Abtak Media Google News
  • છઠ્ઠી વખત ચેમ્પિયન બનવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું

અંડર 19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે. હરજસ સિંહની અડધી સદી (55) પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાએ અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે 79 રને વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટે 253 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 43.5 ઓવરમાં 174 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ઓસ્ટ્રેલિયા અંડર 19 વર્લ્ડ કપમાં ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. બીજી તરફ છઠ્ઠી વખત ચેમ્પિયન બનવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે.

ખાસ વાત એ છે કે છેલ્લા થોડા મહિનામાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ત્રીજી વખત આઈસીસી ટ્રોફીથી વંચિત રાખ્યું છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારતની સિનીયર ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવી હતી. ભારત નવમી વાર ફાઇનલમાં પહોંચ્યું હતું, પણ છઠ્ઠી ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યું હતું. ખુદ કૅપ્ટન ઉદય સહારન (8 રન), સચિન ધાસ (9 રન), અર્શિન કુલકર્ણી (3 રન) અને મુશીર ખાન (22 રન) પર સૌથી વધુ મદાર હતો, પરંતુ ચારમાંથી એકેય બૅટર લાંબી ઇનિંગ્સ નહોતા રમી શક્યા. ટોચની બૅટિંગ લાઇન-અપ માટે શરમની વાત એ છે કે સ્પિનર મુરુગન અભિષેકે ઑસ્ટ્રેલિયાના પાંચ બોલરનો હિંમતથી અને સકારાત્મક અભિગમ સાથે સામનો કર્યો હતો અને ભયંકર માનસિક દબાણની સ્થિતિમાં 62 મિનિટ સુધી ક્રીઝ પર રહીને 46 બૉલમાં 42 રન બનાવ્યા હતા, પણ સામે છેડે પડતી જતી હોવાથી ભારત માટે જીતવાનું મુશ્કેલ બનતું ગયું હતું.

ભારતીય ટીમમાં ઓપનર આદર્શ સિંહ પણ 135 મિનિટ સુધી ક્રીઝમાં રહ્યો હતો અને 77 બૉલમાં 47 રન બનાવ્યા હતા, પરંતુ તેની સાતમી વિકેટ પડી ત્યારે જ ભારતની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું. ઑસ્ટ્રેલિયાના મહીલ બીઅર્ડમૅન અને રૅફ મૅકમિલને ત્રણ-ત્રણ તથા કૅલમ વિડિયરે બે વિકેટ લીધી હતી.

ભારતના કચ્છી પેસ બોલર રાજ લિંબાણીનો બોલિંગ પર્ફોર્મન્સ પાણીમાં ગયો હતો. તેણે શરૂઆતમાં જ ઑસ્ટ્રેલિયાને ઝટકો આપ્યો હતો અને કુલ 38 રનમાં ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બીજા ફાસ્ટ બોલર નમન તિવારીએ બે વિકેટ લીધી હતી. જોકે તેની બધી મહેનત પણ એળે ગઈ હતી. ઑસ્ટ્રેલિયાએ પહેલા બૅટિંગ લઈને સાત વિકેટે 253 રન બનાવ્યા હતા જેમાં ભારતીય મૂળના હરજસ સિંહના પંચાવન રન હાઈએસ્ટ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.