Abtak Media Google News

ઓખાના દરિયામાંથી પકડાયેલ પાકિસ્તાની બોટ આતંકી હુમલા માટે સાધન સામગ્રીની ખેપ મારવા આવી હોવાની તર્જ ઉપર તપાસ, 10 આધુનિક પિસ્તોલ સ્વ બચાવ માટે ન હતી, ષડયંત્રની તૈયારી માટે હતી

મોદી સરકાર અત્યારે બે જ મુદાનો કાર્યક્રમ ચલાવી રહી છે એક તો અર્થતંત્રનો વિકાસ અને આતંકવાદનો ખાત્મો. દેશને સુરક્ષિત રાખવા સરકારે ખાસ તો ગુજરાતના દરિયાકિનારાને સુરક્ષિત બનાવ્યો છે. ઓખાના દરિયામાંથી જે પાકિસ્તાની બોટ પકડાઈ છે. તે આતંકી હુમલા માટેની તૈયારી માટે આવી હોવાની શંકા ઉપજી છે. આમ આતંકી હુમલા માટે ગુજરાતના દરીયાકિનારાના ઉપયોગનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.

એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી 40 કિલો હેરોઈન અને શસ્ત્રો સાથે ગુજરાતના દરિયાકાંઠેથી પાકિસ્તાની બોટના 10 ક્રૂ મેમ્બરને પકડ્યાના એક દિવસ પછી, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ડે આ મામલે આતંકી એંગલની તપાસ શરૂ કરી છે.

આઇસીજીએ સોમવારે અલ-સોહેલી નામની બોટમાંથી હથિયારો, દારૂગોળો અને રૂ. 300 કરોડની કિંમતનું 40 કિલો હેરોઈન વહન કરતા 10 ક્રૂ સભ્યોની ધરપકડ કરી હતી.  ગુજરાત એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “છેલ્લા ત્રણ દાયકામાં આ પહેલીવાર બન્યું છે કે ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હથિયારોની દાણચોરી થઈ રહી છે.

આ હથિયારોમાં છ ઈટાલિયન બેરેટા 92એફ પિસ્તોલ, 12 મેગેઝિન અને 120 કારતૂસનો સમાવેશ થાય છે જે ગેસ સિલિન્ડરમાં છુપાવવામાં આવ્યા હતા.  અન્ય બે સિલિન્ડરોમાં હેરોઈન છુપાવવામાં આવ્યું હતું.  અધિકારીએ જણાવ્યું હતું કે, આ શસ્ત્રો ખૂબ જ અત્યાધુનિક હોવાથી, તેઓ સુરક્ષા એજન્સી સાથેના કોઈપણ સંઘર્ષના કિસ્સામાં બદલો લેવા માટે ઉપયોગમાં લેવા માટે ન હતા.

આ હથિયારો અને ડ્રગ્સને સિલિન્ડરના નીચેના ભાગમાં કેવિટી બનાવીને સીલ કરવામાં આવ્યા હતા.  ત્યારબાદ તેઓએ ધાતુની પ્લેટ મૂકી અને તેમાં બ્યુટેન ગેસ ભર્યો જેથી કોઈને શંકા ન થાય કે તે સિલિન્ડરોમાં બીજું કંઈક છે.  હથિયારોને એવી રીતે સીલ કરવામાં આવ્યા હતા કે સંઘર્ષના કિસ્સામાં તેનો ઉપયોગ કરી શકાય નહીં.

તેથી, અમે દૃઢપણે માનીએ છીએ કે કોઈ સંગઠિત ગુનામાં અથવા કોઈ આતંકવાદી પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ કરવા માટે તેમની દાણચોરી કરવામાં આવી હતી,” એટીએસ અધિકારીએ જણાવ્યું હતું.  તેણે કહ્યું કે ડ્રગ્સ અને હથિયારો સલાયા કિનારે રિસીવરને આપવાના હતા અને તે ડ્રગ્સ અને હથિયારોનો ઉપયોગ ભારતમાં જ થવાનો હતો.

ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે 1992-93માં પોરબંદર અને સલાયામાં આ પ્રકારના હથિયારો ઉતર્યા હતા.  ભાટિયાએ જણાવ્યું હતું કે આ કેસનો મુખ્ય આરોપી હાજી સલીમ બલોચ નામનો પાકિસ્તાનના બલૂચિસ્તાનનો રહેવાસી છે જેણે બલૂચિસ્તાન પ્રાંતના ગ્વાદર બંદરેથી નીકળેલી અલ-સોહેલી બોટમાં માલ લોડ કર્યો હતો.

એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા લોકોની ઓળખ બલૂચિસ્તાનના રહેવાસી ઈસ્માઈલ સફરલ ઉ.વ.25, અંદામ અલી ઉ.વ.20, હકીમ દિલમોરાદ ઉ.વ.30, ગૌહર બખ્શ ઉ.વ. 38, અબ્દુલગની જાંગિયા ઉ.વ.45,  અમાનુલ્લાહ ઉ.વ. 27, કાદિર બખ્શ ઉ.વ. 55,  અલા બખ્શ ઉ.વ. 46, ગુલ મોહમ્મદ ઉ.વ. 30 તરીકે થઈ છે.

જમ્મુ કાશ્મીરમાં ત્રણ આતંકીઓ ઠાર, દારૂ ગોળો પણ મળી આવ્યો

સેનાના જવાનોએ વધુ એક આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું

જમ્મુ અને કાશ્મીરના સિધરામાં સુરક્ષા દળોએ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કર્યું છે. જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું કે સૂત્રોને સિધરા વિસ્તારમાંથી આતંકવાદીઓના જવાની માહિતી મળી હતી.  આ પછી સુરક્ષાદળોની ટીમે એક ટીમ બનાવીને ઘેરાબંધી કરી હતી.  જ્યારે આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું તો તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.

આ પછી સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો.  ટ્રકમાં મોટી માત્રામાં દારૂગોળો અને વિસ્ફોટકોનો જથ્થો હતો. આતંકવાદીઓ ટ્રકમાં નગરોટા જઈ રહ્યા હતા ત્યારે સિધરા પુલ પાસે સુરક્ષા દળોએ તેમને અટકાવ્યા.  થોડા દિવસો પહેલા પણ આ જ વિસ્તારમાં ગ્રેનેડ હુમલો થયો હતો.  એન્કાઉન્ટરને કારણે સિધ્રા માર્ગ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

26/11ના હુમલામાં ગુજરાતના દરિયાકિનારાનો ઉપયોગ થયો ‘તો

મુંબઈ પર પાકિસ્તાની આતંકવાદીઓના હુમલામાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. અંદાજિત એટલા જ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 26 નવેમ્બર 2008માં થયેલા આતંકવાદી હુમલાનું ગુજરાતના દરિયા કિનારા સાથે કનેક્શન છે. 26/11 હુમલા સમયે આતંકીઓ દરિયા મારફતે મુંબઈ પહોંચ્યા હતા. ગુજરાતના દરિયા કિનારાના નજીકથી આતંકીઓ પસાર થયા હતા. પોરબંદરના માછીમારનું અપહરણ કરી કુબેર નામની બોટ પર કબ્જો કર્યો હતો.

કુબેર બોટના ખલાસીઓ આતંકીઓના પહેલા શિકાર બન્યા હતા. જેમાં કેટલાક માછીમારોનું ગળુ કાપીને મારી નાખવામાં આવ્યા અને આ ખલાસીઓને દરિયામાં ફેંકી દેવાયા હતા. તો એક બોટ સંચાલક અને તેના સાથીને બંધક બનાવીને તે બોટને મુંબઈ સુધી લઇ જવા માટે કહ્યું.

દરિયામાં જે કુબેર બોટ પર પાકિસ્તાની આતંકવાદીઓએ કબજો કર્યો હતો, તે બોટ ચાલકનું નામ રમેશ બાંમણિયા હતું. બાદમાં પાકિસ્તાની આતંકવાદી બોટથી મુંબઈ પહોંચ્યા હતા. બાદમાં રમેશ બાંમણિયાની પણ આતંકવાદીઓએ હત્યા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.