Abtak Media Google News

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ સાથે હવાઈ ભાડા અંગે ચર્ચા કરી છે અને તેમને ભાડા નક્કી કરતી વખતે જાતે જ નિયમન કરવા અને મુસાફરોના હિતને ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવી હતી, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે જણાવ્યું હતું. સિંધિયાએ આ નિવેદન લોકસભામાં હવાઈ ભાડાંમાં વધારા અને આ મુદ્દાને ઉકેલવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે પૂછવામાં આવેલા લેખિત સવાલના જવાબમાં આપ્યું હતું.

વર્ષાતે હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા 42 કરોડને આંબી જશે

તેમણે કહ્યુ હતું કે વર્તમાન નિયમો અનુસાર હવાઈ ભાડું ના તો સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે કે ન તો તેનું નિયમન કરવામાં આવે છે. એરલાઈન ફેર સિસ્ટમ મલ્ટિપલ લેવલમાં ચાલે છે જે વૈશ્વિક સ્તરે અનુસરવામાં આવતી પ્રેક્ટિસને ફોલો કરે છે.

વધુમાં સિંધિયાએ કહ્યું કે એરલાઇન્સ દ્વારા બજાર, માંગ, સિઝન અને અન્ય માર્કેટ પરિબળોને ધ્યાનમાં રાખીને ભાડું નક્કી કરવામાં આવે છે. બેઠકોની માંગમાં વધારો થવા સાથે વિમાન ભાડું વધે છે કારણ કે ઓછા ભાડાની સીટો ઝડપથી વેચાઇ જાય છે અને ઊંચા ભાડાની બકેટમાં જાય છે.

સિંધિયાએ માહિતી આપી હતી કે મંત્રાલયે એરલાઇન્સ સાથે ચર્ચા કરી છે અને તેઓને જાતે નિયમન કરવા અને હવાઈ ભાડા નક્કી કરતી વખતે મુસાફરોના હિતને ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતુ કે “એરલાઇન્સને ભાવ પર નિયંત્રણ રાખવા અને મુસાફરોના હિતને ધ્યાનમાં રાખવા માટે પણ સંવેદનશીલ બનાવવામાં આવી છે. એરલાઇન્સ એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે કુદરતી આફતો જેવી ઘટનાઓ દરમિયાન હવાઈ ભાડામાં વધારો થાય નહીં. ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે વિવિધ દેશોમાં હવાઈ ભાડા ગતિશીલ છે અને માંગ અને પુરવઠાના બજાર સિદ્ધાંતને અનુસરે છે.

તેમણે કહ્યું હતું કે ફ્લાઇટના ભાડા પર સંખ્યાબંધ પરિબળો અસર કરે છે જેમ કે ચોક્કસ ફ્લાઇટમાં પહેલેથી જ વેચાયેલી સીટોની સંખ્યા, વર્તમાન ઇંધણની કિંમત, રૂટ પર કાર્યરત એરક્રાફ્ટની ક્ષમતા, સેક્ટરમાં સ્પર્ધા, રજાઓ, તહેવારો, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. “વૈશ્વિક સ્તરે, મોટાભાગના દેશોએ તેમના ઉડ્ડયન ક્ષેત્રને નિયંત્રણ મુક્ત કર્યું છે. સરકાર દ્વારા લાદવામાં આવેલા એન્ટ્રી અને એરલાઇન્સ પરના ભાવ નિયંત્રણો દૂર કર્યા છે. ડિરેગ્યુલેશનને કારણે એરલાઇન કેરિયર્સ વચ્ચે સ્પર્ધા વધી છે જેના કારણે હવાઈ ભાડામાં ઘટાડો થયો છે.

જોકે મંત્રીએ કહ્યું કે હવાઈ ભાડા પર સરકારનું કોઈ નિયંત્રણ નથી, પરંતુ તેમણે એરલાઈન્સને વધુ એરક્રાફ્ટ ખરીદવા અને ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરવાનું સૂચન કર્યું છે. સરકારે લોકસભામાં જણાવ્યું કે છેલ્લા નવ વર્ષમાં હવાઈ મુસાફરોની સંખ્યા વધીને 14 કરોડ થઈ ગઈ છે અને 2023 સુધીમાં આ આંકડો ત્રણ ગણો વધીને 42 કરોડ થવાની આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.