Abtak Media Google News

અબતકમ, રાજકોટ

રાજકોટમાં બે માસ પહેલા પોલીસનો સ્વાંગ સજી ચેકિંગના બહાને જૂનાગઢના સોની પાસેથી ૨૨ લાખનું સોનું પડાવીને ભાગી છૂટવાના ગુનામાં એક આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં આવેલા જૂનાગઢના સોની વેપારી દિપક અશોકભાઈ જોગીયા કરણસિંહજી હાઇસ્કુલ પાસેથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ પોતાની પોલીસ તરીકે ઓળખ આપી ચેકિંગના બહાને તેની પાસેથી ૨૨ લાખની કિંમતના સોનાના બિસ્કિટ પડાવી લઈને ભાગી છૂટયા હતા.

ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ આરોપીઓ પૈકી યુસુફ અલી અઝીઝ અલી શેખે જેલમાંથી જામીન પર છુટવા અરજી કરી હતી આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ મુકેશ પીપળીયા હાજર થયા હતા અને તેમણે જામીન અરજીનો વિરોધ કરતા કોર્ટને જણાવ્યું હતું કે આરોપી તથા તેની ગેંગે રાજ્યમાં આવા અનેક ગુના કર્યા છે.

આંતરરાજ્ય ગુનેગાર છે, જો તેને જામીન આપવામાં આવે તો ફરી આવા ગુનાઓ આચરશે, તથા લોકોની મિલકતોની સુરક્ષા રહેશે નહીં આ રજૂઆતોને ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજ ડી. એ. વોરાએ આરોપી યુસુફ અલી અઝીઝ અલી શેખની જામીન અરજી નામંજૂર કરી હતી.આ કામમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ મુકેશ પીપળીયાએ રજૂઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.