Abtak Media Google News

પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો: વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત સમજ આપવામાં આવશે

પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. ધોરણ-9 થી 12ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમને સમાવવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાણકારી આપી છે. પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત સમજ આપવામાં આવશે.

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, હવે રાજ્યમાં ધોરણ-9 થી 12ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે, વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરશે. તે ઉપરાંત ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન થઇ શકશે, જેના થકી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ પ્રાપ્ત થશે અને આરોગ્ય સુધરશે.

શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ખતરનાક રસાયણોથી મુક્ત ખેતીના ભાવિ માટે અને દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકી તે માટેનો રોડ મેપ તૈયાર કર્યો છે. તેવી જ રીતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ધરતી માતાને ઝેર આપવાનું બંધ કરી રાજ્યના ખેડૂતો પાસે કુદરતી ખેતી કરાવવાના સંકલ્પ સાથે એક મુહિમ છેડી છે. રાજ્યમાં આ ઝીરો બજેટ ફાર્મિંગ પર ભાર મૂકી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.

જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી અવસ્થા દરમ્યાન શાળાકીય અભ્યાસક્રમ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ધોરણ-9 ના સામાજિક વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં લેવામાં આવ્યો છે. ત્યારબાદ ક્રમશ: ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12ના અભ્યાસક્રમમાં પણ પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે.

મંત્રીએ વધુ વિગત આપતા ઉમેર્યું કે, શૈક્ષણિક વર્ષ-2022-23થી ધોરણ-9માં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેથી ધોરણ-9ના બાળકોને આ વર્ષે જ સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમ દ્વારા તેની જાણકારી પ્રાપ્ત થશે. હવે પછીના વર્ષોમાં ક્રમશ: આગળના ધોરણોમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવનાર છે.

મંત્રીએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીનો સમાવેશ અભ્યાસક્રમમાં થવાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે. જેથી તેઓ તેમના વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરશે.

આ ઉપરાંત ભવિષ્યમાં તે પોતે પણ પ્રાકૃતિક ખેતી કરીને વધારે ઉત્પાદન મેળવી શકશે તેમજ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ નહિવત પ્રમાણમાં કરશે. જેના કારણે ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન થઇ શકશે. જેના થકી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ પ્રાપ્ત થશે અને તેમનું આરોગ્ય સુધરશે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણયથી રાજ્યના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થશે તેમજ વિશાળ દ્રષ્ટિએ વિચારતા રાજ્યના નાગરિકોના હિતમાં આ નિર્ણય ખૂબ જ લાભદાયી નીવડશે.

પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ નહિવત અને જમીન-પર્યાવરણની રક્ષા થાય છે: જી.આર.ગોહિલ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞ જી.આર.ગોહિલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને હવે પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે ભણાવવામાં આવશે. જે ખૂબ જ ઉપયોગી નીવડશે. આ અભ્યાસક્રમોમાં સૌપ્રથમ તો પ્રાકૃતિક ખેતીના સિદ્વાંતો, નિયમો તેની અમલવારી કંઇ રીતે કરવી અને પ્રેક્ટિકલ આઉટપુટ આ તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે. હાલમાં જે રીતે રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાથી લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે. ત્યારે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું તે ખૂબ જ જરૂરી છે. પ્રાકૃતિક ખેતી બિન કેમિકલ પ્રોડક્ટ દ્વારા કરી શકીએ છીએ. એકવાર વાવણી કર્યા બાદ બીજી કોઇપણ પ્રકારની જરૂર રહેતી નથી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલના સમયમાં 3 થી 5 ઇંચ વરસાદમાં પણ ખેતરોમાંથી પાણી બહાર આવી જાય છે. જો કે ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. 20 ઇંચ વરસાદે પણ ખેતરમાંથી પાણી બહાર નીકળતું નથી તેનું મુખ્ય કારણ પ્રાકૃતિક ખેતી છે.

અન્ય ખેતી કરતા ખેડૂતોની જમીનોમાં અળશીયાનું પ્રમાણ રાસાયણીક ખાતરોના ઉપયોગથી રહેતું નથી. જેને લઇને પાણી ઉંચા સ્તર સુધી જતું નથી અને બહાર નીકળી જાય છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ક્યાંકને ક્યાંક હાલના ખેડૂતોની માનસિકતા છે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઓછું મળે છે. જો કે આવું બિલકુલ નથી કેમ કે એક વર્ષ પ્રાકૃતિક ખેતી કર્યા બાદ બીજા વર્ષે ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને આવક પણ ધીમેધીમે બમણું થતી જાય છે. માટે હવે પ્રાકૃતિક ખેતી ખૂબ જ જરૂરી બની છે અને આ ખેતીમાં ખર્ચ નહિવત તેમજ જમીન, પર્યાવરણની રક્ષા થાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.