Abtak Media Google News

હરીફ પક્ષના શખ્સોએ સરપંચને આંતરી છરી – પાઇપ વડે તૂટી પડ્યા: ચાર શખ્સો સામે નોંધાતો ગુનો

પોરબંદર પંથકના બગવદર તાલુકાના સિમાણી ગામે ચૂંટણીની અદાલતનો ખાર રાખી હરીફ પક્ષના શખ્સોએ સરપંચને રસ્તામાં આંતરી છરી અને પાઇપ વડે હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. બગવદર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથઘરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બગવદર તાલુકાના સિમાણી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા અને સરપંચ તરીકે સેવા બજાવતા વિજયભાઈ જેસાભાઈ સુંડાવદરા નામના 40 વર્ષના યુવાન પર ગત તા.11મી ડિસેમ્બરના રોજ તેના જ ગામના દિલીપ લાખા ઓડેદરા, ભરત અરભમ મોઢવાડીયા અને અન્ય બે અજાણ્યા શખ્સોએ છરી અને પાઇપ વડે હુમલો કરતા સરપંચને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલના બિછાને રહેલા સરપંચ વિજયભાઈ સુંડાવદરાએ બગવદર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગત સરપંચની ચૂંટણીમાં વિજયભાઈ સામે આરોપી દિલીપ ઓડેદરા પણ ઉભો હતો. જેમાં વિજયભાઈ સરપંચ તરીકે ચૂંટાય આવ્યા હતા અને દિલીપની હાર થઈ હતી. જેના કારણે ચૂંટણીની અદાલતનો ખાર રાખી ગત 11મી ડિસેમ્બરના રાત્રીના વિજયભાઈ પોતાના બાઈક પર ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં ઉભેલા દિલીપ ઓડેદરા, ભરત મોઢવાડીયા સહિત ચાર શખ્સોએ સરપંચને રસ્તામાં આંતરી છરી અને પાઇપ વડે માર માર્યો હતો.

હુમલામાં ઘવાયેલા સરપંચ વિજયભાઈને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે અંગે બગવદર પોલીસે દિલીપ ઓડેદરા, ભરત મોઢવાડીયા સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.