Abtak Media Google News

સ્વદેશી બ્રાન્ડના બેનર હેઠળ ટુથપેસ્ટથી માંડીને તલનું તેલ અને સાબુથી માંડીને સરસવનું તેલ વેચતી દેશની ટોચની એફ.એમ.સી.જી. બ્રાન્ડ બની ચુકી છે

ભગવાનમાં જેને વિશ્વાસ હોય તેના જીવનમાં શ્વાસ અને ઉલ્લાસ ક્યારેય સાથ છોડતા નથી એવું આપણા વડવા કહી ગયા છે. પરંતુ જેના ઉપર ભગવાન ઉપરાંત ભગવી યુતિ અને ભાજપને વિશ્વાસ હોય તે ક્યાં પહોંચી શકે છે તે તેનુંજિીવંત ઉદાહરણ છે પતંજલી વાળા બાબા રામદેવજી..! એક સમય હતો જ્યારે ભરી સભામાં બાબાને સાડી પહેરીને પલાયન થવાના પેંતરા રચવા પડ્યા હતા. જે આજે ભગવી ધોતીમાં દેશનાં  કોર્પોરેટ જગતને હંફાવે છૈ.  વર્ષ 2011-12 સુધી બાબા રામદેવની હરિદ્વાર સ્થિત યોગ વિદ્યાપિઠ અને તેમના આયુર્વેદિક ઉત્પાદનોનું માર્કેટ  એક ચોક્કસ વર્ગ સુધી સિમીત હતું જ્યારે તેમની વાર્ષિક 300 કરોડ રૂપિયાની હતી. અહીં આવકની વાત છે નફાની નહી,. આ એજ બાબા રામદેવનું પતંજલિ ગ્રુપ છે જેની 2022-23 ની આવક 45000 કરોડ રૂપિયા થઇ ચુકી છે અને આગામી પાંચ વર્ષમાં આ આંકડો એક લાખ કરોડથી વધારે કરવાની બાબા તૈયારી કરી રહ્યા છે. આને કહી શકાય ભગવુ કોર્પોરેટાઇઝેશન..!

Screenshot 3 49

એક સમયે માત્ર યોગ અને આયુર્વેદિક દવાઓ વેચતી આ કંપની બાદમાં સ્વદેશી બ્રાન્ડના બેનર હેઠળ ટુથપેસ્ટ થી માંડીને તલનું તેલ અને સાબુ થી માડીને સરસવનું તેલ વેચતી દેશની ટોચની એફ.એમ.સી.જી. બ્રાન્ડ બની ચુકી છે. 2014 ના વર્ષ બાદ એટલે કે કેન્દ્રમાં મોદીજીની સરકાર આવ્યા બાદ આ ગ્રુપનો વર્ટિકલ ગ્રોથ જોવા મળ્યો છે.  અત્યાર સુધી મધ્યમ વર્ગીય ભારતીય માટે પતંજલી બ્રાન્ડનાં ઉત્પાદનો બજારમાં આવતા હતા હવે કંપની દેશનાં પ્રિમિયમ રેન્જના ગ્રાહકો માટે પ્રોડક્ટ બજારમાં લાવવા તૈયાર થઇ છે.

દેશની મોટાભાગની એફ.એમ.સી.જી કંપનીઓ માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન માટે વાર્ષિક અબજો રૂપિયાનાં બજેટ બનાવતી હોય છે જ્યારે બાબાની કંપનીમાં બાબા પોતે જ બ્રાન્ડ એમ્બેસેડર છે પોતે જ ફાઇનાન્સ ઓર્ગેનાઇઝર છે, પોતે જ પ્રમોટર છે અને સરકારે સાથેનાં લાઇઝનીંગ ઓફિસર છે.  બાબાનાં પ્લાનિંગ અને સપના ઘણા ઉંચેરા છે પણ 2023-24 નાં પ્રથમ .ત્રિમાસિકગાળાનાં આંકડા બોલે છે કે પતંજલિ ફૂડ્સનો નફો 67 ટકા જેટલો ઘટ્યો છે. ખચર્ચમાં નવ ટકા જેટલો વધારો થયો છે. મશીનરીનો ઘસારા ખર્ચ અને અન્ય ખર્ચ બમણો થઇને 67 કરોડ રૂપિયાથી ઉપર ગયો છે. જ્યારે આવક આઠ ટકા વધીને 7767 કરોડ રૂપિયા થઇ છે. યાદ રહે કે હંમેશા આવક વધે તો નફો વધે જ એ જરૂરી નથી. બાબાનાં કેસમાં પણ એવું જ થતું જોવા મળે છે. બેશક આવકનો વધારો કંપનીનાં ગ્રાહકોમાં વધારો થઇ રહ્યો હોવાના સંકેત જરૂર આપે છે જે કદાચ કંપનીને લાંબાગાળે લાભ કરાવી શકે છે.

બાબાએ 2019 માં ફડચામાં જઇ રહેલી રુચિ સોયા કંપનીને હસ્તગત કરી હતી. અગાઉ રૂચિ સોયા ગ્રુપે બાબાનાં વિવિધ ખાદ્યતેલોના ઉત્પાદનનું જોબ વર્ક પણ કર્યુ હતું. બાબાનો દાવો છે કે હાલમાં પતંજલિ માત્ર હિન્દુસ્તાન યનિ લિવરનાં કારોબારથી પાછળ છે જે ટૂકસમયમાં આગળ નીકળવાનાં સપના જોવે છે. આજે તેના 70 કરોડ ગ્રાહકો છે  જે 100 કરોડ સુધી પહોંચાડવાની રણનીતિ છે. 2022-23 ના વર્ષમાં કંપનીની કુલ 45000 કરોડ રૂપિયાની આવક માંથી 31500 કરોડ રૂ.પિયાની આવક તો પતંજલિ ફૂડ્સમાંથી જ થઇ છે.  જેને આગામી દિવસોમાં 50000 કરોડ સુધી પહોંચાડવાની મહત્વકાંક્ષા છે.

છેલ્લા પાંચ વર્ષમાં પતંજલિ આયુર્વેદિક બ્રાન્ડમાંથી એફ.એમ.સી.જી અને કોસ્મેટિક બ્રાન્ડ બની ગઇ છૈ. જે આધ્યાત્મિક ફ્લેવર માંથી હવે બિઝનેસ, અને કોર્પોરેટ ફલેવર આપે છે. હવે દેશી ઘી સાથે પતંજલિ સ્પોર્ટસ ડ્રીંકસ પણ વેચે છે. અને રાગીમાંથી બનાવેલા શક્તિ વધર્ક કહેવાતા બિસ્કીટ પણ વેચે છે.  હવે ઘણી પ્રોડક્ટ એવી છે જે કોઇ બનાવે પણ પતંજલિના નામે વેચાય છે.

કદાચ આગામી દિવસોમાં પતંજલિ બ્રાન્ડનાં કેસરી કે ભગવા કલરનાં કોટ પેન્ટ પણ વેચાય તો નવાઇ નહી..! કારણ કે આજે દેશમાં ભગવાનાં નામે કાંઇ પણ વેચાઇ શકે છે. જ્યાં સુધી ભગવી સરકાર છે ત્યાં સુધી તો આ શક્ય છે જ..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.