાસોત્સવનો છેલ્લો દિવસ છે ત્યારે સૌ કોઇ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમવા અધિરા બન્યાં છે.

અબતકસુરભી રાસોત્સવના સ્નેહના તાંતણે બંધાયેલા માનવંતા મહેમાન રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.નિલાંમ્બરીબેન દવે, આર.કે.ગ્રુપના ઓર્નર સર્વાનંદભાઇ સોનવાણી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીઅબતકસુરભી રાસોત્સવનું આંગણું શોભાવ્યું હતું. તમામ મહાનુભાવો કલાકારોના સથવારે જોમ અને જુસ્સાથી ગરબે ઘૂમતા ખેલૈયાઓને નિહાળી અભિભૂત થયાં હતાં.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.