Abtak Media Google News

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહશે

રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતમાં આવતીકાલે રાજકોટમાં મહત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ યોજાશે.

રાજ્યભરમાં આવતી કાલે યોજાનાર ‘સેલિબ્રેટિંગ ઇન્ડિયા ઽ75 આઝાદીકા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અન્વયે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે સવારે 9:00 કલાકે વિવિધ કાર્યક્રમો દ્વારા દાંડી માર્ચ અને ગાંધીજીના સત્યાગ્રહની યાદો જીવંત થશે.

પારંપરિક સ્વાગતથી શરૂ થનારા કાર્યક્રમમાં ધોળકિયા સ્કૂલના છાત્રો દ્વારા સ્વાગત ગીત, સ્વાતંત્ર્ય સેનાનીઓને આદરાંજલિ, ન્યુ એરા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, ગાંધીજીના પ્રિય ભજનો, પ્રાર્થના, ગાંધીજીના જીવન આધારિત ગરબો વગેરેની રજૂઆત કરવામાં આવશે. આઝાદીને કેન્દ્રસ્થાને રાખીને રજૂ થનારા કાર્યક્રમમાં આઝાદી સંબંધિત વિવિધ પ્રસંગોની ઝાંખી દર્શાવવામાં આવશે. આ પ્રસંગે અર્જૂનલાલ હિરાણી કોલેજ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના છાત્રો દ્વારા  સવિનય કાનૂનભંગની ફ્લેગમાર્ચ રજૂ કરશે. આઝાદીના જંગમાં પોતાના જાન ન્યોછાવર કરનારા ભારતના વીર સપૂતોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવશે. જાણીતા વક્તાઓશ્રી  શૈલેષભાઇ સગપરિયા તેમજ જવલંત છાયા આઝાદી અંગેના તેમના વિચારો રજુ કરશે. સ્વાતંત્ર ચળવળ અંગેની ટૂંકી ડોક્યુમેન્ટ્રીનું પણ આ પ્રસંગે પ્રસારણ કરવામાં આવશે.

ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદ, સાબરમતી આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમ સૌ મહાનુભાવો જીવંત નિહાળશે. આ જ રીતે ત્રંબા સ્થિત કસ્તૂરબાધામ ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે તેમ નિવાસી અધિક કલેકટરશ્રી પરિમલ પંડ્યાએ જણાવ્યું છે.

મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે પરિમલ પંડ્યા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર હર્ષદ પટેલ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ, સાંસ્કૃતિક વિભાગના ધર્મેન્દ્રસિંહ તેમજ અન્ય વિભાગના અધિકારીઓએ કાર્યક્રમને આખરી ઓપ આપવા બેઠક કરી હતી તેમજ રિહર્સલ નિહાળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.