Abtak Media Google News

બહારી આક્રમણોને ખાળવા હિન્દુ સમાજને એક થવા સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો અનુરોધ

રાજકોટમાં વાઘેશ્વર બાબા એટલે કે પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી ના દિવ્ય દરબાર નો દિવસ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ કાર્યકરોમાં અને તેમના ભાવિકોમાં ઉત્સાહ વધતો જાય છે. રેસકોર્સ ખાતે આવેલા બાગેશ્વર ધામ સેવા સમિતિના કાર્યાલયની મુલાકાતે દરરોજ જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવો આવી રહ્યા છે અને હિન્દુત્વની ચેતના ને જગાવી રહ્યા છે. બાગેશ્વરધામ સેવા સમિતિના કાર્યાલયની મુલાકાતે આવેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી તો આશીર્વાદ આપવા માટે આવેલા મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ બહારની તાકાત સામે લડવા માટે હિન્દુઓને એક થવા અનુરોધ કર્યો હતો.

મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, કૃષ્ણમણી મહારાજ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જીનિયસ સ્કૂલના ડીવી મહેતા, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, કરણી સેનાના જે.પી.જાડેજા, ધીરુભાઈ ડોડીયા, ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસ ના ચેરમેન શૈલેષભાઈ જાની, ઉપલા કાંઠા વિસ્તારના અગ્રણી રાજુભાઈ ઢોલરીયા(આતા), સંજયભાઈ ટાંક , જૈન વિઝનના મિલનભાઈ કોઠારી ,જય ખારા સહિતના અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીએ સમગ્ર હિન્દુ સમાજને એક થવા અપીલ કરી હતી તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દરેક કાર્યકરો તન મન અને ધનથી સેવા આપે તેમ કહીને રાજકોટનો આ કાર્યક્રમ આન બાન અને શાનથી સંપન્ન થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

બાગેશ્વર ધામ સેવા સમિતિના સભ્ય કાંતિભાઈ ઘેટીયા એ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના અને જ્ઞાતિને વાડાઓ દૂર કરવા પડશે તેના પર ભાર મૂક્યો હતો તો સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા એ પણ સમગ્ર હિન્દુ સમાજને એક થઈને બાગેશ્વર બાબાને આવકારવા અપીલ કરી હતી.જીનીયસ સ્કૂલના ચેરમેન ડી વી મહેતાએ કાર્યક્રમના દિવસે ગ્રાઉન્ડ મેનેજમેન્ટ યોગ્ય રીતે જળવાય તે જોવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો.

પ્રારંભમાં બાગેશ્વર ધામ સેવા સમિતિના યોગીનભાઈ છનિયારાએ સૌ મહેમાનોને આવકાર્યા હતા જ્યારે કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ દોશીએ કર્યું હતું.દરમિયાન રાજકોટમાં યોજાનારા મહા દિવ્ય દરબારના કાર્યક્રમને અનુલક્ષીને બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા રાજકોટમાં વિભિન્ન રાજમાર્ગો ઉપર આગામી 29મીએ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ શોભાયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે. 29 મી ને સોમવારે બપોરે 4:00 વાગ્યે શાસ્ત્રી મેદાનથી નીકળશે.

આ શોભાયાત્રાના રૂટ અનુસાર શાસ્ત્રી મેદાન, કોર્પોરેશન ચોક, નાગરિક બેન્ક ચોક, મવડી ઓવરબ્રિજ, આનંદ બંગલા ચોક, વિશ્વેશ્વર મહાદેવ, મવડી ચોકડી, બાલાજી હોલ, નાના મવા સર્કલ, બિગ બજાર ચોક, ઇન્દિરા સર્કલ, કોટેચા ચોક,સ્વામિનારાયણ મંદિર, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન, ચોક યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક કિસાનપરા અને એરપોર્ટ રોડ સર્કલ એ મુજબ રાખવામાં આવ્યો છે.

આ શોભા યાત્રાના ઇન્ચાર્જ તરીકે વિજયભાઈ વાંક, કૃષ્ણસિંહ જાડેજા, સુરજભાઈ ડેર , રાજવીરસિંહ વાળા અને કેયુરભાઈ રૂપારેલની નિમણૂક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.